29 C
Ahmedabad
Tuesday, September 17, 2024

શ્રી ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગનું માહાત્મય.

શિવમહાપુરાણ અનુસાર ગૌતમ નામના મહાન ઋષિ પત્ની અહલ્યા સાથે બ્રહ્મગિરિ પર્વત પાસે દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરતા હતા. તે સમયે અચાનક દુષ્કાળ પડયો હતો.પૃથ્વી પર ઘણું સૂકાઈ ગયું હતું. જમવા માટે અન્ન અને પીવા માટે જળ નહોતું. ત્યાંથી મનુષ્યો, પશુ-પક્ષીઓ દશે દિશાઓમાં ચાલ્યા ગયા હતા.તે સમયે ગૌતમ ઋષિએ છ મહિના સુધી તપ કરીને વરૂણ દેવને પ્રસન્ન કર્યા હતા.

વરૂણ દેવે પ્રસન્ન થઈને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું ત્યારે ગૌતમ ઋષિએ પૃથ્વી પર વરસાદ વરસાવવાનું કહ્યું.વરૂણદેવે કહ્યું દેવોના વિધાનની વિરૂદ્ધ ના જતા અહીંયા વરસાદ વરસાવી શકું તેમ નથી.પણ હા હું તમારી ઈચ્છા અનુસાર વરદાન આપવા માટે બંધાયેલો છું તેથી હું તમને અક્ષય જળ આપું છું. તમે અહીં એક ખાડો તૈયાર કરો. ગૌતમ ઋષિએ ત્યાં ખાડો કર્યો. વરૂણ દેવે તે ખાડો અક્ષય જળથી ભરી દીધો.વરૂણદેવે કહ્યું આ જળ કદીય ક્ષીણ નહી થાય.પૃથ્વી પર આ સ્થળની તમારા નામથી ખ્યાતિ થશે.અહીંયા થનારું દરેક કર્મ દાન, જપ, હોમ, પિતૃનું કાર્ય વગેરે સર્વ સિદ્ધ થશે.

દયાળુ, અભિમાનશૂન્ય, ઉપકારી અને જિતેન્દ્રિય આ ચાર પુણ્યના આધાર સ્તંભો છે જેના પર પૃથ્વી પર ટકી છે. ગૌતમ ઋષિએ અન્ય જીવોના ઉદ્ધાર માટે ત્યાં જે જળની પ્રાપ્તિ કરી તેનાથી વૃક્ષો વાવ્યા,ફળફળાદિ ઉગાડયા,ધાન્ય વાવ્યું.ચારે બાજુ લીલીવાડી થઈ ગઈ. બધા ઋષિમુનિઓ, વન્ય જીવો, પશુ પક્ષીઓ તેમના પરિવાર સાથે સુખેથી જીવવા લાગ્યા.આખું વન આનંદમય થઈ ગયું.

એકવાર ઋષિ પત્નીઓને જળની બાબતે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા માટે ઈર્ષ્યા થઈ. તે બધી સ્ત્રીઓએ તેમના પતિને ઉશ્કેર્યા. તે ઋષિમુનિઓએ ગૌતમ ઋષિનું અનિષ્ટ થાય તે માટે ગણેશજીની આરાધના કરી. ગણેશજી પ્રગટ થઈને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું.

તે ઋષિમુનિઓએ ગણેશજીને કહ્યું કે તમે એવો કંઈક ઉપાય કરો કે જેથી ગૌતમ મુનિનું અનિષ્ટ થાય અને અમે તેમને આ આશ્રમમાંથી બહાર કાઢી શકીએ.ગણેશજીએ કહ્યું કે ‘તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. નિર્દોષ વ્યકિતને ફસાવવો અને તેને દંડ અપરાધી કરવો તે પાપ છે. આ કરવાથી તમારું જ અનિષ્ટ થશે.આવી સલાહ આપવા છતાં તે ઋષિઓએ હઠ પકડી રાખી. ગણેશજી વિવશ થઈને એક દુબળી ગાયનું સ્વરૂપ ધરીને ગૌતમ ઋષિ પાસે ગયા. જયાં ગૌતમ ઋષિ ત્યાં વાડામાં અન્ય પશુઓને ચારો નાખી રહ્યા હતા. તે દુબળી ગાય જેવી તે પશુઓના ટોળામાં ગઈ ત્યાં ગૌતમ ઋષિએ તે અચાનક આવેલી દુબળી ગાયને ખસેડવા એક તણખલું જેવું અડાડયું. ત્યાં તો પેલી દુબળી ગાય મૃત્યુ પામી.

