શિવમહાપુરાણના કોટિરુદ્રસંહિતાના અધ્યાય ૧૮ માં ઓમકારેશ્વર જયોર્તિલિંગની ઉત્પત્તિની કથા વર્ણવેલ છે કે એક સમય નારદ મુનિ ગોકર્ણ નામક તીર્થની સમીપ જઈને શિવપૂજા કરતા હતા.થોડા સમય પછી નારદજી ગિરિરાજ વિંધ્ય પર્વતના ત્યાં પધાર્યા હતા. વિંધ્ય પર્વતે નારદમુનિનું આગતા સ્વાગતા કરીને પૂજન કર્યુ હતું.બંને વચ્ચે થોડા સંવાદ થયા બાદ વિંધ્ય પર્વત અહંકારમાં આવીને બોલ્યા કે “મારી પાસે બધુ જ છે કોઈ વસ્તુની કમી નથી”. નારદ આ વાત સાંભળી થોડી વાર ચૂપ રહ્યા અને તેમણે ઉંડો શ્વાસ લીધો.
નારદજીના મૌનને વિંધ્યાચલ સમજી શકયા નહી અને તેમણે પૂછયું કે તમે ઉંડો શ્વાસ લઈને મૌન કેમ થઈ ગયા ? નારદજીએ કહ્યું કે માન્યું તમારી પાસે બધુ જ છે પણ તમે મેરુ પર્વતથી ઉંચા થઈ શકયા નહી.મેરુ પર્વતના શિખરોનો ભાગ દેવલોક સુધી પહોંચે છે પરંતુ તમારો શિખર ત્યાં સુધી પહોંચી શક્યો નહી. નારદજી આમ કહીને ત્યાંથી જતા રહ્યા.
પર્વતરાજ વિંધ્યને મનોમન પોતાના જીવન પ્રત્યે ધિકકાર થવા લાગ્યો.તેમણે નક્કી કર્યુ કે તેઓ શિવશરણમાં જશે. શિવજીની તપસ્યા કરશે.તેમણે પાર્થિવલિંગ બનાવી શિવજીની છ મહિના સુધી કઠોર તપસ્યા કરી. શિવજી વિંધ્ય પર પ્રસન્ન થઈને ત્યાં જ પ્રગટ થયા.શિવજીએ વિંધ્યને તે સ્વરૂપ બતાવ્યું કે જે યોગિઓ માટે પણ દુર્લભ છે.
શિવજી બોલ્યા કે ” હે વિંધ્ય ! હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું. તમે મનોવાંછિત ફળ માંગો. તમે મનોવાંછિત વરદાન માંગો. હું ભક્તોને અભીષ્ટ વરદાન આપનારો છું.
વિંધ્યે કહ્યું કે ” હે શિવજી ! આપ હંમેશા ભક્તવત્સલ છો. આપ મારી પર પ્રસન્ન છો તો મને અભિષ્ટ બુદ્ધિ આપો જે સર્વ કાર્ય સિદ્ધ કરનારી હોય. તે જ સમયે દેવતાઓ અને ઋષિમુનિઓ ત્યાં આવ્યા. તેમણે શિવના દર્શન કર્યા.વિંધ્ય સહિત સર્વે શિવજીને વિનંતી કરી કે “આપ જયોર્તિલિંગ રૂપે સદાય અહીં નિવાસ કરો”.
શિવજી પ્રસન્ન થઈને સર્વને સુખ આપવા માટે જે એક જયોર્તિલિંગ હતું તે બે ભાગોમાં વિભક્ત થયું. પ્રણવ માં જે સદાશિવ હતા તે ઓમકારેશ્વર કહેવાયા.પાર્થિવમાં જે જયોતિ સ્વરૂપે હતા તે મમલેશ્વર ( પરમેશ્વર ) કહેવાયા. કહેવાય છે કે ઓમકારેશ્વર શિવનો આત્મા છે અને મમલેશ્વર શિવનું શરીર છે.
