જયારે જયારે બ્રાહ્મણો પર અત્યાચાર થાય છે ત્યારે શિવજી ધરતી ફાડીને બહાર આવે છે અને બ્રાહ્મણોની રક્ષા કરે છે.
શિવમહાપુરાણ અનુસાર એકવાર રત્નમાલ નિવાસી દૂષણ નામનો અસુર વૈદિક ધર્મનો વિનાશક,વિપ્રદોહી તથા સર્વ કાંઈ નષ્ટ કરી દેનારો હતો.તે ઉજજૈનમાં આવીને યજ્ઞ,જપ,તપ જેવી ધાર્મિક ક્રિયાઓ કરનાર બ્રાહ્મણો પર અત્યાચાર ગુજારતો હતો.
જે તે સમયે ઉજજૈન નગરીમાં વેદપ્રિય નામના બ્રાહ્મણ પરમ શિવઉપાસક તરીકે જાણીતા હતા.નિશદિન શિવપૂજામાં લીન રહેનાર વેદપ્રિય શ્રેષ્ઠ વિદ્વાનોમાં ગણાતા હતા.બ્રાહ્મણો પર થતા અત્યાચારને જોઈને વેદપ્રિયે બ્રાહ્મણોની રક્ષા માટે શિવનું ધ્યાન ધર્યું તથા મંત્રોચ્ચારથી શિવજીનું આહવાન કર્યું હતું.
વેદપ્રિય બ્રાહ્મણની કઠોર તપસ્યાથી શિવજી લિંગ સ્વરૂપે ધરતી ફાડીને પ્રગટ થયા. શિવજીએ ક્રોધમાં આવી કાળોના કાળ મહાકાળ બની એક હુંકાર માત્રથી અસુર દૂષણને ભસ્મ કરી દીધો. વેદપ્રિયની પ્રાર્થનાથી શિવ લોકકલ્યાણ હેતુ કાયમ માટે મહાકાલેશ્વર જયોર્તિલિંગ સ્વરૂપે બિરાજમાન થયા.આ જયોર્તિલિંગ દક્ષિણાભિમુખ છે.
ઉદ્ધવની કથામાં મહાકાલ અવંતિકા નગરી ( ઉજજૈન ) ના રાજા તરીકે કહેવાયા છે.ઉદ્ધવની કથામાં વર્ણન છે કે અવંતિકાનગરીમાં વૃષભસેન નામના રાજા અનન્ય શિવભક્ત હતા.એકવાર પડોશ દેશના રાજાએ અવંતિકા નગરી પર હુમલો કર્યો હતો.રાજા વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કરી દીધો હતો.તે સમયે પડોશ દેશના રાજાએ દૂષણ નામના રાક્ષસની મદદ લઈને અવંતિકા નગરી પર હુમલો કર્યો હતો.તેનામાં બ્રહ્માજી દ્વારા માયાથી અદશ્ય થવાનું વરદાન મળેલું હતું તેથી અવંતિકા નગરીમાં તેણે હાહાકાર મચાવ્યો હતો.
રાજા વૃષભસેને દૂષણ નામના રાક્ષસથી બચવા શિવનું શરણું લીધું.શિવ ઉપાસના કરી હતી.દૂષણનો ત્રાસ એટલો વધી ગયો હતો કે તેણે બ્રાહ્મણોને ધાર્મિક કાર્યોમાં અડચણો પેદા કરવા માંડયો હતો ત્યારે ત્યાંના વિદ્વાન બ્રાહ્મણોએ શિવજીની ઉપાસના કરી તેમાં મુખ્ય આચાર્ય વેદપ્રિય હતા.
શિવ રાજા વૃષભસેન અને બ્રાહ્મણોની ભક્તિથી પ્રસન્ન થયા.ધરતીમાં મોટો વિસ્ફોટ થયો.શિવજી જયોર્તિલિંગ સ્વરૂપે પ્રગટ થઈને હુંકાર માત્રથી દૂષણ અસુરને ભસ્મ કર્યો હતો.રાજા વૃષભસેનની અને બ્રાહ્મણોની વિનંતીથી જયોર્તિલિંગ સ્વરૂપે શિવજીએ કાયમ માટે વસવાટ કર્યો હતો.
શિવજી આ અવંતિકા નગરી ઉજજૈનના શાસક રાજા કહેવાય છે. આજ સુધી કોઈ રાજા-મહારાજા આ નગરીમાં એક રાત સુધી રોકાયું નથી.મુખ્યમંત્રી કે વડાપ્રધાન આજે પણ આ નગરીમાં એક રાત રોકાતા નથી.
ઉજજૈન નગરીમાં મહર્ષિ સાંદીપની ઋષિનો આશ્રમ છે. શ્રી કૃષ્ણે ભગવાન ભાઈ બલરામ સાથે ગુરુજી સાંદિપની ઋષિ પાસેથી અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી.અહિંયા શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાનું પણ મંદિર છે. આ નગરીના દ્વારપાલ તરીકે ભૈરવ બાબા બિરાજે છે. ભૈરવની મૂર્તિ અહીં મદિરાપાન કરે છે જે સત્ય વાતને વૈજ્ઞાનિકોએ અનેક વાર સંશોધન કર્યા પછી પણ તેનો પાર પામી શકતા નથી.
ઉજજૈનનું મહાકાલેશ્વર મંદિર શિપ્રા નદીના તટ પાસે છે. આ મંદિરના શિખર ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. ઉજજૈન પૃથ્વીનું નાભિસ્થળ કહેવાય છે તેવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આ મંદિરમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતી, પુત્ર કાર્તિકેય અને ગણેશ એમ આખો પરિવાર બિરાજે છે.
જીવનના અંતે શરીર ભસ્મ થઈ જાય છે. ભસ્મ આ સૃષ્ટિનો સાર છે અર્થાત્ આ સૃષ્ટિ એક દિવસ ભસ્મ થઈને શિવમાં વિલીન થઈ જવાની છે.આ પરમ સત્યને જણાવવા અહીં શિવજીને સ્મશાનની ભસ્મનો શણગાર કરીને રોજ સવારે ભસ્મ આરતી થાય છે. અહીં સ્મશાનની ભસ્મ થોડી જ માત્રામાં લવાય છે. બાકીની ભસ્મ કપિલા ગાયના છાણા, પીપળો, રસાલા, બેલપત્ર, કેળા વગેરેનું મિશ્રણ કરીને બનાવાય છે. આ ભસ્મનો શિવજીને શણગાર કરાય છે. આ ભસ્મ પ્રસાદ રૂપે આપણા શરીર પર લગાવવાથી શરીરના મહાભયંકર રોગોમાંથી મુક્તિ મળે છે.
શિવમહાપુરાણ અનુસાર મહાકાલ જયોર્તિલિંગના દર્શન અને પૂજન માત્રથી બધી જ કામનાઓ પૂર્ણ થાય છે અને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે.
મહાકાલેશ્વર જયોર્તિલિંગના માહાત્મયનું આ ચરિત્ર જે વાંચે છે તે તમામ પ્રકારના ભયમાંથી મુક્ત થઈને અભય થાય છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.