એકવાર બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને પૃથ્વી પર ધર્મારણ્ય (ધર્મનું વન) માં અર્થાત્ ચુંવાળ ક્ષેત્રમાં બિરાજેલ જગદંબાના બાળા સ્વરુપના દર્શન કરવાનું મન થયું હતું.
બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ ચુંવાળ ક્ષેત્રમાં આવીને જગદંબાના બાળ સ્વરૂપને નિહાળીને સ્તબ્ધ થઈ ગયા અને ત્યાં જ પથ્થર બની ગયા. તેમણે લિંગ સ્વરુપ બનીને બાલાના સિદ્ધ ક્ષેત્ર ચુંવાળમાં બાલાના સાંનિધ્યમાં રહેવાનું નકકી કર્યુ હતું.
ચુંવાળ બહુચરાજીમાં જે રાતા રંગનું શિંવલિંગ છે એ બ્રહ્મા સ્વરૂપ લિંગ છે. કાળા રંગનું શિવલિંગ છે એ વિષ્ણુ સ્વરૂપ લિંગ છે અને સફેદ રંગનું શિવલિંગ છે એ મહેશ સ્વરૂપ લિંગ છે એમ ત્રણ શિવલિંગ રુપે સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે.
બ્રહ્મા એટલે ગુપ્તેશ્વર મહાદેવ, વિષ્ણુ એટલે શહેરીયા મહાદેવ, શિવ એટલે ભૂલેશ્વર મહાદેવ. આ ત્રણ શિવલિંગ સ્વયંભૂ છે ત્યારબાદ સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોએ અહીંયા નીલકંઠેશ્વર મહાદેવ અને સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.
શ્રી બહુચરુઅંબા પ્રસન્નોસ્તુ નામના પુસ્તકમાં પ્રમાણ મળે છે કે દેવસ્થાનવાળા વિશાળ સંકુલમાં મુખ્ય દેવાલયની ઉત્તરમાં એક નાનું શિવાલય છે જે નીલકંઠેશ્વર મહાદેવ છે.
આ પુસ્તકના આધાર મુજબ અલાઉદીન ખિલજીને સિદ્ધપુરના બ્રાહ્મણોએ ચમત્કાર દર્શન માટે શ્રી માતાજીના મંદિરમાં આવવા કહેલું. સિદ્ધપુરથી ૨૭૨ બ્રાહ્મણો અહીં ચુંવાળ આવ્યા હતા. આ બ્રાહ્મણોએ જેમ સિદ્ધપુરમાં નીલકંઠ મહાદેવ હતા તેમ અહીં પણ નીલકંઠ મહાદેવની સ્થાપના કરી હતી.
હાલ બહુચરાજી મંદિરમાં કુલ પાંચ શિવલિંગ છે. જે શિવલિંગમાં બિરાજેલા ત્રિદેવ માં જગદંબાના બાળા સ્વરુપ શ્રી બહુચર માતાના દર્શન કરીને ધન્ય થાય છે.
બોલો જય બહુચર માં.