21 C
Ahmedabad
Saturday, December 21, 2024

ચુંવાળ બહુચરાજી મંદિરમાં મેલડી માતાનું સ્થાપન કેવી રીતે થયું ?

એક વખતની વાત છે. હું દેવદિવાળીની પૂનમે બહુચરાજી મંદિરમાં લાઈનમાં ઉભો હતો. બાજુની લાઈન બહેનોની હતી.

ત્યાં એક બહેન એમની દીકરીને એમ સમજાવતા હતા કે પહેલા મેલડી માતાના દર્શન કરજે પછી બહુચર માતાના દર્શન કરજે તો જ દર્શન ફળશે.મને આમ સાંભળતા થોડું અચરજ થયું.મને રહેવાયું નહી તેથી મારા આર્ટિકલ જે તે વખતે પોસ્ટરમાં આવતા હતા તે વખતે મેં આ સત્ય વાત લખી હતી કે

ચુંવાળ બહુચરાજી મંદિરમાં મેલડી માતાનું સ્થાપન કેવી રીતે થયું ?

સત્ય એમ છે કે આજથી ધણા વર્ષો પહેલા ચુંવાળ ખાતે આવેલ બહુચરાજી મંદિરમાં માઁ બહુચરનો ગોખ હતો. તેમાં માતાજીનું યંત્ર હતું.મૂર્તિ નહોતી (પુરાવો – ઈ.સ ૧૯૬૪ ની સાલમાં શ્રી બહુચર અંબા પ્રસન્નોસ્તુ પુસ્તક જે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી બહાર પાડવામાં આવતું હતું ). બહુચરાજી માતાની મૂર્તિનું સ્થાપન પાછળથી કરવામાં આવ્યું હતું.

જે તે વખતે બહુચરાજી ગામ હતું. ગામોમાં તે વખતે વારંવાર લાઈટો જતી રહેતી.ત્યારે બહુચરાજી મંદિરમાં તે વખતે પૂજારી એક દીવો બહુચર માતાના ગોખમાં કરતા અને લાઈટો જતી રહે ત્યારે ગર્ભગૃહમાં અંધારું ના થઈ જાય,અજવાળુ રહે તે માટે એક દીવો નીચે પ્રગટાવતા હતા.

સમય જતા આ દાદા વૃદ્ધ થયા.તેમણે અન્ય પૂજારીને માતાજીની પૂજા કરવાનો અવસર આપ્યો. તેમણે નવા પૂજારીને કહ્યું કે “એક દીવો બહુચર માતાના ગોખમાં કરવો અને એક નીચે ગર્ભગૃહમાં અજવાળુ રહે તે માટે કરવો”.

સમય જતાં આ અફવા કોણે ફેલાવી રામ જાણે પણ વાત એવી વહેતી થઈ કે બહુચરાજી મંદિરના ગર્ભગૃહમાં જે નીચે દીવો થાય છે તે મેલડી માતાનો દીવો છે. અફવા એટલી જોરોશોરોથી ઉડી કે અહીં મેલડી માતા સાક્ષાત્ છે.બધાના કામ બહુચર મા નહી પણ મેલડી માં કરે છે. એનાથી પણ વિશેષ એ થયું કે કોઈ ભક્તે અહીં મેલડી માતાની તખ્તી લાવીને મૂકી દીધી. કોઈએ એમ પણ કહ્યું કે બહુચરાજી માતા મેલડી માતાને ખોળામાં બેસાડે છે.

આ વાત સત્ય છે કે નહી તે જાણવા માટે હું બહુચરાજી મંદિરના નિવૃત્ત પૂજારીઓને મળ્યો. કેટલાય જૂના પુસ્તકો ફેંદયા. હાલમાં પૂજા કરતા મંદિરના પૂજારીઓને મળ્યો. હું મેલડી માતાના ઉપાસકો અને ભૂવાજીઓને મળ્યો.

મને બહુચરાજી મંદિરના નિવૃત્ત પૂજારીઓએ જણાવ્યું કે માનાજીરાવ ગાયકવાડે બંધાવેલું મંદિર હતું ત્યારથી અમે પૂજા કરતા હતા. મંદિરમાં માત્ર બહુચરાજીનો ગોખ હતો. મંદિરમાં મેલડીમાંનો ગોખ છે તે ઉપજાવેલી વાત છે.

હું બહુચરાજી મંદિરના વર્તમાન પૂજારીઓને મળ્યો. મને તેઓએ ક્હ્યું કે માતાજીનું મંદિર તે માતાજીનું શરીર છે. મંદિરનું શિખર તે માતાજીનું મસ્તક છે. મંદિરની ઉપર લહેરાતી ધજા તે માતાજીના કેશ (વાળ) છે. મંદિરના ગર્ભગૃહની અંદર રહેલો માતાનો ગોખ તે માતાજીનું હ્રદય છે. માતાજીના ગર્ભગૃહમાં પ્રધાન દેવી એક જ હોય,બીજી કોઈ દેવી હોય નહી.

મને બહુચરાજી ગામના જ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણોએ જણાવ્યું કે કોઈ પણ મંદિરમાં મુખ્ય દેવી એક જ હોય છે.મેલડી માતાનું અહીં અંધશ્રદ્ધાના કારણે સ્થાપન થયું છે.