બધા ઋષિમુનિઓ આ ઘટના બને તેની રાહ જોતા હતા. સૌએ આવીને ગૌતમઋષિ પર ગૌ હત્યાનો આરોપ લગાવ્યો.તેમને ખરી ખોટી કહીને આશ્રમમાંથી કાઢી મૂકયા. ગૌતમ ઋષિએ ભાવવિભોર થઈને ખૂબ જ ક્ષમાયાચના માંગી પણ કોઈએ તેમની એક ના સાંભળી.તેઓ મનમાં ગૌ હત્યાનો ઉન્માદ કરવા લાગ્યા.

જયારે ગૌતમ ઋષિએ આ ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવાના નિવારણ અંગે ઋષિમુનિઓને પૂછયું ત્યારે તે ઋષિમુનિઓએ કહ્યું કે તમારે ત્રણ વખત પૃથ્વીની પરિક્રમા કરવી પડશે. પછી આવીને એક મહિનાનું વ્રત કરવું પડશે.પછી બ્રહ્મગિરિની એકસોએક પરિક્રમા પછી તમારી શુદ્ધિ થશે અથવા ગંગાજીને અહિંયા બોલાવીને તેમના જળથી સ્નાન કરો અને એક કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને મહાદેવજીની આરાધના કરો. પછી ગંગામાં સ્નાન કરીને આ પર્વતની અગિયાર વખત પરિક્રમા કરો ત્યારપછી સો ઘડા જળથી ભરો પાર્થિવ શિવલિંગને સ્નાન કરાવશો પછી જ તમારો ઉદ્ધાર થશે.

ઋષિઓના આ પ્રમાણે કહેવાથી ગૌતમ ઋષિએ બધી જ વાતોને સ્વીકારીને કહ્યું કે હું આપની સર્વ આજ્ઞાઓનું પાલન કરીશ.બ્રહ્મગિરિની પરિક્રમા અને પાર્થિવ પૂજન કરીશ.ગૌતમ ઋષિએ બ્રહ્મગિરિ પર્વતની પરિક્રમા કરીને પાર્થિવલિંગોનું પૂજન કર્યું.ગૌતમ ઋષિની પત્ની સાધ્વી અહલ્યાએ તેમનો સાથ આપ્યો. તે સમયે શિષ્ય-પ્રશિષ્ય તે બંનેની સેવા કરતા હતા.

પત્નીસહિત ગૌતમ ઋષિએ શિવની આરાધના કરી તેથી ભોળાનાથ શિવ ત્યાં શિવા ( પાર્વતીજી ) સહિત તેમના ગણો સાથે પ્રગટ થયા. શિવ બોલ્યા હે મુનિશ્રેષ્ઠ ! હું તમારી ઉત્તમ ભક્તિથી પ્રસન્ન થયો છું. તમે ઇચ્છિત વરદાન માંગો.તે સમયે ગૌતમ ઋષિએ ભાવવિભોર થઈને શિવની સ્તુતિ કરીને કહ્યું કે “મને તમામ પ્રકારના પાપમાંથી મુકત કરો ( નિષ્પાપ કરો )

શિવ બોલ્યા કે હે મુનિવર ! તમે સદાય નિષ્પાપ જ છો.આ દુષ્ટોએ તમારી સાથે કપટ કર્યું છે. તમારા તો દર્શન કરીને કોઈ પાપરહિત થઈ જાય અને તમે સદા મારી ભક્તિ કરનારા કેવી રીતે પાપી હોઈ શકો ? જે દુરાચારીઓ તમારી પર અત્યાચાર કર્યો તે લોકો ખરેખરમાં પાપી અને દુષ્ટ છે.જે કોઈ તેમના દર્શન કરશે તે લોકો પાપી થઈ જશે.તે લોકોનો ઉદ્ધાર કયારેય નહી થાય.

શિવજીએ આગળ ક્હ્યું કે હે મહર્ષિ ! તમે ધન્ય છો. સર્વ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ છો.હું તમારા પર પ્રસન્ન થયો છું. તમે ઉત્તમ વરદાન માંગો. ગૌતમ ઋષિએ ત્યારે શિવ પાસે ગંગા માંગી જેથી સર્વલોકનો ઉદ્ધાર થઈ શકે. શિવજીની આજ્ઞાથી ગંગાજી પ્રગટ થયા. ગૌતમ ઋષિએ ગંગાજીની સ્તુતિ કરી.શિવજીએ ગંગાજીને વૈવસ્વ મનુના અઠાવીસમાં કળીયુગ સુધી રોકાવા માટે કહ્યું.

