આજે માગશર સુદ બીજ છે. આજના શુભ દિવસે શ્રી બહુચર માતા અને માતાજીના છડીદાર શ્રી નારસંગવીર દાદા નવાપુરાની પવિત્ર ભૂમિ પર પ્રગટ થઈને મેવાડા જ્ઞાતિને રસ-રોટલી જમાડીને ભટ્ટજીની લાજ રાખી હતી.
આખા પ્રસંગને શ્રી બિંદુ ભગતજીએ માતાજીની બહુચર બાવનીમાં સુંદર રીતે આલેખ્યો છે. આ પ્રસંગ આજથી ૩૪૯ વર્ષ પૂર્વે અમદાવાદના નવાપુરામાં જ બન્યો હતો તેના મારી પાસે ઐતિહાસિક પુરાવા છે.
મારી પાસે તે પણ પ્રમાણ છે કે શ્રી વલ્લભ ભટ્ટજી અને ધોળા ભટ્ટજી નવાપુરાની ભૂમિથી દૂધેશ્વર સુધી સાડા છ ગઉ પગપાળા ચાલીને ગયા હતા. આજે ગુગલ કરીને જોશો તો નવાપુરા મંદિરથી દૂધેશ્વર મંદિર સાડા છ કિલોમીટરનો જ પંથ છે. તે બંને ભાઈઓ કેરીના રસની શોધમાં ગયા હતા.કેટલાક ટીકાકારો આજે પણ ભટ્ટજીને બદનામ કરે છે, તેમના આખ્યાનોમાં કહે છે કે ભટ્ટજી દૂધેશ્વર જઈને સંતાઈ ગયા હતા અને આ વાત કેટલીક પુસ્તકોમાં પણ લખેલી જોવા મળે છે પણ જેના માથે માતાજીનો હાથ હોય તેને સંતાવાની જરૂર પડે ? ના જ પડે ! તેથી આવી સંતાવાની વાત કોઈએ માનવી નહી. તે તદન ખોટી છે.
નવાપુરા મંદિરે જેટલી પણ વાનગીઓ અન્નકૂટમાં ધરાવવામાં આવે છે તે બધી વાનગીઓ દૂધની બને છે. માતાજીને કેરીનો રસ તાજો બનેલો ધરાવવામાં આવે છે તે ઉપરાંત માતાજીને તાજા શાકભાજીઓ તથા તાજા ફળફળાદિઓ ધરાવવામાં આવે છે.
નવાપુરાના મંદિરના પૂજારી શ્રી હરેશભાઈ ત્રિવેદી જણાવે છે કે જયારે બહુચર માતાને રસ-રોટલીનો થાળ તથા અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલા માં બહુચરનો લાડુનો ગોખ ભરવામાં આવે છે અને આ લાડુનો ગોખ મંદિરે થતા દરેક પ્રસંગમાં ભરવામાં આવે છે જેમ કે વર્ષમાં ત્રણ વાર થતી આનંદના ગરબાની ધૂન વખતે, પંચતિથીના વરધોડો હોય ત્યારે અને બીજો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે માતાને લાડુનો ગોખ ધરાવાય છે કારણકે બહુચર માતાને લાડુ ખૂબ પ્રિય છે.જયારે પણ મંદિરે પ્રસંગ હોય છે ત્યારે મંદિરે આવતા કેટલાક માંઈભક્તો તેમના ઘરે માતાજીનો થાળ કે નૈવેધ કરે છે.
નવાપુરાના શ્રી બહુચર માતાના આ પ્રસંગનો પ્રગટ પરચો માગશર સુદ બીજે થયો હોય હોવાથી તેમ કહી શકાય કે નવાપુરામાં શ્રી બહુચર માતાનું પ્રાગટય માગશર સુદ બીજે થયું છે.કેટલાક લોકો ફેસબુક પર અને વોટસએપ પર ચગાવી દે છે કે આજે બહુચર માતાની બર્થ ડે છે પણ ભાઈ જેણે જગતને જન્મ આપ્યો તેની બર્થ ડે ના હોય તેનો પ્રાગટય દિવસ કહેવાય જેમ કે ચુંવાળ બહુચરાજી ખાતે માતાજી ચૈત્ર સુદ પૂનમે પ્રગટ થયા અને નવાપુરામાં માગશર સુદ બીજે પ્રગટ થયા.
અમદાવાદમાં ઘણા બધા મીઠાઈના વેપારીઓ છે પરંતુ શ્રી બહુચર માતામાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા વિપુલભાઈ દુધિયા (વિપુલ દુધીયા સ્વીટ માર્ટ) તેમની દરેક શાખા પર એકદમ નજીવી કિંમતે કેરીનો રસ આ સિઝનમાં વેચાણ ખાતે મૂકે છે.
વિપુલભાઈની નિષ્ઠા કંઈક એમ છે કે માતાજીના ભક્તો આ સિઝનમાં રસ શોધવા કયાં જાય ? તેથી જેટલા પણ લોકો માગશર સુદ એકમે અને માગશર સુદ બીજે તેમની જેટલી પણ બ્રાંચ પર રસ લેવા જાય ત્યાં તેમને નજીવી કિંમતે રસ આપે છે.આમ તો વિપુલભાઈ ગુજરાતમાં આવેલા બહુચર માતાના ઘણા મંદિરોમાં તેમના તરફથી રસની સેવા આપતા હોય છે પણ તેઓનું માનવું છે કે “આ બધુ માતાજીએ આપેલું માતાજીને જ ધરાવવાનું છે”.
આજે ચુંવાળ મોટા બહુચરાજી મંદિરે, શંખલપુર મંદિરે, દૂધેશ્વર મંદિરે, સોલા મંદિરે તથા બહુચર માતાના જેટલા પણ મંદિરો છે ત્યાં માતાજીને રસ-રોટલીનો થાળ ધરાવવામાં આવશે અને દરેક માંઈભક્તોને પ્રસાદ વહેંચવામાં આવશે.
આજે માતાજીના આ રસ-રોટલીના દિવ્ય પ્રસંગે માતાજી સર્વ માંઈભક્તોના જીવનમાં નવ રસ પૂરે તેવી મારી માતાજીને હ્દયપૂર્વક પ્રાર્થના…..
જય બહુચર માઁ.