શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી અને ધોળા ભટ્ટજી રાજનગર (અમદાવાદનું આશરે ૩૮૦ થી પણ વધારે વર્ષ જૂનું નામ) માં આશાવલ્લીના ટેકરા પાસે (હાલનું આસ્ટોડીયા) ઢાળની પોળમાં આશાપુરા માતાના ખાંચામાં રહેતા હતા.તેઓ મૂળ મેવાડા બ્રાહ્મણ હતા.તેઓ નજીકમાં પર્ણકૂટિમાં રહેતા શ્રી પરમાનંદજી ગુરુ પાસે ભણવા જતા પરંતુ બંને ભાઈઓને જ્ઞાન ઉતરતું નહી.
ગુરુજીએ બંને ભાઈઓને બાલાનો બીજ મંત્ર “ઐ કલીં સૌ” આપ્યો. આ મંત્ર બંને ભાઈઓ નવાપુરાની ભૂમિ પર (જયાં પૂર્વે બાળાએ પોતાના તમામ શસ્ત્રોનો ત્યાગ કરીને કાયમ માટે વિશ્રામ કર્યો હતો) તે નવાપુરાની ભૂમિ પર આવીને બાલાના બીજ મંત્રનો સતત જાપ કરતા રહ્યા.
“રાજનગર નિજ ધામ પુર નવિન મધ્યે માં,
આઈ આદ્ય વિશ્રામ જાણે જગ બધે માં “
“હે બહુચર માં, રાજનગરની મધ્યે આવેલા નવાપુરાના આદ્યસ્થાનમાં આપે કાયમ માટે વિશ્રામ કર્યો તે સર્વ જગત જાણે છે”
શ્રી બહુચર માતાએ આ પવિત્ર ભૂમિ પર પ્રગટ થઈને બંને ભાઈઓને દર્શન આપ્યા. શ્રી બહુચર માં એ વલ્લભ ભટ્ટજીના જીભે વાણી આપીને “આનંદનો ગરબો” રચાવ્યો. આ શુભ દિવસ ફાગણ સુદ ત્રીજનો હતો.
શ્રી વલ્લભ ભટ્ટજી અને ધોળા ભટ્ટજી નવાપુરામાં આવીને આરાધના કરતા, પૂજા કરતા અને માતાના ગુણગાન ગાતા. તેઓ નવાપુરાથી પગપાળા ચાલીને ચુંવાળ પંથકમાં બિરાજમાન બહુચરાજીના દર્શન કાજે જતા. તેઓ બહુચર માતાના મંદિરની સામે બેસીને આનંદનો ગરબો ગાતા.આજે પણ ચુંવાળ પંથકમાં બહુચરાજી મંદિરની બરોબર સામે શ્રી વલ્લભ-ધોળા ભટ્ટજીનો ઓરડો છે.
કોઈ ભક્તિમય થાય, માતાના ગુણગાન ગાય, માતાનો મહિમા વધારે તેવું ઘણા લોકોને ગમે નહી તેથી બંને ભાઈઓની ભક્તિ જોઈને ઘણા ઈર્ષાળુ લોકો બંને ભાઈઓની ટીકા કરવા લાગ્યા.તેમને બદનામ કરવાના તુક્કા અજમાવવા લાગ્યા.
કેટલાક લોકોએ શ્રી વલ્લભ ભટ્ટજીની ટીકા કરતા તેમને કહ્યું કે “જો તમે જ આનંદનો ગરબો રચ્યો હોય તો શ્રી ચક્રનો ગરબો રચી બતાવો”. આ ભટ્ટજીને બદનામ કરવાનું એવું કાવતરું ઘડવામાં આવ્યું હતું કે જો શ્રી ચક્રનો ગરબો ના રચે તો તેમની લાજ જાય અને રચે તો તેમની ગણતરી વામમાર્ગીમાં થાય.
વામમાર્ગી એટલે જે પાંચ પ્રકારના “મ” (માસ, મદિરા, મૈથુન, મંત્ર, મૃત્યુ) નું અનુકરણ કરે છે. આ પંથ તાંત્રિકોનો છે. સામાન્ય લોકો માટે જે બધી વસ્તુ વર્જય છે તે તેમના માટે તમામ વસ્તુ પવિત્ર છે તે વામમાર્ગ છે.
“વામમાર્ગી કહે તો કહે પણ હું તો નથી ને ! આ અભિગમ રાખીને શ્રી વલ્લભ ભટ્ટજીએ બહુચર માતાને માથે રાખીને “શ્રી ચક્ર” નો ગરબો રચ્યો. છેવટે જે લોકોએ ટીકા કરી હતી તેમને નીચું જોવાનું થયું. તેઓએ ભટ્ટજીની માફી માંગી. આમ પણ બહુચર બાળાના હાથ જેના માથે હોય તેને કોણ બદનામ કરી શકે ?
