શિવપુત્ર કાર્તિકેય મુરુગન, સ્કંદ, કુમાર એમ અલગ અલગ નામોથી ઓળખાય છે.કાર્તિકેય મહાભયંકર તારકાસુર દૈત્યનો વધ કર્યો હતો. કાર્તિકેય શિવશક્તિનું પ્રથમ સંતાન અને ગણેશજી દ્વિતીય સંતાન છે.
એકવાર ગણેશજી અને કાર્તિકેય વચ્ચે “પહેલા હું વિવાહ કરીશ” એવો વિવાહ કરવાના બાબતે વિવાદ થયો. શિવ પાર્વતીએ બંનેને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલું આવે એનો વિવાહ કરાવવો એવું નકકી કર્યુ. કાર્તિકેય એમના વાહન મોર પર અસવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા.આ બાજુ ગણેશજીએ વેદોકત બુદ્ધિનો ઉપયોગ કર્યો અને “માતા-પિતાની પ્રદક્ષિણા એ જ પૃથ્વીની પ્રદક્ષિણા” એમ વિચારીને શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી.
ગણપતિજીએ માતા-પિતાની પ્રદક્ષિણા કરી તેથી શિવ-પાર્વતીએ પ્રસન્ન થઈને તેમનો વિવાહ રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરાવ્યો.તેનાથી તેમના બંને પુત્રો ક્ષેમ અને લાભનો જન્મ થયો.
આ બાજુ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી પાછા કૈલાસ ફરતા હતા ત્યારે નારદજીએ કાર્તિકેયને તેમની સાથે અન્યાય થયો છે તેમ કહી સઘળી વાત કહી. કાર્તિકેય શિવ પાર્વતી પાસે કૈલાસ આવ્યા તેમને નમસ્કાર કર્યા અને નિરાશ થઈને શૈલ પર્વત પર ચાલ્યા ગયા.
માતા પાર્વતી અને પિતા શિવ પુત્રને મનાવવા ગયા પરંતુ માતા-પિતાના આગમનના સમાચાર સાંભળીને કાર્તિકેય ત્યાંથી ત્રણ યોજન (૩૬ કિલોમીટર ) દૂર ચાલ્યા ગયા.
શિવજી ત્યાં જ શૈલ પર્વત પર પુત્ર માટે જયોર્તિલિંગ સ્વરૂપે પાર્વતી સહિત સ્થંભી ગયા. તે જયોર્તિલિંગ “મલ્લિકાર્જુન જયોર્તિલિંગ” કહેવાય છે.જયાં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે શિવ તેમ કહેવાય છે. આ મલ્લિકાર્જુન જયોર્તિલિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પાસે છે. દર અમાસે ભગવાન શિવ અને દર પૂનમે માતા પાર્વતી પુત્ર કાર્તિકેયને મળવા માટે અહીં આવે છે.
સમયાંતરે આ સ્થળ લોકકલ્યાણ માટે પુન:જાગૃત થયું.ઈતિહાસ મુજબ રાજા ચંદ્રગુપ્તની દીકરી પોતાના રાજય પર કોઈ સંકટ ના આવે તે માટે પોતાના પિતાને જાણ કર્યા વગર શૈલ પર્વત પર સાધના કરવાના હેતુથી ચાલી ગઈ હતી.તે ત્યાં તે કદંમૂળ ખાઈને તપસ્યા કરતી હતી અને તેની ગાય શ્યામાને દોહીને તેનું દૂધ પીતી હતી.
એક દિવસ તેની ગાય શ્યામાને દોહતા તેણે દૂધ ના આપ્યું. આવું સળંગ ચાર પાંચ દિવસ થયું. તેથી તેણીને શંકા ગઈ કે તેની ગાયને કોઈ દોહીને તેનું દૂધ લઈ જાય છે.
એકવાર તે તેની ગાયની પાછળ ગઈ તો તેણે જોયું કે કોઈ અજાણ્યો વ્યકિત તેની ગાયને દોહી રહ્યો હતો. તેણી ક્રોધની મારી તેને પકડવા ગઈ પણ ત્યાં તે વ્યક્તિ દેખાયો નહી પણ માત્ર ગાય ઉભી હતી તે પર્વત પર એક શિવલિંગ દેખાયું. તે શિવલિંગ એટલે “મલ્લિકાર્જુન જયોર્તિલિંગ” જયાં પૂર્વે શિવ શિવા સહિત ત્યાં સ્થંભી ગયા હતા.
