શિવમહાપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના નર-નારાયણ નામના બે અવતારી પુરુષ બદ્રીકા તીર્થધામમાં તપસ્યા કરતા હતા.તેઓ પાર્થિવલિંગ બનાવીને શિવની પૂજા કરતા હતા. અસંખ્ય દિવસો વીતી ગયા બાદ શિવજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું.નર અને નારાયણે કહ્યું આપ જો વરદાન આપવા ઈચ્છતા હોવ તો આપ આપના મૂળ સ્વરૂપે પૂજા ગ્રહણ કરવા માટે અહીં સ્થિત થઈ જાઓ.આમ આ પ્રકારના નર-નારાયણના ઈચ્છિત વરદાનને સફળ કરવા માટે ભગવાન શંભુ કેદારનાથ જયોર્તિલિંગ સ્વરૂપે અહીં હિમાલયમાં સ્થિત થયા હતા.
કેદાર નો અર્થ થાય “શક્તિશાળી” જે સર્વશક્તિમાન છે તે શિવ છે. કેદાર પાંચ છે જે પંચ કેદાર તરીકે કહેવાય છે.
જેમાં શિવના પાંચ અલગ અલગ અંગોનું માહાત્મય જોવા મળે છે.
પંચ કેદારની પૌરાણિક કથામાં ઉલ્લેખ મળે છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવો તેમના ભાઈઓની હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે કાશી ગયા હતા પરંતુ ત્યાં શિવજીની લીલા ન્યારી હતી. શિવજી તેમને તરત દર્શન આપવા માંગતા નહોતા તેથી પાંડવોને ત્યાં શિવની માયાથી શિવના દર્શન થયા નહી.
મહાદેવજી ત્યાંથી હિમાલય આવીને કોઈ ગુપ્ત જગ્યાએ નિવાસ કરવા લાગ્યા. પાંડવો પણ શિવ દર્શનની હઠથી હિમાલય પહોંચ્યા. જેવા પાંડવો તે સ્થળે પહોંચ્યા જયાં ત્યાંથી શિવ પાછા માયા રચીને અન્ય સ્થળે આવી ગયા. જે ગુપ્ત સ્થળે શિવજી રહ્યા હતા તે હિમાલય પાસેનું “ગુપ્ત કાશી” કહેવાય છે.
શિવજી આ ગુપ્ત કાશીથી અન્ય સ્થળે આવ્યા તે સ્થળ “કેદાર” માં શિવજીએ નંદીનું રૂપ ધારણ કરીને ઘણી બધી ગાયો બળદોની વચ્ચે ચાલવા લાગ્યા. પાંડવો શિવ શિવ કરતા શિવના શોધવા લાગ્યા ત્યારે ભીમને શંકા ગઈ કે આ ગાયો બળદો ( નંદીઓ ) ની વચ્ચે અમારા “શિવ” છે પણ શોધવા કઠીન છે. ભીમે યુક્તિ કરીને તેના બે પગ બહુ જ પહોળા કરી દીધા. બધી ગાયો બળદો ભીમના બે પગ નીચેથી નીકળી પણ એક નંદી ( બળદ ) ત્યાં જ ઉભુ રહ્યું તે ભીમના પગ નીચેથી નીકળ્યું નહી.
ભીમ પોતાના પગને સંકુચિત કરીને ભાવુક થઈને “શિવ શિવ” કરતો તે નંદીના ચરણોમાં પડી ગયો પણ તે નંદી ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યું. ભીમે ખૂબ જ બળ લગાડીને નંદીની પીઠનો ત્રિકોણાત્મક ભાગ પકડી રાખ્યો હતો. ભગવાન શિવ એક પ્રચંડ અવાજ સાથે ત્યાં સર્વ શક્તિમાન કેદાર જયોર્તિલિગ સ્વરૂપે પ્રગટ થયા હતા. પાંડવોને દર્શન આપીને ભાતૃઓની હત્યાના પાપથી મુક્ત કર્યા હતા.
શિવ જે નંદી રૂપે હતા તેમના પાંચ અંગો અલગ અલગ સ્થળે પડયા જે પંચ કેદાર તરીકે ઓળખાય છે. ભુજાઓ તુંગનાથમાં, મુખ રૂદ્રનાથમાં, નાભિ મધ્ય મહેશ્વરમાં, જટા કલ્પેશ્વરમાં અને પીઠનો ઉપરનો ભાગ કેદારમાં એમ પંચ કેદાર તરીકે ઓળખાય છે.
નેપાળના કાઠમંડુમાં આવેલું પશુપતિનાથમાં શિવ જે નંદી સ્વરૂપે હતા તેમના ધડનો ઉપરનો ભાગ પડયો હતો અર્થાત મસ્તક પડયું હતું તેમ પ્રાચીન શાસ્ત્રોમાં મળી આવે છે.
