શિવ મહાપુરાણ અનુસાર પરમાત્માને એકમાંથી બે થવાની ઈચ્છા જાગૃત થઈ તેથી તેઓ પુરુષ રૂપે શિવ થયા અને પ્રકૃતિ રૂપે શક્તિ થયા. આ જ શિવ અને શક્તિએ અદશ્ય રહીને સ્વભાવથી જ ચેતન પુરુષ અને પ્રકૃતિની સૃષ્ટિ કરી. તેઓ બંને પોતાના માતા-પિતાને સામે ના જોઈને સંશયમાં પડયા.તે સમયે આકાશવાણી થઈ કે “તમારે બંનેએ તપસ્યા કરવી જોઈએ ત્યારપછી તમારાથી પરમ ઉત્તમ સૃષ્ટિનો વિસ્તાર થશે. પુરૂષ અને પ્રકૃતિએ પરમાત્માને પૂછયું કે “અમે કયાં તપ કરીએ ? તપસ્યા માટે કોઈ સ્થાન નથી.
તે સમયે પરાત્પર શિવે તેજના સારભૂત પાંચ કોશ લાંબા પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યુ. જે પોતાનું જ નિજ સ્વરૂપ હતું.તે સમગ્ર ઉપકરણોથી યુકત હતું. તે નગરમાં પુરુષ શ્રી હરિ વિષ્ણુએ ઘણા વર્ષો સુધી તપ કર્યું હતું. તે નગર આકાશમાં શ્રી હરિ પાસે આવીને સ્થિર થઈ ગયું હતું.
શ્રીહરિ વિષ્ણુએ શિવનું ધ્યાન ધરીને ઘણા વર્ષો સુધી તપ કર્યું તે પરિશ્રમથી તેમના શરીરમાંથી અનેકગણી શ્વેત ધારાઓ પ્રગટ થઈ જેનાથી આખુ શૂન્ય આકાશ વ્યાપ્ત થયું હતું. આ જોઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આશ્ચર્યથી પોતાનું મસ્તક હલાવ્યું હતું તે સમયે તેમના કાનમાંથી મણિ પડ્યો હતો. તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ થઈ ગયું હતું.
જ્યારે પૂર્વોકત જલરાશિમાં પંચકોશી ( કાશી ) ડૂબવા લાગી ત્યારે શિવજીએ તેને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લીધી હતી. શ્રી હરિ વિષ્ણુએ પોતાની પ્રકૃતિ સાથે ત્યાં જ શયન કર્યું તે સમયે તેમની નાભિમાંથી કમળ પ્રગટ થયું. તે કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા.
શિવની આજ્ઞાથી બ્રહ્માએ અદભુત સૃષ્ટિ રચવાનો આરંભ કર્યો હતો તે સમયે તેમણે ચૌદ ભુવનની રચના કરી હતી. બ્રહ્માંડનો વિસ્તાર મહર્ષિઓએ પચાસ કરોડ યોજનનો બનાવ્યો હતો.શિવજીએ તે સમયે વિચાર્યુ કે બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા પ્રાણીઓ મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે. આ વિચારીને તેમણે પંચકોશી ( કાશી ) ને આ જગતમાંથી મુક્ત રાખી.
આ પંચકોશી કાશી નગરી કલ્યાણદાયિની,કર્મ બંધનનો નાશ કરનારી,જ્ઞાનદાત્રી અને મોક્ષદાયિની છે તેથી મને અતિપ્રિય છે તેવું શિવ સ્વયં પોતે શિવમહાપુરાણમાં કહે છે. અહીં પરમાત્માએ સ્વયં ” અવિમુક્ત” લિંગની સ્થાપના કરી છે.
જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે ત્યારે પ્રલય થાય છે તે સમયે સમગ્ર સૃષ્ટિનો નાશ થઈ જાય છે પરંતુ કાશી નગરીનો ક્યારે નાશ થતો નથી. ભગવાન શિવ કાશીને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે. જયારે બ્રહ્મા ફરીથી પુન:સૃષ્ટિ રચે છે ત્યારે શિવ કાશી નગરીને આ ભૂતલ પર ફરી સ્થાપિત કરી દે છે.