સર્વે દેવતાઓ અને ઋષિમુનિઓએ બંને જયોર્તિલિંગનું પૂજન કર્યું. વિંધ્યે માનસિક પરિતાપનો ત્યાગ કરીને તેમનું અભિષ્ટ કાર્ય સિદ્ધ કર્યું.
જે મનુષ્યે આ પ્રકારે શિવની પૂજા કરે છે તેને માતાના ગર્ભમાં ફરી જન્મ લેવો પડતો નથી. તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તેમાં કોઈ સંશય નથી તેવું શિવ મહાપુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણવ્યું છે.
અહીં નર્મદા નદી પર્વતના ચાર ભાગોમાંથી વહીને ૐ આકારનું નિર્માણ કરે છે. સૃષ્ટિના નિર્માણ સમયે બ્રહ્માજીના મુખથી “ૐ” શબ્દનું ઉચ્ચારણ થયું હતું.આ “ૐ” સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે.” ૐ” સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત હોવાથી “ૐ” ના ઉચ્ચારણથી બ્રહ્માંડના બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વેદો અને શાસ્ત્રોના દરેક મંત્રની આગળ “ૐ” લગાવવાથી તે મંત્ર ફલિભૂત થાય છે.
જો કે શક્તિ સંપ્રદાયમાં દેવીના બીજ મંત્ર આગળ “ૐ”નું ઉચ્ચારણ કરવામાં આવતું નથી. તેનું યોગ્ય કારણ તે છે કે દેવી સમગ્ર બ્રહ્માંડની જનેતા છે.તેણે જ બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઉત્પન્ન કર્યા છે. આદિ પરાશક્તિની સીધી જ કૃપા પર પ્રાપ્ત કરવી હોય તો દેવીના બીજ મંત્ર આગળ “ૐ” નું ઉચ્ચારણ કરવું નહી. જો કે શક્તિ સંપ્રદાય શિવશક્તિ એક જ છે તેમાં કોઈ ભેદ કરવો નહી તેમ પણ સ્પષ્ટ કહે છે.
ઓમકારેશ્વર જયોર્તિલિંગનો મહિમા સ્કંદ પુરાણ,શિવપુરાણ અને વાયુપુરાણમાં પણ જોવા મળે છે. શાસ્ત્ર કહે છે કે તીર્થયાત્રી બધા તીર્થોનું જળ લાવીને નર્મદાના જળ સાથે અહીં તે જળનો અભિષેક કરે તો જ બધા તીર્થની યાત્રા પૂર્ણ થયાનું ફળ મળે છે.
શાસ્ત્રમાં નર્મદાને આનંદ આપનારી કહી છે. નર્મ ( આનંદ ) અને દા ( આપનારી ). યમુના નદીમાં સ્નાન કરો તો ત્રણ મહિનાના પાપ બળી જાય,ગંગા નદીમાં સ્નાન કરો તો ત્રણ વર્ષના પાપ બળી જાય પરંતુ નર્મદા નદીના દર્શન માત્રથી ભવોભવના પાપ બળી જાય છે. કહેવાય છે કે લોકો ગંગામાં પાપ ધોવે છે પણ ગંગા તે પાપને ધોવા નર્મદા પાસે આવે છે. ઓમકારેશ્વરમાં નર્મદાની વહેતી ધારા પરમ આનંદની અનૂભૂતિ પ્રાપ્ત કરાવે છે.
અહીં ઓમકારેશ્વરની શયન આરતી થઈ ગયા પછી ગર્ભગૃહમાં ચોસર-પાસાની રમત ( અંગ્રેજીમાં લુડો ) બિછાવવામાં આવે છે. મંદિરની માન્યતા અનુસાર શિવજી પાર્વતી સાથે અહીં શયન કરવા આવે છે. શયન કરતા પહેલા શિવ પાર્વતીજી સાથે ચોસરની રમત ગમત રમે છે. રહસ્યની વાત એ છે કે જે પાસા સીધા ગોઠવ્યા હોય તે પાસા સવારે ઉંધા હોય છે. બીજી પણ આશ્ચર્યની વાત એમ છે કે મંદિરના ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે એક નાનકડું પક્ષી પણ અંદર આવી શકતું નથી તો આવું થાય છે કેમ તે કોઈ જાણી શકયું નથી.
