શિવમહાપુરાણ અનુસાર દક્ષિણ દિશામાં સ્થિત દેવગિરિ પર્વત પાસે ભારદ્વાજ કુળમાં ઉત્પન્ન દ્વિજશ્રેષ્ઠ ( બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ { દ્વિજ – બ્રાહ્મણ } ) સુધર્મા નામે શિવભક્ત રહેતા હતા.તેમની પત્નીનું નામ સુદેહા હતું. સુધર્મા બ્રાહ્મણ નિત્ય શિવપૂજનમાં લીન રહેતા હતા.તેઓ ત્રિસંધ્યા કરતા તથા તેમના શિષ્યોને વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન ભણાવતા હતા. તેમની પત્ની સુદેહા પતિની સેવામાં લાગી રહેતી. સુધર્મા દેવતાઓ અને અતિથિઓને પૂજનારા હતા.
બંને આટલું શિવભક્તિમાં લીન હોવા છતાં તેમને ઘરે સંતાન સુખ નહોતું. લોકોના મ્હેણા ટોણાથી પત્ની સુદેહા ઘણી દુ:ખી રહેતી હતી. તે પતિને વારેવારે પુત્ર માટે પ્રાર્થના કરતી હતી પણ સુધર્મા તેને જ્ઞાન-ઉપદેશ આપીને સમજાવતા હતા કે “આપણા પ્રારબ્ધમાં હશે તો શિવ ચોક્કસ સંતાન આપશે” પણ સુદેહાનો સંતાન માટેનો મોહ એટલો વધી ગયો કે તેણે તેની નાની બહેન ધુશ્મા સાથે તેના પતિને પરણવાની હઠ કરી.
પતિ સુધર્માએ પહેલા તો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો ને કહ્યું કે “વિવાહ થયા બાદ જો એને પુત્ર થયો તો તને ઈર્ષ્યા થશે” ત્યારે સુદેહાએ કહ્યું કે “હું બહેનની કયારેય ઈર્ષ્યા નહી કરું” તેમ વચન આપીને સુધર્માએ તેમના પતિને પોતાની બહેન ધુશ્મા સાથે વિવાહ કરવા માટે રાજી કરી લીધા હતા.
વિવાહ બાદ ધુશ્મા પોતાની મોટી બહેન સુદેહાની દાસીની જેમ સેવા કરવા લાગી. મોટી બહેનની આજ્ઞાથી તે શિવભક્તિમાં લીન થઈને સૌ પાર્થિવલિંગ બનાવીને નિત્યપૂજા કરતી હતી. પૂજાના સમાપન બાદ તે નિકટના તળાવમાં તે પાર્થિવ લિંગોનું વિસર્જન કરતી હતી.
ભોળાનાથની કૃપાથી ધુશ્માને સુંદર,સૌભાગ્યવાન અને સર્વગુણસંપન્ન પુત્ર થયો.ધુશ્માનું થોડું માન વધ્યું તેથી સુદેહાને થોડી ઈર્ષ્યા થવા લાગી. પુત્ર મોટો થતા તેના વિવાહ થયા.ઘરમાં પુત્રવધુ આવી તેમ સુદેહા વધારે ને વધારે ઈર્ષ્યા કરવા લાગી. એક રાત્રે સુદેહાએ તે સૂઈ ગયેલા પુત્રના છરાથી ટુકડેટુકડા કરી દીધા અને તે ટુકડાને તે તળાવમાં નાખી આવી કે જયાં ધુશ્મા પાર્થિવ લિંગોનું પૂજન કરીને વિસર્જન કરતી હતી.
પુત્રવધુ સવારે લોહીથી લથપથ પથારી જોઈને પોતાના પતિ માટે વિલોપ કરવા લાગી.તે સાસુ ધુશ્મા પાસે આવીને રોઈ રોઈને ડૂસકા ભરવા લાગી.આ બાજુ સુદેહા મનોમન રાજી થતી હતી. ધુશ્મા પુત્રવધુને સહેજ પણ વિચલિત થયા વગર કહ્યું “જેણે પુત્ર આપ્યો છે તે શિવ જ મારા પુત્રની રક્ષા કરશે” તેમ કહી તેણે નિત્યપૂજા આરંભી.પાર્થિવલિંગો બનાવીને પૂજન કરવા લાગી.
તે પાર્થિવલિંગોનું વિસર્જન કરવા તળાવ પાસે ગઈ અને પાર્થિવલિંગોનું તળાવમાં વિસર્જન કર્યું. તે જેવી તળાવથી પાછી ફરી ત્યાં તેણે તેના પુત્રને ઉભેલો જોયો.પોતાના પુત્રને જીવતો જોઈ ધુશ્માને ન તો હર્ષ થયો ન તો વિષાદ થયો તે પહેલાની જેમ જ સ્વસ્થ રહી.તે જ સમયે મહેશ્વર શિવ જયોર્તિ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવ ધુશ્માને કહ્યું કે ” તારી શોક્યે તારા પુત્રને માર્યો હતો,હું તેને ત્રિશૂળથી મારીશ”.