કર્મનું કર્ષણ કરતી હોવાથી આ નગરીને કાશી કહે છે.કાશીમાં અવિમુક્તેશ્વર જયોર્તિલિંગ સદાય રહે છે જે મોક્ષ પ્રદાન કરનારું છે.
ધર્મનો સાર સત્ય છે,મોક્ષનો સાર સમતા છે અને સમસ્ત તીર્થોનો સાર “કાશી” છે જે અવિમુક્ત છે.અવિમુક્ત એટલે કોઈ પણ જીવને કોઈ પણ અવસ્થામાં મુક્તિ મળી શકે છે.
શિવમહાપુરાણમાં “કાશી – અવિમુકત ક્ષેત્ર” છે તેમ સ્પષ્ટ વર્ણન મળે છે કે જે ઈચ્છા અનુસાર ભોજન,શયન,ક્રીડા તથા વિવિધ કર્મોનું અનુષ્ઠાન કરતા કરતા પણ જો કોઈ મનુષ્ય આ અવિમુક્ત ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તો તેને મોક્ષ મળે છે. જેમના ચિત્ત વિષયોમાં આસક્ત છે અને ધર્મમાં રૂચિ છોડી દીધી છે તે આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છતાં પણ તે પુન:સંસાર બંધનમાં પડતો નથી અર્થાત્ તેને મોક્ષ મળી જાય છે. જીવને મૃત્યુકાળે આ ક્ષેત્ર પ્રાપ્ત થાય તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
એક સમયે પાર્વતીજીએ શિવજીને અવિમુક્ત ક્ષેત્ર અને અવિમુક્ત લિંગનું માહાત્મય પૂછયું હતું.તે સમયે ભગવાન વિશ્વેશ્વર બોલ્યા કે વારાણસી ક્ષેત્ર સદા ગુહ્ય ક્ષેત્ર છે. સર્વ જીવોની મુક્તિનો સદાય હેતુ છે. આ ક્ષેત્રમાં સદાય સિદ્ધગણ મારા વ્રતનો આશ્રય લઈને વિવિધ પ્રકારના વેશનો ધારણ કરીને મારા લોકને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને જિતેન્દ્રિય અને જિતાત્મા થઈ નિત્ય મહાયોગનો અભ્યાસ કરે છે. તે ઉત્તમ મહાયોગનું નામ પાશુપત યોગ છે જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે.
શિવ બોલ્યા હે પાર્વતી ! મને કાશીમાં નિવાસ કરવાનું ખૂબ ગમે છે. મને બહુ સારું લાગે છે તેથી હું બધુ છોડીને કાશીમાં રહું છું.
સ્કંદ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત ખંડ આલેખાયો છે.આ નગરીના બાર પ્રસિદ્ધ નામ- કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનન્દકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે.
કાશી નગરીમાં કાશી વિશ્વનાથ જયોર્તિલિંગ છે. તે સાથે કાશી કે કોતવાલ ભૈરવ દાદાનું મંદિર છે.શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર છે. તુલસી માનસ મંદિર,સંકટમોચન મંદિર,દુર્ગા મંદિર અને ભારત માતાનું મંદિર છે.
મરાઠા સામ્રાજયની મહારાણી અહલ્યાબાઈ હોલકરે કાશી વિશ્વનાથનું મંદિર વિક્રમ સંવત ૧૮૩૪ ( ઈ.સ ૧૭૭૭ ) માં બંધાવેલું હતું અને મરાઠા સામ્રાજયના વીર યોદ્ધા પેશ્વા બાજીરાવે ભૈરવ મંદિર વિક્રમ સંવત ૧૯૦૯ ( ઈ.સ ૧૮૫૨ ) માં બંધાવ્યું હતું.