મહાભારત સમયે આ પંચ કેદાર મંદિરો તથા પશુપતિનાથનું મંદિર પાંડવોએ બનાવ્યું હતું ત્યારબાદ વર્ષો બાદ આદિ ગુરુ શંકરાચાર્ય મોક્ષની પ્રાપ્તિ માટે કેદારનાથ આવ્યા હતા તેમણે ફરીથી કેદારનાથ મંદિરનો જીણોદ્વાર કરાવ્યો હતો.તેઓ અવારનવાર કેદારનાથ આવતા હતા. કેદારનાથ મંદિરની પાછળના ભાગે માત્ર ૩૨ વર્ષની ઉંમરે આદિ ગુરુ શંકરાચાર્યે સમાધિ લીધી હતી.
શિવમહાપુરાણમાં કેદારનાથની કથામાં મહર્ષિ વેદવ્યાસજી લખે છે કે જે પૂર્ણ ભક્તિભાવથી કેદારનાથ જયોર્તિલિંગનું પૂજન અર્ચન કરે છે તેને સપનામાં પણ દુ:ખ આવતું નથી. જે શિવનો પ્રિય ભક્ત શિવલિંગની પાસે શિવના રૂપથી અંકિત વલય ( કંકણ અથવા કડું ) ચઢાવે છે.એ વલયયુકત સ્વરુપનું દર્શન કરીને સમગ્ર પાપોમાંથી મુકત થઈ જાય છે તે સાથે જો બદ્રીનાથની યાત્રા કરે તો જીવનમુક્ત પણ થઈ જાય છે. જે મનુષ્યને મોક્ષ જોઈતો હોય તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
શિવમહાપુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં લિખિત છે કે જે કોઈ કેદારનાથમાં શ્રદ્ધા રાખનારો કેદારનાથની યાત્રાનો આરંભ કરીને કેદારનાથ પહોંચતા પહેલા જો રસ્તામાં પણ મૃત્યુ પામે તો પણ તેને મોક્ષ મળે છે એમાં વિચાર કરવાની કોઈ જ આવશ્યકતા નથી.
કેદારેશ્વર પહોંચીને શિવ પૂજા કર્યા બાદ ત્યાંનું જળ પી લીધા પછી મનુષ્યનો ફરીથી જન્મ થતો નથી. આમ દરેક જીવે એક વખત બદ્રીનારાયણ અને કેદારનાથના દર્શન કરવા જોઈએ.
કેદારનાથ ઉત્તરાખંડમા આવેલું છે જયાંથી મંદિકિની નદી વહે છે. કેદારનાથ જવું હોય તો હરિદ્રાર અથવા ઋષિકેશ પહોંચીને ત્યાંથી ટ્રેનમાં જઈ શકાય છે. ફલાઈટમાં જવું હોય તો દેહરાદૂન જવું પડે ત્યાંથી પ્રાઈવેટ ટેક્સીમાં જોશીમઠ જવું પડે. ત્યાં ગૌરીકુંડ સુધી જ વાહનો જઈ શકે છે. ગૌરીકુંડ પછી ૧૪ કીમી ઉપર કેદારનાથ છે ત્યાં ચાલતા જવું પડે છે. ત્યાં ઘોડા,પાલખી તેમ તમામ વ્યવસ્થા છે.
ઉત્તરાખંડમાં સખત હિમવર્ષા થવાના કારણે કેદારનાથ મંદિરના દ્વાર શિયાળામાં બંધ રહે છે. મંદિરના કપાટ છ મહિના ખુલે છે અને છ મહિના બંધ રહે છે. મંદિર અખાત્રીજના દિવસથી કારતક સુદ પૂનમ સુધી ખુલ્લુ હોય છે. જયારે મંદિર છ મહિના બંધ રહે છે ત્યારે પૂજારી મંદિરમાં અખંડ દીવો પ્રગટાઈને જાય છે. સાફસફાઈ કરીને જાય છે. આશ્ચર્યની વાત એ છે કે છ મહિના પછી પૂજારી મંદિર ખોલે છે ત્યારે મંદિર એકદમ ચોખ્ખું હોય છે અને દીવો પણ પ્રગટતો હોય છે. જયારે કેદારનાથ મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે તે સમયે શિવજીની પંચમુખી મૂર્તિ ” ઉખીમઠ” લાવવામાં આવે છે ત્યાં તે મૂર્તિની પૂજા થાય છે.
કેદારનાથ મંદિરની બહાર એક વિશાળ નંદી છે અને ત્યાં બાજુમાં ભેરવજીની મૂર્તિ આકૃતિ જેવી છે.
વર્ષ ૨૦૧૩ માં કેદારનાથમાં ગ્લેશિયર તૂટવાના કારણે બહુ જ મોટું પૂર આવ્યુ હતું.તેમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. તે સમયે મને આટલું જ્ઞાન નહોતું કે હું સમજી શકું કે હે ઈશ્વર ! તમારા ધામમાં જ કેમ આમ બન્યું ? આ પ્રશ્ન આઠ વર્ષથી મનમાં ખૂંચતો એનો જવાબ મને આજે મળ્યો કે હે શિવ ! આપ તે તમામ જીવોને મોક્ષ આપવા ઈચ્છતા હતા.
નમો નમો જી શંકરા ભોલેનાથ શંકરા
રૂદ્રદેવ હે મહેશ્વરા…
હર હર મહાદેવ.
જય બહુચર માં.