લલિતા ચરિતામૃતના પ્રકરણ ૧૬ ના ભંડપુત્ર વધ નામના અધ્યાયમાં બાલાએ ભંડાસૂરના ત્રીસ પુત્રોનો વધ કર્યો તેની વિસ્તૃત માહિતી આપેલ છે જે સર્વનો વધ આદિપરાશક્તિ લલિતા અંબાના બાળા સ્વરૂપ બાલા અંબાએ કરેલો છે તેમ ઉલ્લેખ મળે છે.
ભંડાસૂરના ત્રીસ પુત્રો છે જે મહાબળવાન છે. તેમની કાયા ખૂબ મોટી છે. તેઓ મહાપરાક્રમી છે. તેઓના નામ ચતુર્બાહુ, ચકોરાક્ષ,ચતુશીરા, વ્રજધોષ, ઉધ્વકેશી, મહાકાય, મહાહનુ, મખશત્રુ, મખસ્કંદી,સિંહઘોષ, શિરાલક, લડુન, પટ્ટસેન, પૂરાજીત, પૂર્વમારક, સ્વર્ગશત્રુ, સ્વર્ગબલો, દુર્ગાખ્ય, સ્વર્ગકંટક, બૃહન્માય, અતિમાય, ઉપમાય અને વીર્યવાન એમ અનુક્રમે ત્રીસ મહાયોદ્વા અને કૂર દૈત્યો હતા. આ ત્રીસ પુત્રો પિતા ભંડાસૂરની આજ્ઞાથી મણિદ્વીપના ચિંતામણિ ભુવનમાં બિરાજતી લલિતા અંબા સામે યુદ્ધ કરવા માટે જાય છે.
જયારે ભંડાસૂરના પુત્રો બસો અક્ષૌહિણી સેના સાથે નગરમાંથી નીકળે છે ત્યારે સંકલ્પ કરે છે કે આજે અમે લલિતા અંબાની શક્તિઓનું ભક્ષણ કરી જઈશું. તેમના હથિયારોને તીક્ષ્ણ બાણોથી ચૂર કરી દઈશું. અગ્નિ કિલ્લાનો નાશ કરી દઈશું. લલિતા અંબાને બંદી બનાવી લઈશું. આમ આવી વાતો કરતા કરતા ભંડાસૂરના મૂર્ખ પુત્રો મણિદ્વીપ આવી પહોચ્યા. તેઓ અગ્નિ કિલ્લા પાસે ઉભા રહીને જયનાદ કરવા લાગ્યા. તેમણે ઘોર અવાજો કર્યા. બ્રહ્માંડ તૂટી પડે તેવી ભયંકર ગર્જનાઓ કરવા માંડયા. આ સમગ્ર ગંભીર અવાજ શક્તિઓના કાનમાં ગૂંજયો. ભંડાસૂરના પુત્રો યુદ્ધ કરવા આવ્યા છે તે જોઈને બાલા અંબાને મન આશ્ચર્ય થયું.
તમને પ્રશ્ન થશે કે આ બાલા અંબા કોણ છે ?
બાલા અંબા લલિતા અંબાની કુમારી છે. તે લલિતા અંબાની નિકટ રહે છે. તે શક્તિસેનાની પૂજય છે. તે મહાપરાક્રમી છે.બાલા અંબા લલિતા અંબા જેવી જ આકૃતિ ધરાવે છે. બાલા અંબા નવ વર્ષની છે.તે સદાય નવ વર્ષની જ રહે છે. તે સર્વ વિદ્યાઓની મહાખાણ છે.બાલસૂર્ય જેવી તે તેજસ્વી છે.લાલ રંગની વેલ જેવી સુંદર તેની આકૃતિ છે. તે લલિતા અંબાનું ચતુર્થ નેત્ર છે. બાલા અંબા લલિતા અંબાનો બહાર વિચરતો પ્રાણ છે. તે લલિતા અંબાની છત્રછાયામાં રહે છે.
ભંડાસુર પુત્રોના આગમનથી બાલા ક્રોધે ભરાઈ છે. તેણે લલિતા અંબાને કહ્યું કે “હે માતા ! મારે ભંડના દૈત્ય પુત્રોનો વધ કરવો છે.મારી ભુજા તેમને મારવા માટે ફરકી રહી છે. મારે માટે તેમને મારવા રમત છે. તે લોકોને મારવા માટે તમે મને ના પાડતા નહી. હું બાલિકા નિત્ય રમકડાથી રમું છું અને રમવામાં પ્રીતિવાળી છું તેથી આ ક્ષણભર યુદ્ધની રમતથી મને આનંદ થશે.
જયારે બાલા અંબાએ લલિતા અંબાને આમ કહ્યું ત્યારે દેવી લલિતા અંબા બોલ્યા કે હે પુત્રી ! તું હજી બાળક છે. તને માત્ર નવ વર્ષ જ થયા છે.તે હમણા જ યુદ્ધની શિક્ષા પ્રાપ્ત કરી છે. તું મારી એક જ કન્યા છે.તારા વગર મારો એક ક્ષણ પણ શ્વાસ નહી ચાલે. તું જાણ કે તું મારો શ્વાસ જ છે.તું યુદ્ધમાં ના જા.મારી દંડિની,મંત્રિણી અને બીજી કરોડો શક્તિઓ છે તો તું યુદ્ધ કરવા માટે હઠ ( જીદ ) ના કર.
આમ જયારે લલિતા અંબાએ બાલા અંબાને ક્હ્યું ત્યારે બાળક હઠ કરે તેમ બાલા અંબાએ હઠ કરી કે “મારે યુદ્ધ કરવા જઉં જ છે, તમે મને આજ્ઞા આપો”. આમ બાલા અંબાનો દ્ઢ નિશ્ચર્ય જોઈને લલિતા અંબા મલકાયા. તેમણે બાલા અંબાને ગળે લગાડીને યુદ્ધમાં જવાની આજ્ઞા આપી.
માં લલિતા અંબાએ બાલા અંબાને પોતાના કવચને કાપીને બાલા અંબાને કવચ આપ્યું. પોતાના શસ્ત્રોમાંથી શસ્ત્રો આપ્યા. બાલા અંબાને યુદ્ધ કરવા માટે મોકલ્યા. લલિતા અંબાએ પોતાના ધનુષબાણથી કરણી રથ બનાવી આપ્યો. તે રથની સાથે બસો હંસ જોડયા હતા. તેમાં બાલા અંબા બિરાજમાન થયા.
માં બાલા અંબા જયારે યુદ્ધના મેદાનમાં ગયા ત્યારે શું થયું તે માટે આવતીકાલે ભાગ- ૨ વાંચો.
નોંધ – આ લેખનો આધાર શ્રી લલિતા ચરિતામૃત નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
લેખ ક્રમશ:
જય બહુચર માં.