હવે ગંગાજી શિવજીને શું કહે છે તે સાંભળજો. જો મારું માહાત્મય બધી નદીઓમાં શ્રેષ્ઠ હોય તથા આપ પાર્વતી તથા ગણો સહિત અહીંયા કાયમ નિવાસ કરો તો જ હું આ ધરતી પર રહું. શિવજીએ “તથાસ્તુ” કહ્યું. તે સમયે દેવતાઓ,ઋષિમુનિઓ તથા નાના મોટા ક્ષેત્રો ત્યાં પ્રગટ થયા અને શિવની સ્તુતિ કરવા લાગ્યા.તે સમયે દેવતાઓને શિવજીએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે દેવતાઓએ સર્વનું કલ્યાણ થાય તે માટે શિવજીને અહીં જ નિવાસ કરવાનું કહ્યું.

તે સમયે ગંગાજી બોલ્યા કે તો દેવો તમે અહિં કાયમ માટે નિવાસ કેમ નથી કરતા ? હું તો ગૌતમ ઋષિના પાપોનું પ્રક્ષાલન કરીને અહીંથી વિદાય લઈશ પણ તમારે પણ રોકાવું જોઈએ.ત્યારે દેવતાઓ બોલ્યા કે જયારે સિંહ રાશિમાં ગુરુ આવશે ત્યારે ત્યારે અહીં ચોકકસ આવીશું. તે સમયે અમે ત્રણ વખત તમારા જળથી સ્નાન કરીશું અને શિવપૂજા કરીને અમારા નિવાસસ્થાને પરત ફરીશું.

આમ મહર્ષિ ગૌતમ,દેવતાઓ અને ગંગાની પ્રાર્થનાથી શિવજી ત્યાં જયોર્તિલિંગ સ્વરૂપે કાયમ માટે નિવાસ કર્યો તે ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ કહેવાયું જે ગૌતમી નદીના ( ગૌદાવરી ) કાંઠે છે. આ ગૌતમી નદી ગોદાવરી એ જ શિવની આજ્ઞાથી પ્રગટ થયેલી ગંગા છે.

જયારે જયારે પણ ગુરુ સિંહ રાશિમાં આવે છે ત્યારે તમામ નદીઓ, તીર્થો, ક્ષેત્રો, વિષ્ણુ સહિત દેવતાઓ ગૌતમી તટે આવીને નિવાસ કરે છે.આ જયોર્તિલિંગ મહાપાપોનો નાશ કરનારું છે,પરલોકમાં મોક્ષ પ્રદાન કરનારું છે.જે કોઈ આ જયોર્તિલિંગના દર્શન, પૂજન તથા સ્તુતિ સાથે વંદન કરે છે તેના તમામ પાપોનું નિવારણ થાય છે તેમાં કોઈ સંશય નથી.

“ત્ર્યંબકેશ્વર” એટલે ત્રણ ઈશ્વર. આ ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ ત્રણ નાના નાના શિવલિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયું છે જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતીક સ્વરૂપે છે.અહીં ત્રણ પર્વત છે જે બ્રહ્મગિરિ, નીલગીરિ અને ગંગાદ્વાર તરીકે ઓળખાય છે.

આ જયોર્તિલિંગ મહારાષ્ટ્રમાં નાસિક પાસે આવેલું છે જયાં બસ અથવા ટ્રેન મારફતે જઈ શકાય છે. ફલાઈટમાં જવું હોય તો મુંબઈ જવાનું ત્યાંથી બસમાં કે પ્રાઈવેટ ટેક્ષી કરીને નાસિક જવું. નાસિક શહેરથી ૩૦ કીમીના અંતરે ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ આવેલું છે. આ મંદિરને મુગલ ઔરંગઝેબે તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ ત્યારબાદ મરાઠા રાજાઓએ મંદિરનો પુન:જીર્ણોદ્વાર કરાવ્યો હતો.

હું અહીં દર્શન કરવા ગયો હતો ત્યારે બહારથી જ વિશાળ દેખાતા મંદિર જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. મને લાગ્યું કે સ્વયં શિવ ત્રિશૂળ ધારણ કરીને ઉભા છે. મંદિરમાં ગયો ત્યારે મંદિરની શીતળતા એટલી હતી કે મારા પગના પંજા જાણે ભીના ભીના થઈ ગયા હતા. ત્યાં ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગના દર્શન કરીને વારંવાર ત્યાં શિવને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતો હતો તે જોઈને મને મહાદેવજીએ કહ્યું કે બસ જા હવે……..

આ મારા હ્દયની વાત છે. તમે સૌ જયોર્તિલિંગના દર્શન કરવા જજો હોં. શિવા સહિત શિવ આપણા જેવા નાના નાના બચ્ચાઓને ( બાળકોને ) જોઇને રાજી રાજી થઈ જાય છે.

હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page