ત્યારબાદ હું મેલડી માતાના ભૂવાજીઓ અને ઉપાસકોને મળ્યો ત્યારે તે લોકોએ મને કહ્યું કે મેલડી ચોસઠ જોગણી અને ચોર્યાસી ખાતાની માલીપા છે. મેલડી કોઈ પણ દેવીના તાબામાં ના રહે. મેલડી સ્વતંત્ર દેવી છે. મેલડી કોઈ પણ દેવીના મઢમાં ના બેસે, તેનો મઢ અલગ હોય.બહુચરાજી મંદિરમાં મેલડીને બહુચરાજીના ચરણો નીચે કયારેય રખાય નહી.તેનું અલગથી દેરુ બંધાવીને ત્યાં સ્થાપન કરાય.

ઈ.સ ૧૯૬૪ ની સાલથી બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા એક પુસ્તક બહાર પાડવામાં આવતું હતું. આ પુસ્તકનું નામ શ્રી બહુચર અંબા પ્રસ્નોસ્તુ. આ પુસ્તકની પાંચમી આવૃત્તિ મારી પાસે છે.આ પુસ્તકો શ્રી બહુચર ચિંતામણિ ગ્રંથના આધારે લખાયા છે જે ગ્રંથ માનાજીરાવ ગાયકવાડે બહાર પાડયો હતો. તે સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ શ્રી સાકરલાલ યજ્ઞેશ્વર દવેએ તૈયાર કર્યો હતો. આ પુસ્તકમાં કયાંય એવો પુરાવો મળતો નથી કે બહુચરાજી મંદિરમાં મેલડી માતાનો ગોખ છે કે તેનો દીવો થાય છે એમ……

અહીંયા મેલડી માતાનો કોઈ જ પ્રકારને વિરોધ કરતો નથી. મેલડી માતાને હું પણ નમું છું.પૂજું છું. શ્રી ફળ, ચુંદડી અને સુખડીનો પ્રસાદ પણ ચડાવું છું. જયારે બહુચરાજી પગપાળા જઉ ત્યારે કડીના કોટવાળી મેલડી માતાના દર્શન કરવા પણ જઉં છું. કયાંક કોઈ જગ્યાએ ભજન કે આનંદના ગરબા થાય ત્યારે મને ગાવાનો મોકો મળે ને તો હું “મેલડી માતાના ડાકલા” પણ ગાવું છું. મેલડી મારૂં કોઈ પણ કાર્ય સટાક લઈને પૂરું કરે છે. જેટલું મને બહુચર માતા પ્રત્યે માન છે. આદર છે તેટલું જ મને મેલડી માતા માટે આદર સન્માન છે.

અહીં મારી બહુચરાજી મંદિરના ટ્રસ્ટી મંડળને, પૂજારીઓને તથા મેલડી માતાના જાણકાર ઉપાસકોને એટલી જ વિનંતી છે કે બહુચરાજી મંદિરમાં પ્રધાન દેવી તરીકે બહુચર માં જ પૂજાય અને મેલડી માતાનું માન પણ અકબંધ રહે તેમ મેલડી માતાનું અલગથી દેરું બંધાવીને સ્થાપન કરવામાં આવે તેવી હ્દયપૂર્વક વિનંતી છે.

કોઈ પણ અંધશ્રદ્ધાળુએ મેલડી માતાના નામે મને ડરાવવો નહી.મારી જોડે વાદ વિવાદ કરવા આવવું નહી કારણકે મેં મેલડી માતા વિશે કશું જ ખોટું લખ્યું નથી. મેલડી માતા કયારેય તેના બાળકનું અહિત પણ કરે નહી તેવો મને મેલડી માતા પર અખૂટ વિશ્વાસ છે. મારો અહીંયા મેલડી માતાના ભક્તોની લાગણી દુભાવવાનો કોઈ જ ખોટો ઈરાદો નથી તેમ છતાં મારાથી કોઈનું પણ મન દુભાયું હોય તો હ્દયપૂર્વક ક્ષમાયાચના માંગું છું. મેં અહીં જે લખ્યું છે તે શ્રી બહુચર માતા અને મેલડી માતાને માથે રાખીને સાચા હ્દયથી લખ્યું છે. મેં વિદ્વાન બ્રાહ્મણો તથા મેલડી માતાને ચોવીસ કલાકમાંથી બાવીસ બાવીસ કલાક પૂજનારા ધુરંધર ઉપાસકો અને ભૂવાજીઓને મળીને સત્ય લખ્યું છે.

આ વાત જયારે મારા આર્ટિકલ પોસ્ટરમાં આવતા હતા ત્યારે લખી હતી તે સમયે મારું એક પેમેન્ટ ફસાયેલું હતું તે શ્રી બહુચર માતા અને મેલડી માતાની દયાથી આવી ગયું હતું. અત્યારે જયારે ફરીથી આ આર્ટિકલ લખું છું ત્યારે મારી પર એક ફોન આવ્યો અને મને શુભ સમાચાર પ્રાપ્ત થયા છે.

તમે વિચાર કરો આ સત્ય વાત લખવાથી શ્રી બહુચર માતા અને શ્રી મેલડી માતા મારી પર કેટકેટલા રાજી થયા હશે. મને લાગે છે કે મેલડી માતાને અલગથી એ તેનું દેરુ જોઈતું હશે તેથી જ મને આ લખવા માટે પ્રેરણા આપી હશે અને નિમિત્ત બનાવ્યો હશે.

આ તમામ વાત મને શ્રી બહુચર માતા અને મેલડી માતાએ સૂઝાડી હશે તેથી કહું છું કે આ બધી જ શ્રી બહુચર માતાની કૃપા અને શ્રી મેલડી માતાની દયા.

જય બહુચર માં.જય મેલડી માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page