ધુશ્મા બોલી હે શિવ ! આપ તેને માફ કરી દો. સુદેહા મારી મોટી બહેન છે.આપ તેની રક્ષા કરો.શિવ બોલ્યા કે તેણે તો અપકાર કર્યો છે. તમે શા માટે તેના પર ઉપકાર કરો છો ? ધુશ્માએ કહ્યું “અપકાર કરનારા પર ઉપકાર કરવો તે આપે તો શીખવ્યું છે” તેણે કુકર્મ કર્યું તેવું હું શું કામ કરું ?
શિવ બોલ્યા હે ધુશ્મા ! તમારા મનની મોટાઈથી હું અતિપ્રસન્ન થયો છું.તમે ઈચ્છિત વરદાન માંગો. ધુશ્માએ કહ્યું કે “આપ સદાય લોકોની રક્ષા કરવા માટે અહીં નિવાસ કરો અને મારા નામથી જ આપની ખ્યાતિ થાય” શિવે પ્રસન્ન થઈને કહ્યું ” હું આજથી ધુશ્મેશ્વર નામે જયોર્તિલિંગ સ્વરૂપે સદાય અહીં નિવાસ કરીશ અને સર્વલોકને સુખી કરીશ”આ તળાવ શિવલિંગોનું આલય થઈ જાઓ અને ત્રણે લોકમાં શિવાલય સરોવર નામે પ્રસિદ્ધ થશે.આ સરોવરના દર્શનમાત્રથી દરેકની મનોકામના પૂર્ણ થશે.
શિવ બોલ્યા હે ધુશ્મા ! તારી સો પેઢી સુધી આવા જ શ્રેષ્ઠ ગુણવાન પુત્ર થશે.એ બધા જ ઉત્તમ ધન,સુંદર પત્ની અને પૂર્ણ આયુષ્યથી સંપન્ન થશે. તમારી પેઢી દર પેઢી દરેક પુત્ર વિદ્વાન થશે. ભગવાન શિવ આમ વરદાન આપીને જયોર્તિલિંગ સ્વરૂપે સ્થિર થયા. ત્યાં પાસે આવેલું સરોવર શિવાલય કહેવાયું.
સુધર્મા અને સુદેહા ત્યાં આવ્યા.સુદેહાએ પોતાના કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યુ.તેણે સુધર્મા અને ધુશ્માની ક્ષમાયાચના માંગી.તે ત્રણેય ધુશ્મેશ્વર જયોર્તિલિંગની એકસોએક દક્ષિણાવર્ત પ્રદક્ષિણા કરી. શ્રી ધુશ્મેશ્વર જયોર્તિલિંગના દર્શન અને પૂજનથી સદાય સુખની વૃદ્ધિ થાય છે.
શ્રી ધુશ્મેશ્વર જયોર્તિલિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલું છે જે બારમું જયોર્તિલિંગ છે.ઔરંગાબાદથી ૪૦ કિમીના અંતરે વેરૂલમાં આવેલું છે.અહીંયા બસ અથવા ટ્રેન દ્વારા જઈ શકો છો.રસ્તામાં અજંતા- ઈલોરાની ગુફાઓ આવે છે જે જોવાલાયક સ્થળ છે. આ મંદિર મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે બંધાવ્યું હતું.
હું અહીંયા દર્શન કરવા ગયો હતો ત્યારે મેં જાણ્યું કે ધુશ્મેશ્વર જયોર્તિલિંગમાં દર્શન કરવા માટે પુરુષોએ અંદર ગર્ભગૃહમાં જવા માટે પોતાનું શર્ટ-ટીશર્ટ કાઢી નાખવાનું હોય છે કારણકે શાસ્ત્રમાં વર્ણન છે કે ગર્ભગૃહમાં જવા માટે ઉપવસ્ત્ર ના હોવું જોઈએ.સ્ત્રીઓ માટે આ નિયમ લાગુ પડતો નથી. ચામડાનો પટ્ટો અને ચામડાનું પર્સ પણ બહાર કઢાવી નાખતા હતા.આ જયોર્તિલિંગના દર્શન કરીને મારે મન અત્યંત આનંદ છવાયો હતો. અહીંયા મંદિરની આજુબાજુ રહેતી વસ્તી મંદિરની બહાર પૂજાપો વેચીને તેમનું જનજીવન ગુજારે છે તેથી આપ સૌ દર્શન કરવા જાઓ તો પૂજાપો લઈને તે લોકોને રોજીરોટી મળે તેવું કરજો હોં ને.
શિવ જબ જબ મેં આપકી શરણ મેં આયા.
મુજે શાંતિ,આનંદ ઔર શૂન્યતા કા હી અનુભવ હુઆ.
આજે અહીં બાર જયોર્તિલિંગનું માહાત્મય પૂર્ણ થાય છે.હું અત્યાર સુધી આઠ જયોર્તિલિંગના દર્શને ગયો છું. જયાં જયાં પણ ગયો ત્યાં મેં મારી બહુચર માતાનો આનંદનો ગરબો અને હનુમાનજીની ચાલીસા કરી છે.પૂછો કેમ ? કારણકે શિવના તીર્થ ધામમાં મારા બે આરાધ્યને યાદ કરીને મેં શિવને એમ જણાવ્યું કે આ બે માધ્યમો થકી એક વાર આ જીવ તમારી શરણે શિવમય થવા માંગે છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.