રાજાની દીકરીએ તે શિવલિંગની ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. આ મંદિરના નિર્માણને ૨૦૦૦ વર્ષો થઈ ગયા. રાજા કૃષ્ણરાયે પાંચસો વર્ષ પહેલા મંદિરના મંડપનું નિર્માણ કર્યું. મંદિરના શિખરને સોનાથી મઢાવ્યું. દોઢસો વર્ષ પછી છત્રપતિ શિવાજી મહારાજે મંદિરથી થોડે દૂર યાત્રીઓ માટે ધર્મશાળા બનાવી હતી. આ મંદિરને “દક્ષિણનું કૈલાસ” કહેવાય છે તેવી લોકવાયકા છે.
મંદિરથી થોડે દૂર “ભ્રમરામ્બા” નામનું શક્તિપીઠ છે જયાં સતીની ગ્રીવા (ગર્ભાશયનો એક નાનકડો ભાગ) નો ભાગ પડયો હતો. મંદિરની પાંચ કિલોમીટર નીચે પાતાલગંગા નામની કૃષ્ણા નદી છે જેમાં સ્નાન કરવાથી તમામ રોગ-દોષોથી મુક્તિ મળે છે.
સ્કંદપુરાણમાં શ્રીશૈલકાંડ નામના અધ્યાયમાં મલ્લિકાર્જુન મંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન છે. આદિ ગુરુ શંકરાચાર્યે આ મંદિરમાં મલ્લિકાર્જુન જયોર્તિલિંગના દર્શન કરીને શિવનંદ લહરીની રચના કરી હતી. કેટલાક તમિલ સંતોએ અહીં આવીને શિવની કઠોર ભક્તિ કરી હતી.
શાસ્ત્ર કહે છે કે શ્રીશૈલ પર્વત પર ભગવાન શિવનું પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ મળે છે.આ જયોર્તિલિંગના દર્શન કરવાથી તમામ પ્રકારના બંધન દૂર થાય છે,સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.
મલ્લિકાર્જુન જયોર્તિલિંગ જવું હોય તો હૈદરાબાદની ફલાઈટમાં અથવા ટ્રેનમાં જવું. ત્યાં હૈદરાબાદથી ટેકસી કે બસમાં મંદિર જવું. હૈદરાબાદથી મંદિર ફકત 200 કીમી જ દૂર છે.
Moral of The Story
ઘણીવાર આપણા માતા-પિતાથી કયારેક આપણી સાથે કયાંક ન્યાય ના થઈ શકે તો એનો મતલબ એવો નથી થતો કે તેમણે જાણી જોઈને કર્યુ હોય. આપણે વારંવાર તેમને તે બાબતે ના કોષવા જોઈએ.
કયારેક કોઈ માતા-પિતાને પુત્ર વિયોગ પણ થાય,પુત્રને ભણવા કે કામ-ધંધા અર્થે તેમનાથી દૂર પણ જવું પડે તો પુત્રની ઉન્નતિ માટે તે સ્વીકારીને ખુશ રહેવું જોઈએ.
ઘણીવાર કોઈ પુત્ર પોતાની પત્નીના કારણે માતા-પિતાથી અલગ રહેવા જતો રહે છે છતાં માતા-પિતાને પુત્રની હંમેશા ચિંતા સતાવતી હોય છે.
આ બધી જ વાતોની પાછળ મૂળ વાત એમ કહેવી છે કે શિવ-પાર્વતી ઈશ્વર છે તે આદિ અનાદિ અનંત છે તેમના જન્મ મૃત્યુનો કયાંય ઉલ્લેખ નથી. જો શિવ-પાર્વતીના જીવનમાં આવી પુત્ર વિયોગ જેવી ઘટના બનતી હોય તો આપણે તો મનુષ્ય છે આપણા જીવનમાં પણ આવી ઘટના બને તો સ્વીકારી લેવી જોઈએ.
શું શિવ-પાર્વતી કયાંય કાર્તિકેયના જન્માક્ષર લઈને મારા જેવા જયોતિષને બતાવવા ગયા હશે કે કેમ આવું થયું ? કેમ અમારો પુત્ર અમારાથી દૂર જતો રહ્યો ? આ સમજવા જેવું છે…
તાતપર્ય – કઠિનમાં કઠિન દુ:ખ ઈશ્વરે વેઠયા છે માત્ર એટલું સમજાવવા કે સુખ દુ:ખ સંસારનો નિયમ છે.
હર હર મહાદેવ
જય બહુચર માં.