ત્યારપછી શ્રી વલ્લભ ભટ્ટજીએ ઘણા ગરબા રચ્યા જેમાં કળિયુગનો ગરબો, શણગારનો ગરબો, લોલનો ગરબો, પંચતિથિનો ગરબો તથા અન્ય ઘણા ગરબા, ગરબી તથા મહાકાવ્યો રચ્યા.
સંવત ૧૭૩૨ ની સાલ એટલે કે આજથી ૩૪૯ વર્ષ પૂર્વે ભટ્ટજીના મેવાડા જ્ઞાતિના બ્રાહ્મણોએ તેમને હસતા હસતા કહ્યું કે “માં બહુચરાજીના પરમ ભક્ત છો તો અમને જ્ઞાતિજનોને કોઈક વાર જમાડો તો ખરી !” કોઈએ આ મજાકમાં વધારે કંઈક ઉમેરીને કહ્યું કે “રસ-રોટલી જમાડો”. આ તે લોકોનું કાવતરું હશે, મજાક હશે કે પછી માતાજીની પ્રેરણાથી તેઓ બોલ્યા હશે તે વાત માં જાણે પણ બંને ભાઈઓએ જ્ઞાતિજનોને માગશર સુદ બીજે જમવા માટેનું આમંત્રણ આપ્યું.
શિયાળાની ઋતુમાં કેરીઓ કે કેરીનો રસ મળે નહી તે સ્વાભાવિક છે અને કેરીનો રસ લાવીશું કયાંથી તેવી બંને ભાઈઓને ચિંતા થવા લાગી.
આખરે માગશર સુદ બીજને સોમવારનો દિવસ આવ્યો. બંને ભાઈઓ વહેલી સવારે શ્રી બહુચર માતાનું નિત્ય પૂજન કરીને કેરીના રસની શોધમાં નીકળ્યા. આ બાજુ જ્ઞાતિજનો નવાપુરાની પવિત્ર ભૂમિ પર જમવા માટે ભેગા થયા હતા.બંને ભાઈઓ કેરીની કે કેરીના રસની ખૂબ શોધ કરી પણ મળી નહી. કેરીના રસની શોધ કરતા કરતા સાબરમતીના દૂધાળા કાંઠે (હાલનું દૂધેશ્વર) આવીને થાકીને બેઠા અને બંને ભાઈઓ માં બહુચરની સ્તુતિ કરવા લાગ્યા.
બંને ભાઈઓ માતાજીની સ્તુતિમાં લીન થઈ ગયા હતા. આ બાજુ જ્ઞાતિજનો રસ-રોટલી જમવાને કાજ નવાપુરા આવી પહોંચ્યા હતા. શ્રી બહુચર માતા પોતાના બંને ભક્તોની લાજ રાખવા માટે વલ્લભ રૂપે બહુચર માત અને ધોળા રૂપે નારસંગવીર બનીને આખી જ્ઞાતિને ભર શિયાળામાં રસ-રોટલીની નાત જમાડી.બધા જ્ઞાતિજનો વાહ-વાહી કરીને ત્યાંથી ભરપેટ જમીને ઘરે ગયા.
સંધ્યા સમય થયો. બંને ભાઈઓ લીન સ્તુતિમાંથી ઝબકીને જાગ્યા.બંનેએ વિચાર્યુ કે જ્ઞાતિજનો જમ્યા વગર પાછા ગયા હશે, આજે આપણી લાજ ગઈ હશે તેવું વિચારતા નવાપુરા આવ્યા પણ નવાપુરામાં આવીને જોયું તો એંઠા પળિયા-પતરાળા પડયા હતા. બંને ભાઈઓ આ જોઈને ગદગદ થઈ ગયા કે માતાજીએ તેમની લાજ રાખી.ભટ્ટજીએ જ્ઞાતિજનોને બોલાવી તમામ સત્ય વાત જણાવી.
જ્ઞાતિજનોએ પણ સ્વીકાર્યુ કે શ્રી બહુચર માતા સાક્ષાત છે અને તમે બંને ભાઈઓ પણ માતાજીના પરમ ભક્ત છો આજે પણ નવાપુરાની નિજ ભૂમિ પર શ્રી બહુચર માતાને રસ-રોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને માંઈભક્તોને વહેંચવામાં આવે છે. માતાજીનો ભવ્ય અન્નકૂટ ભરવામાં આવે છે. ચોસઠ ખંડ ભરાય છે.આનંદભર્યો ઉત્સવ થાય છે. આખું મંદિર જય બહુચરના નાદથી ગૂંજી ઉઠે છે.
ચુંવાળમાં આવેલા બહુચરાજી મંદિરે, શંખલપુર બહુચર માં મંદિરે, દૂધેશ્વર મંદિરે, સોલા બહુચર માં મંદિરે તથા ગુજરાતના તમામ બહુચર માતાના મંદિરે માતાજીને રસ-રોટલી ધરાવીને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
જય બહુચર માઁ.