29 C
Ahmedabad
Friday, September 20, 2024

શંખલપુર સોહામણું રે….

પૂર્વે જયારે બાળાએ ચુંવાળ ચોકમાં પ્રગટ થઈને દંઢાસૂરનો વધ કર્યો હતો ત્યારબાદ બાળા યુદ્વનો થાક ઉતારવા જયાં ઘણા વરખડીના ઘટાદાર વૃક્ષો હતા ત્યાં આવીને વિશ્રામ કર્યો તે સ્થાન એટલે શંખલપુર.

બાળાએ પોતાનું ઉગ્ર સ્વરૂપ આ સ્થળે આવીને સમાવી લીધું અને વિશ્રામ કર્યો. અહીં પહેલા માતાજીના પગલાનું પૂજન થતું હતું. એવી પણ એક દંતકથા છે કે બાળાએ અહીં આવીને શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો પણ આ વાત યર્થાથ થાય તેવા પુરાવા મળતા નથી.

વિક્રમ સંવત ૧૨૮૦ ના તામ્રપત્ર પર ઉલ્લેખ છે કે સોલંકી વંશના પ્રતાપી રાજા વીર લવણપ્રસાદજીએ તેમના માતાના નામ શ્રી શલખણબાઈના નામ પરથી શંખલપુર વસાવ્યું હતું. શલખણબાઈનું બીજું નામ સુલક્ષણા હતું જે રાજા ભીમદેવના પત્ની હતા.

સંવત ૧૨૯૬ થી ૧૩૫૨ના સમયમાં ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કરણઘેલાના રાજય વખતે તેમના માસીના દીકરા રાજા હરપાળસિંહ કચ્છથી ગુજરાત આવ્યા હતા તેઓ શક્તિના પરમ ઉપાસક હતા. હરપાળસિંહની જગદંબા પ્રત્યેની ભક્તિ જોઈને રાજા કરણઘેલાએ હરપાળસિંહને કહ્યું કે તમે એક રાત્રિમાં જેટલા ગામને તોરણો બાંધશો તેટલા ગામ તમારા થશે.

હરપાળસિંહે શંખલપુરના ટોડલે પહેલું તોરણ બાંધ્યું અને ત્યારબાદ આખી રાતમાં બે હજાર ગામોને તોરણો બાંધ્યા. રાજા કરણઘેલાએ હરપાળસિંહને બે હજાર ગામો ભેટમાં આપ્યા પરંતુ હરપાળસિંહે રાજા કરણઘેલાની ધર્મપત્નીને બહેન માનીને પાંચસો ગામ ભેટ તરીકે પાછા આપ્યા. આ પાંચસો ગામોનું એક ગામ શંખલપુર જયાંથી હરપાળસિંહે તોરણો બાંધવાની શરૂઆત કરી હતી સમયાંતરે તોરણોનું અપભ્રંશ તોડા થયું અને શંખલપુર બહુચરાજી ટોડાવાળી માતા કહેવાયા.

આમ જોવા જઈએ તો જયાંથી ગામની શરૂઆત થતી હોય એટલે કે ગામના પ્રવેશદ્વારને ટોડું કહેવાય. શંખલપુર ગામના પ્રવેશદ્વારે જ બહુચર માતાજીનું દેરું છે તેથી તેમને ટોડાવાળા બહુચર માં કહેવાય છે.

આશરે ૩૫૦ વર્ષ પહેલા શંખલપુરમાં એક નાનકડો ગોખ હતો ત્યાં માતાજીના પગલા હતા ત્યાં પૂજય શ્રી શિવગિરિબાપુ સેવા પૂજા કરતા. એકવાર શિવગિરિબાપુને ચાર ધામ યાત્રાએ જવાનું થયું તેથી તેમણે ઝાલાવાડના શિયાણી ગામના વિદ્વાન બ્રાહ્મણ શ્રી દેવરામભાઈ દવેને આ ગોખે સેવા પૂજા કરવાની જવાબદારી સોંપી. શ્રી દેવરામભાઈ દવેએ ઘણા વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરી.હાલ તેમના વારસદારો સેવા પૂજા કરે છે.

હાલના શંખલપુર મંદિરના મુખ્ય પૂજારી ભાઈઓ વિજયભાઈ નટવરભાઈ દવે, અતુલભાઈ યશવંતભાઈ દવે, બદ્રીપ્રસાદ ધીરુભાઈ દવે સેવા પૂજા કરે છે. આજે શંખલપુર જયાં માતાજીનો નાનકડો ગોખ હતો ત્યાં આખુ વિશાળ મંદિર ઉભું કર્યું છે તેમાં શંખલપુર ગામના પ્રજાજનોની ઉત્તમ શ્રદ્ના, સેવા અને સમર્પણ છે.આ મંદિરનો વહીવટ પટેલ સમાજના અગ્રણીઓ કરે છે.

દર ચૈત્ર સુદ પૂનમે અને આસો સુદ પૂનમે માં બહુચરની શાહી સવારી શંખલપુર આવે છે. માતાજી શાહી સવારીમાં બિરાજીને શંખલપુર ગામમાં ફરીને શંખલપુર ગામના માંઈભક્તોને દર્શન આપે છે.

એકવાર ભક્ત કવિ શ્રી વલ્લભ ભટ્ટજીએ માં બહુચરના શંખલપુરના ગોખની અને આખા શંખલપુર ગામની શોભા નરી આંખે નિહાળીને તેમણે ગરબો લખ્યો કે..

“શંખલપુર સોહામણું રે,
ત્યાં છે તમારો વાસ મારી બહુચરા”

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page