દર સોમવારે અહીં શિવની ત્રણ મુખવાળી સુવર્ણરચિત મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરીને નદીના તટ પર લઈ જવામાં આવે છે. ત્યાં વિશેષ પૂજન થાય છે ત્યારબાદ પાલખીને ધામધૂમ સાથે નગરમાં ફેરવવામાં આવે છે. આ પ્રસંગ દર સોમવારે થતો હોવાથી સોમવાર સવારી નામે ઉજવવામાં આવે છે.શ્રાવણ મહિનામાં આ પ્રસંગ વિશેષ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ઓમકારેશ્વર નર્મદાના ઉત્તર તટ પર છે અને જયાં મમલેશ્વર દક્ષિણ તટે છે.અહીં નર્મદા નદી બે ધારાઓમા વહેંચાય છે જેની વચ્ચે જે ટાપુ છે તે માંધાતા પર્વત કહેવાય છે.
એક સમયની વાત છે કે અહીં માંધાતા પ્રદેશના રાજા માંધાતાએ આ સ્થળે પ્રજાના કલ્યાણ માટે શિવની ઉપાસના કરીને શિવને પ્રસન્ન કર્યા હતા. અહીં માન્યતા છે કે ઓમકારેશ્વર નગરીમાં રહેનારની શિવજી રક્ષા કરે છે.
ઓમકારેશ્વરની પરિક્રમા લગભગ સાત કિલોમીટરની છે જે પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. અહીં નર્મદા અને કાવેરી બંને નદીઓ વહે છે.
એકવાર કુબેરજીએ શિવનું અહીં આકરું તપ કર્યુ હતું તે સમયે કુબેરને સ્નાન કરવા માટે શિવજીએ જટાના વાળમાંથી કાવેરી ઉત્પન્ન કરી હતી. કાવેરી નદી દિવસમાં એક વાર ઓમકાર પર્વતની પ્રદક્ષિણા કરીને નર્મદા નદીમાં આવીને ભળી જાથ છે.
આદિ ગુરુ શંકરાચાર્યજી કહે છે “જેણે સ્વયંનો ઉદ્ધાર કરવો હોય તો આ સ્વયંભૂ જયોર્તિલિંગના દર્શન કરવા જોઈએ”.
ઓમકારેશ્વર જયોર્તિલિંગ જવું હોય તો ફલાઈટ,ટ્રેન કે બસમાં ઈન્દોર જવું ત્યાંથી ઓમકારેશ્વર ૮૭ કીમી છે. જો પ્રાઈવેટ કાર લઈને જાઓ તો રસ્તામાં દસ કિલોમીટરનો મછલિયો ઘાટ આવે છે ત્યાંથી શાંતિથી કાર લઈને પસાર થવું.
સ્કંદ પુરાણના રેવા ખંડમાં પ્રમાણ મળે છે કે
देवस्थानम॔ ह्योतत् मत्सतप्रसादाद भविष्यति ।
अन्नदानं,तप :पूजा तथा प्राणि विसर्जनम ।
ये कुर्वन्ति नरास्तेषां शिवलोकनिवासनम ।।
અર્થ – ઓમકારેશ્વર તીર્થ અલૌકિક છે.ભગવાન શિવની કૃપાથી દેવસ્થાન સમાન છે. જે મનુષ્ય આ તીર્થમાં જઈને અન્નદાન,પૂજા,તપ વગેરે કરે છે અથવા આ તીર્થમાં જેનું મૃત્યુ થાય છે તો તે શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
હમણા થોડા દિવસ પહેલા હું ઓમકારેશ્વર જયોર્તિલિંગ દર્શન કરી આવ્યો હતો તેથી સ્વ અનુભવ વર્ણવું તો ઓમકારેશ્વર જયોર્તિલિંગ પરમ શાંતિ અને આનંદની અનૂભુતિ કરાવનારું છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.