ઉત્તરપ્રદેશમાં આવેલા કાશીમાં ગંગા વહે છે જેમાં સ્નાન કરવાથી સમગ્ર પાપોથી મુક્તિ મળે છે. અહીં જવું હોય તો ટ્રેન કે ફલાઈટમાં વારાણસી જવું ત્યાથી કાશી વિશ્વનાથ મંદિર વીસ કિલોમીટરના અંતરે છે.
એકવાર હું કાશી ગયો હતો ત્યાં જઈને મને એમ લાગ્યું કે હું શૂન્ય થઈ ગયો છું મને ત્યાં જે શાંતિ અને આનંદની અનુભૂતિ થઇ ને તે બીજે ક્યાંય નથી થઈ.
કાશીમાં હું ત્રણ દિવસ રોકાયો હતો. મારા મિત્ર રઘુવીર શાસ્ત્રીએ ત્યાં ત્રણ દિવસ મને કાશીમાં તેમની સાથે રાખ્યો હતો. એક અદભુત વાત કહું તો વિશ્વનાથ મંદિરની અંદર દર્શન કરવા ગયો ત્યારે ત્યાં ઘણા બધા શિવલિંગ હતા તો હું આશ્ચર્યચક્તિ થઈ ગયો કે આમાંથી મારા વિશ્વનાથ કોણ છે ?
ત્યારબાદ મારા મિત્ર જે ત્યાં સામવેદનો અભ્યાસ કરતા હતા તે રધુવીરજીની સાથે રહીને હું છેક કાશીવિશ્વનાથ જયોર્તિલિંગ સુધી પહોંચ્યો હતો.
કાશી વિશ્વનાથના દર્શન કરતા હું ત્યાં એક ક્ષણ માટે શૂન્ય થઈ ગયો હતો. મને જાણે લાગ્યું કે મારો વિશ્વનાથ સાથે જન્મોજન્મનો કંઈક નાતો છે.મારા મુખ પર હાસ્ય અને આંખોમાં થોડી ભીનાશ હતી. વિશ્વનાથના દર્શન કરીને મને ઘણો આનંદ પ્રાપ્ત થયો હતો.
કાશી વિશ્વનાથ દર્શન કરીને અમે ત્યાં બહાર નાની નાની કચોરી આરોગી હતી.ત્યાં સરસ મજાનું પાન મળતું ત્યાં મસ્ત લસ્સી મળતી હતી. ત્યાં કુલડીમાં ગરમ ગરમ ચા મળતી હતી.
ત્યાં ઘણી બધી રુદ્રાક્ષની માળાઓ મળતી, શંખ મળતા, ચંદન મળતું,ભસ્મ મળતી હતી. મને ત્યાંના લોકોને જોઈને એમ થયું કે આ લોકો આટલા ઉદાર કેવી રીતે હોઈ શકે છે. એમનો સ્વભાવ ખૂબ જ નમ્ર અને ઉદાર હતો.
અમારે સંધ્યા સમયે કાશી વિશ્વનાથની આરતી કરવી હતી. તે સમયે રધુવીર શાસ્ત્રીજીએ કાશી વિશ્વનાથની આરતી કરવા માટેની બે ટિકિટ લીધી. અમે બંને જણા મંદિરમાં પહોંચી ગયા અને છેક આગળ ગોઠવાઈ ગયા.
તે સમયે સપ્તઋષિ દ્વારા ( સપ્તઋષિ એટલે સાત બ્રાહ્મણો ) દ્વારા કાશી વિશ્વનાથની ત્રણ કલાક સુધી આરતી થઈ હતી.સાચું કહું તો આવી આરતી મેં ક્યારે કોઈ દિવસ ક્યાંય જોઈ નથી. હું ત્રણ કલાક સુધી શૂન્ય હતો મને કંઈ જ ભાન નહોતું અને હવે આગળ લખીશ તો અહીંયા જ શૂન્ય થઈશ….મારો જીવ ચોંટી જશે.
જય વિશ્વનાથ.
જય બહુચર માં.