સત્ય ઘટના પર આધારિત
ઈશ્વરે કરેલા ચમત્કારોની ઘણી વાતો આજની પેઢી માનતી નથી પરંતુ પ્રાચીન ગ્રંથોમાં વિદ્વાનો દ્વારા લખાયેલી પાક્કા પ્રમાણવાળી વાત મળે તો એને કયારેય નકારી શકાય નહી.આવી જ ઘટના ચુંવાળ પંથકમાં બહુચરાજી મંદિરમાં માતાના ચાચરના ચોકમાં બની હતી.
આ સત્ય ઘટના એમ છે કે દયાશંકર નામે બ્રાહ્મણ પોતાના ગામથી વારંવાર બહુચરાજી પગપાળા આવતા હતા. દયાશંકરજી ચૌદસની રાત્રિએ તેમના ગામથી નીકળે અને પૂનમે સવારે બહુચરાજી પગપાળા પહોંચી જાય.તેઓ મંદિરે પહોંચીને માતાજીની મંગળા આરતી કરતા હતા.
એક વખત દયાશંકર માતાજીની મંગળા કરવા પૂનમે પગપાળા બહુચરાજી મંદિરે આવ્યા. દયાશંકરજીએ ચાચરના ચોકમાં મૃત્યુ પામેલો મોર જોયો.દયાશંકરજીનું હ્દય આ મોરને જોઈને રડી પડયું. તેમણે રડમસ અવાજે બહુચરાજીને કહ્યું કે હું જાણું છું માતા જન્મ અને મૃત્યુ સંસારનો નિયમ છે. જે આવ્યું છે એને કયારેક જવાનું જ છે પણ આ શું ? તારા પારે આ મોરનો જીવ ગયો એ કેમ ચાલે ?
દયાશંકરજી રડતા હ્દયે ફરીથી માતાને કહે છે કે હે માં ! મેં આજ સુધી તારી પાસે કંઈ માંગ્યું નથી પણ જો આજે મારે કંઈક માંગવું હોય તો આ મોરને તું જીવતો કરી દે.
દયાશંકરજી જાણે કોઈ પોતાની નજીકની મૃત્યુશૈયા પર સૂતેલી વ્યકિતને ઉઠાડતા હોય તેમ મોરનો પગ પકડીને જોરજોરથી બૂમો પાડવા માંડયા કે ઉઠ મોરલા ઉઠ.. ઉઠ મોરલા ઉઠ.. તું કાંગરે બેસીને ટહુકો કર…
મોર ક્ષણવારમાં મૃત્યુશૈયાની ઘોર નિંદ્રામાંથી ઉભો થઈને ઉડયો અને માં બહુચરના મંદિરના શિખર પર બેસીને ટહુકો કરવા લાગ્યો. આ સત્ય ઘટના નરી આંખે નીરખનારા માંઈભક્તો દેખતા રહી ગયા. આખુંય મંદિર “બોલ મારી બહુચર જય જય બહુચર” ના નાદથી ગૂંજી ઉઠયું.
માં બહુચરનો જયજયકાર થયો. દયાશંકરની ભક્તિને સર્વજનોએ વખાણી.આ સત્ય ઘટનાનો ઉલ્લેખ બહુચરાજી મંદિરના વર્ષો જૂના પૂજારી શ્રી નિરંજનભાઈ જોષીએ રચેલા “આનંદ કલ્પતરુ સુધારસ” નામના પુસ્તકમાં તેમણે વર્ણવી છે.
આજે શુક્રવાર છે. શુક્રવારે ચુંવાળમાં બહુચર માતા કુમારિકા સ્વરૂપે “મોર”પર બિરાજે છે. દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અગિયારમાં અધ્યાય નારાયણી સૂકતમાં “કુમારિકા” વિશે વર્ણન મળે છે કે
મયૂરકુક્કુટવૃતે મહાશકિતધરાનધે ।
કૌમારીરૂપસંસ્થાને નારાયણિ નમોસ્તુતે ।।
મયૂર ( મોર ) અને કૂકડાથી ઘેરાયેલા,મહાશકિત ધારણ કરનાર,કુમારિકા સ્વરુપ નારાયણી આપને નમસ્કાર છે.
બોલો શ્રી બહુચર માતની જય.
Moral of The Story
આ સત્ય ઘટના આપણને એમ શીખવે છે કે આપણે માતાજીની નિરંતર ભક્તિ કરવી જોઈએ.વારંવાર માતાજી પાસે કંઈ માંગવું ના જોઈએ પણ જયારે પણ માંગો ત્યારે કોઈ બીજા જીવના ઉત્કર્ષ માટે માંગવું જોઈએ.આપણું ભક્તિબળ કોઈના આવી પડેલા સંકટને ઉગારી શકે તેવા કાર્યમાં લાગવું જોઈએ.
જય બહુચર માં.