આ દ્વાપરયુગની વાત છે.પાંડવો જુગારમાં બધુ હારી ગયા બાદ તેઓ વનવાસ માટે નીકળ્યા હતા. તેઓને તેમના વનવાસકાળ દરમ્યાન કોઈ તેમને શોધી ના શકે તેવો એક વર્ષનો અજ્ઞાતવાસ વિતાવવાનો હતો.
પાંડવો એક વર્ષના અજ્ઞાતવાસ માટે શ્રી કૃષ્ણની પ્રેરણાથી ધર્મારણ્યમાં બોરૂવનના જંગલોમાં આવ્યા અર્થાત્ ચુંવાળ પંથકમાં આવ્યા જયાં પૂર્વે સતીનો ડાબો હાથ પડયો હતો. આ સિદ્ધ જગ્યા પર માં જગદંબાના બાળ સ્વરૂપ બાળા બહુચરનો વાસ હતો જયાં પૂર્વે દંઢાસૂરનો વધ કરવા માટે માં બાળા પ્રગટ થયા હતા.
અહીં બોરૂવનના જંગલોમાં અન્નની વ્યવસ્થા હતી નહી તેથી પાંડવો તથા તેમની પત્ની દ્રોપદી વૃક્ષોના ફળો આરોગતા. ઘણી વખત ઝાડના પાન ખાઈને પણ સમય વિતાવવો પડતો.એક વાર પાંડવો જંગલમાં ફળો તોડવા માટે ગયા અને આ બાજુ ઋષિ દુર્વાસા ભ્રમણ કરતા આ અજ્ઞાતવાસ પર આવી પહોંચ્યા. દ્રોપદીએ દુર્વાસા મુનિનું માનભેર સ્વાગત કર્યું.તેમને વંદન કર્યા અને કહ્યું કે હે ઋષિ ! આપ આજ્ઞા કરો હું આપની શું સેવા કરી શકું છું ?
દુર્વાસા મુનિ બોલ્યા કે હું પાસે રહેલા માનસરોવરમાં સ્નાન કરીને આવું છું. આપ મારા ભોજનની વ્યવસ્થા કરો એમ કહી મુનિ સ્નાન કરવા ચાલ્યા ગયા.આ બાજુ દ્રોપદી ચિંતા કરવા લાગ્યા કે પાંડવો હમણા જ જંગલમાં ફળો તોડવા ગયા છે. તેમનું આવવાનું નક્કી નથી અને અહીંયા અમારી જ ભોજનની વ્યવસ્થા નથી તો હું દુર્વાસા મુનિના ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરીશ ?
દ્રોપદી સંકટની ઘડીએ હંમેશા પોતાના મિત્ર શ્રી કૃષ્ણને યાદ કરતી અને આજે પણ સંકટવેળાએ શ્રી કૃષ્ણને યાદ કરતા કહે છે કે હે માધવ ! તું મારી લાજ રાખ. તું મારી મદદ કર. શ્રી કૃષ્ણ આકાશવાણી કરે છે કે હે દ્રોપદી ! હું તો જગતનો પાલનહાર છું. મારું કામ પાલન પોષણ કરવાનો છું. જમાડવાનું કામ તો માં નું છે. તું જે સ્થાન પર ઉભી છે ત્યાં જગદંબાના બાળ સ્વરૂપનો વાસ છે. તું માં ને યાદ કર. માં તારી લાજ રાખશે એમ કહી શ્રી કૃષ્ણે દ્રોપદીને અક્ષયપાત્ર આપ્યું.
દ્રોપદી અક્ષયપાત્ર હાથમાં રાખીને માં જગદંબાના બાળ સ્વરૂપ શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચરને પ્રાર્થના કરે છે અને આખું અક્ષયપાત્ર લાડુથી ભરાઈ જાય છે. દુર્વાસા મુનિ સ્નાન કરીને આવે છે ત્યારે દ્રોપદી દુર્વાસા મુનિને લાડુ જમાડે છે.
માં બહુચરને લાડુ પ્રિય હશે તેથી આખું અક્ષયપાત્ર લાડુથી ભરાઈ ગયું. આ પ્રસંગ તો દ્વાપરયુગમાં બન્યો હતો પણ અત્યારે કળિયુગમાં પણ આપણે સૌ બહુચરાજીને લાડુનો ગોખ ભરીએ છે. આ અક્ષયપાત્રની દેરી વરખડીવાળા મૂળ સ્થાનની બાજુમાં છે. હવે ચુંવાળ ચોક બહુચરાજી શક્તિપીઠ જાઓ તો જરૂર દર્શન કરજો.
ઘણા લોકો લાડુના ગોખની બાધા માનતા રાખે છે કે મારું આ કામ થઈ જશે કે મારી આ મનોકામના પૂરી થશે તો માં હું લાડુનો ગોખ ધરાવીશ પણ માતાજીને કયારેય પણ આના બદલામાં આ કરીશ કે તે કરીશ તેવું ના કહેવું જોઈએ.
જે દરરોજ આપણને રાજીખુશીથી બે સમયનું ભાણું જમાડે છે તેને આપણે રાજીખુશીથી જ લાડુનો ગોખ ધરાવવો જોઈએ.
અંબા ઘીની તલાવડી અને બહુચર લાડુની પાળ
સર્વજન આવે તારે પારે માં લાડુ જમવાને કાજ.
બોલો શ્રી બહુચર માતની જય.
જય બહુચર માં.