બાળાએ દંઢાસૂરનો નાશ કર્યો ત્યારબાદ સર્વ દેવો, ગંધર્વો, યક્ષો, અપ્સરાઓ, ઋષિમુનિઓએ હરખ પામીને બાળાને ફૂલડે વધાવ્યા. તેઓ બાળાની સ્તુતિ કરવા લાગ્યા. બાળાએ આનંદિત થઈને સર્વને આશીર્વાદ આપ્યા.
સમયાંતરે સરસ્વતી નદીના કિનારે શ્રી સ્થળ ( આજનું સિદ્ધપુર ) નામના સિદ્ધક્ષેત્રમાં વસતા ઋષિમુનિઓ શ્રી કપિલ મુનિ, શ્રી કર્દમ મુનિ અને શ્રી સત્યવ્રત મુનિ માં જગદંબાના બાળ સ્વરૂપના દર્શનની ઈચ્છાથી (ધર્મારણ્ય) ચુંવાળ પ્રદેશમાં આવ્યા. શ્રી કપિલમુનિએ વરખડીના ઝાડ નીચે ચૈત્ર સુદ એકમે એક નાનકડો ગોખ બનાવીને દીવો પ્રગટાવ્યો. તેમણે સિદ્ધપુરથી ઋષિમુનિઓને તેડાવીને યજ્ઞ શરૂ કર્યો.જે સ્થળે યજ્ઞ કર્યો ત્યાં એક કુંડ બનાવીને માનસરોવર બનાવ્યું. શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ છે કે જે કુંડમાં યજ્ઞ થયો હોય ત્યાં અગ્નિ શાંત થયા પછી તે કુંડને પાતાળના જળથી ભરી દેવો જોઈએ.
મહાન ઋષિમુનિઓના આઠ દિવસના અનુષ્ઠાન, તપ, જપ, યજ્ઞાદિથી પ્રસન્ન થઈને બાળાએ કપિલમુનિને તથા સમગ્ર ઋષિગણને ચૈત્ર સુદ આઠમના દિવસે વરખડીવાળાના મૂળ સ્થાને પ્રગટ થઈને દર્શન આપ્યા. આ બાળાનું ગુપ્ત પ્રાગટય કહેવાયું.
કપિલમુનિએ બાળાને વિનંતિ કરી કે આપ જગતના હિત માટે અહીં જ બિરાજમાન થાઓ. બાળા ચૈત્ર સુદ પૂનમે લોકહિત કાજે પુન:પ્રગટ થયા. કપિલમુનિએ ચૈત્ર સુદ પૂનમે સિદ્ધ બાલાયંત્ર સ્થાપિત કર્યું. આ બાળાનું જાહેર પ્રાગટય કહેવાય.
સ્કંદપુરાણમાં ધર્મારણ્યની કથામાં શ્રી બાલા ત્રિપુરા સુંદરી ચુંવાળમાં બિરાજમાન થયાને એક અબજ એસી કરોડ બાર લાખ બોતેર હજાર સાતસો ચાર વર્ષ થયા તેમ ઉલ્લેખ છે.
આમ કહું તો હે મારી ચુંવાળની જનેતાને તને ધન્ય છે.
બાળાના પરમ ભક્ત શ્રી બેચર ભગતે લખ્યું છે કે
માં બહુચર ચુંવાળમાં બિરાજે
કે એનો ડંકો ગુજરાતમાં વાગે.
આવતીકાલે શ્રી બહુચરનું તૃતીય પ્રાગટય વિસ્તૃતમાં.
જય બહુચર માં.