29 C
Ahmedabad
Thursday, September 19, 2024

માં બહુચરનું સરનામું

આજે માં બહુચર પ્રત્યેની જે લાગણીઓ મનમાં ઉભવી છે એ લાગણીઓ સિવાય કંઈ નહી લખું.ઘણા વર્ષો પહેલા મારી સાથે એક પ્રસંગ બન્યો ત્યારે મનોમન બોલાઈ ગયું હતું અને પછી લખાઈ પણ ગયું હતું કે “જે મનનું સાંભળી જાય એને માં બહુચર” કહેવાય.

એ પ્રસંગને વર્ણવું તો હું એકવાર ચુંવાળ બહુચરાજી મંદિરમાં માતાના ચરણોમાં લીન હતો.ત્યાં પ્રસાદના થાળમાં ફૂટનો પ્રસાદ ભકતોને વહેંચવામાં આવતો હતો.એ થાળમાં ઘણા બધા ફ્રૂટની વચ્ચે એક નાનકડી સુંદર દ્રાક્ષ હતી.

મને મનોમન એમ થયું કે માં તારા દર્શન કરું પછી આ એક નાનકડી દ્રાક્ષ મને પ્રસાદ રૂપે મળે.ત્યાં માં ની મૂર્તિના દર્શન કરતા આંખો બંધ થઈ,થોડી ધ્યાન અવસ્થામાં લીન થયો અને આંખો ખોલી ત્યારે પૂજારી શ્રી દ્રાક્ષના ઝૂમખા લઈને પ્રસાદના થાળ પાસે આવ્યા અને એ બધી દ્રાક્ષને છૂટી કરીને થાળમાં પધરાવી. બસ એ વખતે જે અંતર મનથી શબ્દો નીકળ્યા કે “માં તું તો મનનું સાંભળી જાય છે અને તું તારા ભક્તોને એક નહી અનેક ગણું આપી જાય છે”.

હકીકત કહું તો મને લાલચ દ્રાક્ષની નહોતી પણ માતાના અમૂલ્ય પ્રસાદની હતી. ઘણું આપ્યું છે માં એ મને ! ચાર લોકો માંડ ઓળખતા હતા પરંતુ જયારથી માં ના ગૌરવની ગાથા અને મહિમા વિશે લખતો થયો એ બાદ મને આજે દોઢ લાખથી પણ વધારે લોકો ઓળખે છે. માં નો મહિમા વર્ણવતા ત્રણ વર્ષમાં બારસોથી પણ વધારે આર્ટિકલ કોઈ ક્ષતિ વિના લખાવવા તથા આપ સૌનો અવિરત પ્રેમ અને સાથ સહકાર મળવો એ બધી શ્રી બહુચર માંની કૃપા !

તમારા બધાની જેમ હું પણ સાવ સામાન્ય માણસ છું. મારા જીવનમાં પણ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને એવા અઘરા પ્રશ્નો કે જેનું સમાધાન કરતા કરતા હું પોતે પણ થાકી ગયો હતો પણ છેવટે આ પ્રશ્નોના સમાધાન કરવા માટેનું સરનામું તો મને મારી કુળદેવી શ્રી બહુચર માં નું જ મળ્યું.

માંની પર પૂર્ણ એવી શ્રધ્ધા રાખી કે મારા જીવનમાં આવતા તમામ અઘરા પ્રશ્નોના સમાધાન મળતા ગયા.મને હવે કોઈ કામ મારાથી થયું હોય એવું નથી લાગતું પણ એવો જ ભાવ આવે છે કે બધુ માતાએ કર્યું.હું પચાસ વખત બોલું છું કે “માતા મોટી”.. સો વખત એવું બોલું છું કે “તું ના હોત તો આ બધુ કેમ પાર પડત ?? બસો વખત કહું છું કે “હે માં ! તારી કૃપા વગર મારાથી પાંદડું પણ નહી હલે ! એટલે લાગણીઓની શાહીથી આજે ફરીથી લખાઈ ગયું કે

“અઘરા પ્રશ્નોના સમાધાન કયાંથી મળે ?
છેવટે સરનામું મને તારું યાદ આવ્યું !!”

અંતે એક અગત્યની વાત કહેવી છે કે ચુંવાળ ચોક જાઓ,શંખલપુર મંદિર જાઓ, નવાપુરા જાઓ, દૂધેશ્વર કે સોલા જાઓ કે કોઇ પણ સ્થળે જાઓ બધે આપણને માં બહુચર દેખાવી જોઈએ. આ મંદિર અસલ છે કે નકલ છે એની ભાંજગડમાં ના પડવું જોઈએ. મંદિરોના એકબીજા પ્રત્યેના જે માનવીય ભેદભાવ થાય છે એ ખરેખર માતાને નહી ગમતું હોય.બધા સ્થાને માં નો વાસ છે એટલે તો એ સ્થાને તે પૂજાતી હશે ને !! તમે બહુચર માતાની નાની દેરીએ જાઓ કે બહુ જ મોટા મંદિરે જાઓ પણ સદાય સરનામું માં બહુચરનું જ મળવાનું છે. દરેકની અલગ અલગ સ્થળે શ્રદ્ધા હોઈ શકે અને જેની જયાં શ્રદ્ધા હોય ત્યાં જાય એનો કોઈને કોઈ જ વાંધો નથી પરંતુ ભેદભાવ કયારેય ના કરવા જોઇએ એવી મારી શ્રી બહુચર ભક્તોને હાથ જોડીને વિનંતી છે.

“હશે લાંબી મંઝિલ અમારી, છતાં તારી આશ છે.
સદા અનુભવીશું કે “માં તું અમારી આસપાસ છે.”

જય બહુચર માં

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page