⦿ સ્કંદ પુરાણ અનુસાર પૂર્વે ધર્મારણ્ય (ધર્મનું વન) માં બોરડીના વૃક્ષ હતા તે બોરુવનમાં વરખડીના વૃક્ષ નીચે જગદંબા આદિ પરાશક્તિ બાળા સ્વરૂપે એક અબજ એસી કરોડ બાર લાખ બોતેર હજાર સાતસો ચાર વર્ષ પહેલા પ્રગટ થયા હતા. બાળાનું આ પ્રાગટય દંઢાસૂર દૈત્યનો વધ કરવા માટે થયું હતું.
⦿ પણ અહીં મનમાં સળવળતો એક પ્રશ્ન એમ છે કે બાળા વરખડીના વૃક્ષ નીચે જ કેમ પ્રગટ થયા ? વરખડીનું એવું શું મહત્વ છે ? આટલા બધા બોરડીના વૃક્ષો વચ્ચે બાળાએ વરખડીના વૃક્ષને જ કેમ પસંદ કર્યું ?
⦿ એકાવન શક્તિપીઠની કથામાં સતીનો ડાબો હાથ ધર્મારણ્યમાં પડયો હતો તેમ ઉલ્લેખ છે તો શું સતીનો ડાબો હાથ આ વરખડીના વૃક્ષ નીચે પડયો હશે ? આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઉદભવતા હતા પછી અનેક તર્ક-વિતર્ક, ગ્રંથો અને પુસ્તકોને ફેંદીને આ તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટેની મારી પ્રબળ ચેષ્ટાએ મને ખૂબ મહેનત કરાવી પણ મનમાં એમ પણ હતું કે આ કાર્ય મને લોકહિત માટે માતાજીએ જ સૂઝાડયું હશે.
⦿ શ્રી બહુચર અંબા પ્રસન્નોતુ પુસ્તકમાં “વરખડીવાળા આદ્યસ્થાન” વિશે ઉલ્લેખ મળી આવે છે કે નવા મુખ્ય મંદિરની જોડે જ વરખડીના વૃક્ષ નીચે શ્રી બહુચર માતાજીના આદ્યસ્થાન રૂપે ૬ × ૪ ૧/૨ મીટરનું મંદિર આવેલ છે. પ્રાચીન કાળમાં જે સ્થળે શ્રી માતાજી બાલા સ્વરૂપે ત્રિશૂળ મારી સજીવન જળ ઉત્પન્ન કરેલું તે જ આદ્યસ્થાન છે. વળી સાથે જ વરખડીનું પુરાતન વૃક્ષ છે જે કાયમ લીલું રહે છે અને તેના પાન ખાધે મીઠા લાગે છે એનું મૂળ બાંધકામ સનખલ રાજવીએ સંવત ૧૨૦૮ માં કરાવેલું હતું.
⦿ શ્રી બહુચરાજી મંદિરના મુખ્ય પૂજારી મિત્ર શ્રી તેજસભાઈ રાવલ આ પ્રશ્ન અંગે તર્ક આપતા કહે છે કે માઁ જે સ્થાને પ્રગટે એ સ્થાન આપોઆપ સિદ્ધ થઈ જાય છે તેથી બાળા વરખડીના વૃક્ષ નીચે બિરાજમાન થયા તો આ વૃક્ષ આપોઆપ સિદ્ધ થઈ ગયું કહેવાય અર્થાત્ માતાજીના બેસણાથી વરખડીના વૃક્ષની ગરિમા વધી.
⦿ વરખડીના વૃક્ષ વિશે અન્ય સંશોધન કરતા જાણવા મળે છે કે વરખડીનું વૃક્ષ સ્વભાવે ઘટાદાર અને ટકાઉ હોય છે પણ આ વૃક્ષની વિશેષ ખાસિયત એમ છે કે તે હંમેશા ઝૂકેલું રહે છે. (જે ઝૂકેલું રહે તે માઁ ને ગમે) વરખડીનું વૃક્ષ કાળઝાળ ગરમીમાં મીઠી છાયા આપનારું એક અદભુત વૃક્ષ છે. આ વૃક્ષની કોઈ ઉંમર નથી હોતી અર્થાત્ તે કેટલાય વર્ષો સુધી અડીખમ રહે છે. વરખડીની સંધિ છૂટી પાડો તો જે વર્ષોવર્ષ સુધી ખડુ રહે છે તેવુ વૃક્ષ એમ કલ્પના કરી શકાય છે.
⦿ વરખડીના વૃક્ષને અંગ્રેજીમાં “ANOGEISSU LATIFOLIA” કહે છે. આ વૃક્ષો ભારત સિવાય નેપાળ, શ્રી લંકા અને મ્યાનમાર જેવા દેશોમાં જોવા મળે છે.
⦿ ધર્મારણ્ય અર્થાત્ અત્યારના ચુંવાળ પંથકમાં બોરડીના વૃક્ષોની સાથે વરખડીના પણ અનેક વૃક્ષો હતા. તેનો પુરાવો “શ્રી બહુચર આરાધના” નામના પુસ્તકમાં છે. આ પુસ્તકમાં વર્ણન છે કે ચુંવાળ પંથકમાં બાળા વરખડીના વૃક્ષ નીચે પ્રગટ થયા ત્યારે દૈત્યરાજ દંઢાસૂરનો કૂકવાઈ પાસે વધ કર્યા બાદ શંખલપુરના જંગલોમાં વરખડીના વૃક્ષો નીચે યુદ્ધનો થાક ઉતારવા માટે વિસામો કરવા બિરાજમાન થયા હતા.
⦿ બારોટના ચોપડે ઉલ્લેખ મળે છે કે ચુંવાળ પંથકમાં આવેલ મરતોલી ગામે શ્રી ચેહર માતા ૯૦૦ વર્ષ જૂની વરખડી નીચે બિરાજમાન છે.
⦿ હું મારા મનની વાત લખું તો ચુંવાળ પંથકમાં શ્રી બહુચર માતા વરખડીના વૃક્ષની છાંયામાં બેસીને અનેક ભકતોના જીવનના દુ:ખ રૂપી તડકા દૂર કરીને સુખ રૂપી છાંયા આપી શકે એટલે વરખડી નીચે બિરાજે છે.
⦿ આ લેખ લખવામાં મારા પ્રિય મિત્ર નાગર બ્રાહ્મણ એવા શ્રી વિદ્યાના દીક્ષિત શ્રી ઉજ્જવલભાઈ રાવલે મને ખૂબ મદદ કરી છે તથા અનેક પર્યાવરણ જ્ઞાતાઓ અને બીજા અન્ય મિત્રોએ મદદ કરી છે તે બદલ હું સર્વનો આભારી છું.
⦿ બોલો વરખડીવાળા શ્રી બહુચર માતાની જય.
જય બહુચર માઁ.
લેખક – વિશાલ મોદી