કાલની વાતને આગળ વધારીએ કે શ્રી બહુચર માં યદુરામજીના પુત્રના લગ્નમાં આવ્યા કે નહી ?
તો…..હા…..
શ્રી બહુચરાજી રથમાં બેસીને આવ્યા હોં !
શ્રી બહુચર માં ગણપતિજી,માં ના છડીદાર શ્રી નારસંગવીર અને માં ની દાસીઓ સાથે હતા.આમ આકાશમાંથી માં નો રથ જમીન પર ઉતર્યો ત્યારે અનોખું તેજ જળહળતું હતું.
શ્રી યદુરામજીના હૈયામાંથી એક પંક્તિ નીકળી કે
થયાં દર્શન સૌ ચરણે નમ્યાં.
ભલે આવ્યા નોંધારાના આધાર ! બહુચર માં પધાર્યા.
શ્રી યદુરામજીએ માં ને પોતાના ઘરે લઈ જઈને ઓરડામાં આસન આપ્યું તથા માં ને આસન પર બિરાજવા માટે કહ્યું.શ્રી યદુરામજીએ બહુચરાજીને કહ્યું કે અમ દીન દરિદ્ર ના દુ:ખ કાપો અને અમને સૌને શુભ આશિષ આપો.
ત્યારે શ્રી બહુચરાજી બોલ્યા કે મારું ચરિત્ર અતિવિશાળ છે. તમારા મનમાં મારા પર વિશ્વાસ રાખી આનંદ કરો, ઉત્સવ કરો અને માં હરખાઈને યદુરામજીને કહે છે કે હું બિરાજું છું તારા મંદિરે, તારું મનોવાંછિત કાર્ય હંમેશા હું પૂર્ણ કરીશ.
યદુરામજીના પુત્રના લગ્ન પૂર્ણ થતા શ્રી યદુરામજી માં ના ભજનો-ગરબા ગાતા ગાતા વાજતે ગાજતે ગામજનો સાથે માતાજીને વળાવવા ગયા. માં બહુચર રથમાં બેઠા અને જોતજોતામાં શ્રી બહુચર માંનો રથ અદશ્ય થઈ ગયો.
એક યદુરામજીની ભકિતબળથી અને શ્રદ્ધાથી આખું વડનગર પાવન થઈ ગયું.ત્યાં જેટલા પણ લોકો હતા બધાએ માં ના દર્શન કર્યા.
હવે તમે વડનગર જાઓ ને તો ત્યાં નાગર બ્રાહ્મણોના કુળદેવતા શ્રી હાટકેશ્વર મહાદેવ છે ત્યાં દર્શન કરજો. શ્રી યદુરામજીના ઘરે જજો. આજે પણ તેમનો વંશવેલો ત્યાં રહે છે અને એ યદુરામજીના ઓરડામાં માં બહુચરના દર્શન કરજો. શ્રી બહુચરમાંના પરમ ભકત યદુરામજીને પણ વંદન કરજો. ત્યાં તેમની છઠ્ઠી પેઢી શ્રી રામચંદ્ર દાદા પાસેથી સમગ્ર માહિતી અને યદુરામજી દાદાનો ફોટો મને મળેલો છે. હું શ્રી રામચંદ્ર દાદાનો હ્દયપૂર્વક આભારી છું.
શ્રી યદુરામજીએ શ્રી બહુચરમાંને પોતાના ઘરે આમંત્રણ આપવા માટે જે કંકોતરી લખી હતી એે આજે પણ માંઈભકતો પોતાના ઘરે પુત્ર કે પુત્રી ના લગ્ન લેવાય ત્યારે ગાય છે અને માં ને આમંત્રણ આપે છે.
શ્રી યદુરામજીએ લખેલી કંકોતરીના ગરબાની પ્રથમ કડી આ પ્રમાણે છે કે
“શ્રીજી ગામ સમસ્ત સોહામણું,
શુભ સ્થાને શંખલપુર ગામ.
બહુચર વહેલા આવજો.
શ્રી બહુચરમાં એ આ કંકોતરી સ્વીકારી એ બાબતનો ગરબો પણ છે એની પહેલી કડી આ પ્રમાણે છે કે
વાંચી લગ્ન કંકોતરી પ્રેમ શું,
થયા રથ કુર્કુટ અસવાર,
બહુચર માં પધારીયાં.
શ્રી યદુરામજીએ માતાજીના અનેક ગરબા લખેલા છે તથા માં બહુચરની ઘણી સ્તુતિ પણ લખી છે.શ્રી ભગવતી કાવ્યમાં એમની લખેલી સ્તુતિ અને ગરબાનો ભંડાર છે. તેમણે એક સ્તુતિ વ્રજ ભાષામાં પણ લખી છે તથા તેઓ શિવ અને શકિતને હંમેશા એક ગણતા અને એ માટે એમણે લખ્યું છે કે
“ભગવતી ભગવત-એક,
ભૂલ્યા મન એ ભગવતી ભગવત એક ”
શ્રી યદુરામજીના જીવનની વાત વાંચીને મજા આવી ને ! મને પણ આવી. કોઈપણ મુવીનો અંત હકારાત્મક હોય ને તો જ આપણને એ મુવી જોવું ગમે.જો આપણે પણ આવી જ રીતે આપણા જીવનનો અંત હકારાત્મક લાવવો હોય ને તો હંમેશા શ્રી બહુચર માતાના બાળક બનીને માં ના ચરણોમાં રહેવું,આનંદમાં રહેવું અને હકારાત્મક રહેવું.
હે બહુચર માં ! મારી એક વિનંતી છે તમને ?
આ લેખ જે પણ વાંચે ને એના ઘરમાં જેના પણ લગ્ન ના થતા હોય ને એના લગ્ન થઈ જાય એવું કંઈ કરજે હોં.
જય બહુચર માં.