જે ઈશ્વર “રામ” ના પણ ઈશ્વર છે તે “રામેશ્વરમ” છે.
શિવ મહાપુરાણ મુજબ વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામ અવતાર સમયે રાવણ શ્રી રામના પત્ની સીતાજીનું હરણ કરીને લંકા લઈ ગયો હતો.
સીતાજીને રાવણની કેદમાંથી મુક્ત કરવા અને રાવણનો વધ કરવા માટે શ્રી રામ સુગ્રીવ સાથે અઢાર પદ્યસેના લઈને સમુદ્રતટ પર આવ્યા હતા. ભગવાન વિચારવા લાગ્યા કે સમુદ્ર કેવી રીતે પાર કરીશું અને રાવણને કેવી રીતે જીતીશું એટલામાં શ્રી રામજીને તરસ લાગી અને એમણે જળ માંગ્યું.વાનરો મીઠું જળ લઈ આવ્યા.
ભગવાન શ્રી રામ હાથમાં જળ લઈને જેવું ગ્રહણ કરવા ગયા ત્યારે તેમને સ્મરણ થયું કે મેં મારા ઈશ્વર શંકરના દર્શન તો કર્યા નથી તો જળ કેમ ગ્રહણ કરું ? રઘુનંદને જળ બાજુમાં મૂકીને પાર્થિવ શિવલિંગ બનાવીને શિવની ષોડશોપચાર પૂજા કરી. શ્રી રામજીએ ભક્તિપૂર્વક શિવની આરાધના કરી.
શ્રી રામ શિવજીને વંદન કરીને પ્રાર્થના કરે છે કે હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા મારા સ્વામી મહેશ્વર ! આપની કૃપા વગર મારા કાર્યની સિદ્ધિ કઠિન છે. રાવણ આપનો ભક્ત છે પણ તમારી પાસેથી વરદાન મેળવીને તે દુષ્ટે ઘણા અપરાધો કર્યા છે. તે ત્રિભુવન વિજયી મહાવીર છે પણ હું આપનો દાસ છું.સર્વથા આપને જ આધીન છું. આપ મારી સહાયતા કરો.
ત્યારબાદ ભગવાન શ્રી રામે શિવજીનું પૂજન અર્ચન કર્યું. અનેક પ્રકારના જપ તપ કર્યા.પુન:પૂજન કરીને શ્રી રામ નાચવા લાગ્યા. શિવનું અનેક પ્રકારે સ્તવન કરીને ભગવાન શ્રી રામનું હ્દય દ્રવિત થયું.
શ્રી ઓમકારેશ્વર જયોર્તિલિંગનું માહાત્મય.
પરમેશ્વર શિવ પ્રસન્ન થયા.ઉમા સહિત શિવ તેમના પાર્ષદો સાથે પ્રગટ થયા. તેમણે શ્રી રામને કહ્યું કે હે શ્રી રામ ! તમારું કલ્યાણ થાઓ.આપ વરદાન માંગો. શ્રી રામે શિવજીને વંદન કરીને વિવિધ પ્રકારની સ્તુતિ અને પ્રણામ કર્યા.
ભગવાન રામે પરમેશ્વર શિવજીને રાવણ ઉપર વિજય માટે પ્રાર્થના કરી ત્યારે રામ ભક્તિથી પ્રસન્ન મહેશ્વરે કહ્યું કે આપનો વિજય થાઓ. પરમેશ્વર શિવ પાસેથી વિજયસૂચક વરદાન મેળવીને શ્રી રામે નતમસ્તક થઈને શિવને પ્રાર્થના કરી કે “આપ જયોર્તિ સ્વરૂપે આ પાર્થિવ લિંગમાં કાયમ માટે વાસ કરો જેથી આપના દર્શનથી જગતના લોકોનું કલ્યાણ થાય.
શ્રી રામના કથનથી પરમેશ્વર શિવ જયોર્તિલિંગ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તે લિંગ શ્રી રામેશ્વર જયોર્તિલિંગ તરીકે જગવિખ્યાત થયું.આ જયોર્તિલિંગના દર્શનથી મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. જે દિવ્ય ગંગાજળથી રામેશ્વરને સ્નાન કરાવે છે તે જીવ મુક્ત થાય છે.આ કથા હ્દયથી વાંચનારના સર્વ પાપોનો નાશ થાય છે.
શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગ સેતુબંધ પાસે આવેલું છે અહીંયા મંદિરમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ ઉપરાંત પાર્વતીજીનું મંદિર કાશીનાથ,જટાશંકર,ચિદંબરમ, કાર્તિકેય,ગણેશજી અને અષ્ટસિદ્ધિના વિવિધ મંદિરો આવેલા છે.
શ્રી સોમનાથ જયોર્તિલિંગનું માહાત્મય
જેમ ભારતની ઉત્તર દિશામાં કાશી આવેલું છે તેમ દક્ષિણમાં રામેશ્વરમનો ખૂબ મહિમા છે. હિંદ મહાસાગર અને બંગાલની ખાડીથી ચારે બાજુ ઘેરાયેલો એક શંખ આકારનો દ્વીપ છે. આ દ્વીપ ( ટાપુ ) ની મધ્યમાં શ્રી રામેશ્વરમ જયોર્તિલિંગ આવેલું છે.
શ્રી રામ ભગવાને વાનર સેના દ્રારા અહીંથી લંકા પહોંચવાનો પથ્થરોથી એક સેતુ બનાવ્યો હતો. બાદમાં જયારે લંકા પર અને રાવણ પર વિજય મેળવીને ભગવાન શ્રી રામ પરત ફર્યા ત્યારે વિભીષણના આગ્રહથી ભગવાન શ્રી રામે ધનુષથી આ સેતુનો વિધ્વંશ કર્યો હતો. તે “ધનુષકોડી”( ધનુષકોટિ) નામથી ઓળખાય છે.ધનુષકોટી એ ભારતની ભૂમિનો છેડો છે.જયારે સુનામી આવી ત્યારે આ સ્થળે ખૂબ જ નુકસાન થયું હતું.
શિવજીને ઠંડી વસ્તુઓનો અભિષેક કેમ થાય છે ?
શ્રી રામેશ્વર જયોર્તિલિંગ પહોંચવા માટે ટ્રેન કે ફલાઇટમાં ચેન્નાઈ ( મદ્રાસ ) જવું.ચેન્નાઈથી ટ્રેન, બસ કે પ્રાઈવેટ ટેક્ષી દ્વારા ૬૩૫ કીમીના અંતરે શ્રી રામેશ્વર જયોર્તિલિંગ આવેલું છે.હું આ જયોર્તિલિંગના દર્શન કરીને ધન્ય થઈ ચૂકયો છું. જીવનમાં એક વાર સમય મળે તો અહીંયા દર્શન કરી આવવું જોઈએ.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામ સાહેબનું આ જન્મસ્થળ છે. અહીંયા તેમનું ત્રણ માળનું ઘર હતું.જેને તેમની યાદમાં સરકારે એક મ્યુઝિયમ બનાવી દીધુ છે અબ્દુલ કલામ એક સામાન્ય ગરીબ કુટુંબથી હોવા છતાં વૈજ્ઞાનિક ( સાયન્ટિસ્ટ ) બન્યા તેવી તેમની જીવનસફરની કેટલીક તસ્વીરો અને કહાનીઓ છે. અહીંયા તેમની લખેલી ઘણી પુસ્તકો પણ મળે છે જે નજીવી કિંમતે પ્રાપ્ત થાય છે. હું ત્યાંથી ચાર પાંચ પુસ્તક પણ લાવેલો છું.
શ્રી રામેશ્વર તીર્થ પહોંચતા પહેલા પાંબન પુલ પણ આવે છે જે સમુદ્રની ઉપર ઝૂલતો પુલ છે જેને એક જર્મન એન્જીનીયરે બનાવ્યો છે. શ્રી રામેશ્વરમ મંદિર ઈ.સ ૬૦૦ માં શ્રીલંકાના એક રાજાએ બનાવ્યું હતું ત્યારબાદ ભારતીય શિલ્પશાસ્ત્ર અને દક્ષિણ દ્રવિડશૈલીના આધારે મદ્રાસના એક રાજાએ પુન: બંધાવ્યું હતું…
શ્રી રામને શિવ વ્હાલા છે અને શિવને શ્રી રામ….
જય સીયા રામ.
હર હર મહાદેવ.
જય બહુચર માં.