માં બાલા અંબા જયારે યુદ્ધના મેદાનમાં આવ્યા ત્યારે તેમણે ચક્રરાજ રથમાંથી નીચે ઉતરીને સર્વ સેનાને જોઈ. ક્રોધિત અવસ્થામાં બાલા કુમારીને જોઈને દંડિણી અને મંત્રિણી બોલ્યા કે હે બાલા ! તું યુદ્ધમાં શા માટે આવી ? સેના તો બહુ મોટી છે. હે બાલા ! તું શ્રી દેવીનું જ મૂર્તિમંત જીવન જ છે. તને હાથ જોડીને કહીએ છે કે તું યુદ્ધ કરવાનું ટાળ અને પરત ફરી જા.
આમ પ્રાર્થના કરવા છતાં બાલા અંબાએ જે હઠ પક્ડી હતી યુદ્ધે ચડવાની તે જ હઠને પકડી રાખી અને મેદાનમાં આવી.મંત્રિણીદેવી અને દંડનાથાદેવી આજુબાજુમાં ચાલી. બાલા કરણી રથમાં બિરાજમાન થઈને ભંડાસૂરના પુત્રો સામે યુદ્ધે ચડી.બાલાની કોઈ જ સેના નહોતી. તેની સાથે લલિતા દેવીની અક્ષૌહિણી સેના હતી.
એક નવ વર્ષની કુમારી કરણી રથમાંથી બાણોની વર્ષા કરી રહી છે. આ હકીકતને જોવા જાણવા દેવો ત્યાં હાજર થઈને કૌતુક અનુભવી રહ્યા છે. નવ વર્ષની બાલિકા રણમેદાનમાં બરાબર યુદ્ધે ચડી છે તેવી વાત પરિચારિકાઓ માં પરાઅંબિકા લલિતા સુંદરી સુધી પહોંચાડી રહી છે.
માં બાલા અંબા એક છે છતાં સર્વ દૈત્યોને પોતાની સાથે લડી રહી હોય તેમ દશ્યમાન થાય છે. ક્રોધથી ભયંકર લાગતી બાલાનું મુખ લાલ કમળ જેવું લાગે છે. દંડનાથા અને મંત્રિણી બાલા અંબાનો જુસ્સો વધારી રહી છે. બાલા અંબા દુશ્મનો જેવા શસ્ત્રો છોડતા તેવા જ શસ્ત્રો વરસાવીને તેમના શસ્ત્રોનો નાશ કરી દેતી. દૈત્યોને ઘાયલ કરી દેતી.
બાલા અંબાએ બસો અક્ષૌહિણી સેનાનો પળવારમાં નાશ કરતા ભંડાસૂરના ત્રીસ પુત્રો ભભૂકયા. તેમણે ધનુષબાણ દેવી પર ચલાવ્યું પરંતુ બાલા અંબાએ સ્ફ્રૂર્તિવાળા હાથોથી અર્ધચંદ્ર આકારના ત્રીસ બાણો છોડયા તેનાથી ભંડાસૂરના ત્રીસ દૈત્યપુત્રો માર્યા ગયા. કુમારીએ અસુર સેનાનો પણ વધ કર્યો. આમ ભંડાસૂરના ત્રીસ પુત્રો યમલોક ગયા.
દેવોએ બાલા અંબા પર પુષ્પવર્ષા કરીને દેવીનો જયજયકાર કર્યો. મંત્રિણી અને દંડનાથા દેવીએ કુમારીને આલિંગન કર્યું. બાલા અંબા કરણી રથમાં લલિતા અંબા પાસે ગયા.
બાલા અંબાના આ મહાપરાક્રમ જોઈને શક્તિઓ નૃત્ય કરવા લાગી. માં લલિતા અંબા કુમારી બાલા અંબાના આ ઉત્તમ સાહસથી ખૂબ ખૂબ પ્રસન્ન થયા.
બાલા અંબા સૂર્યશક્તિ અથવા જીવનશક્તિનું સ્વરૂપ છે. ભંડાસૂરના ત્રીસ પુત્રો તે ત્રીસ પ્રકારના ભૌતિક તત્વો છે જે અશુદ્ધ ગણાય છે જે અશુદ્ધ તત્વોની શુદ્ધિ કરીને મનુષ્ય આંતરિક પ્રકાશને પામી શકે છે.
આ ત્રીસ તત્વો નીચે પ્રમાણે છે.
પાંચ મહાભૂતો – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ.
પાંચ તન્માત્રાઓ – ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ.
પાંચ કર્મેન્દ્રિયો – જનેન્દ્રિય, ગુદા, પગ, હાથ અને વાણી.
પાંચ જ્ઞાનનેન્દ્રિયો – નાસિકા, જીભ, ત્વચા, નેત્ર અને કાન.
આમ વીસ તત્વો ઉપરના છે.
બાકીના દસ તત્વો નીચે પ્રમાણે છે જેમ કે મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ, પુરષ, નિયતિ, રાગ, વિદ્યા, માયા, કાળ તેમ બાકીના તત્વો આ છે.
આમ આ ત્રીસ ભૌતિક તત્વો મનુષ્યના શરીરમાં વિદ્યમાન છે. તે ભંડાસૂરના ત્રીસ દૈત્ય પુત્રો જેવા અશુદ્ધ છે. માં બાલા અંબા આત્મસૂર્યની પ્રકાશક શક્તિ છે જે આ ત્રીસ ભૌતિક તત્વોની અશુદ્ધિનો અર્થાત્ ત્રીસ ભંડાસૂરના દૈત્ય પુત્રો જેવા આ ત્રીસ અશુદ્ધ તત્વોનો સત્વરે નાશ કરીને મનુષ્યને ભૌતિક બંધનોમાંથી મુક્ત કરીને તેને શુદ્ધ કરે છે. તેને પ્રકાશિત કરે છે. તેને દેવ માનવ તરીકે વિકસિત કરે છે.
આ જગતના તમામ શક્તિના બાળકોએ આત્મવિદ્યા,બ્રહ્મવિદ્યા અને યોગવિદ્યાની દેવી બાલા અંબા કે જે કુમારી ( કુ ને મારનારી) ( કુ એટલે અશુદ્ધિ) છે તેની ઉપાસના કરવી જોઈએ તેમ આ આખા ભંડાસૂર વધ પ્રકરણનું રહસ્ય છે.
આ આખુ પ્રકરણ શ્રી લલિતા ચરિતામૃતમાં આલેખાયેલું છે. જેમણે શ્રી લલિતા ચરિતામૃત પુસ્તક લખીને આપણને દેવીના આ ગૂઢ રહસ્યનું જ્ઞાન આપ્યું તેવા શ્રી વિદ્યાના ઉપાસકોનો હું વિશાલ હ્દયપૂર્વક આભાર પાઠવું છું.
જય બહુચર માં.