એક વખત રાવણ હિમાલયથી દક્ષિણે વૃક્ષોથી ભરેલા વનમાં પૃથ્વી પર મોટો ખાડો ખોદીને અગ્નિની સ્થાપના કરી અને તેની પાસે એક શિવલિંગ સ્થાપિત કરીને હવનનો આરંભ કર્યો હતો.ગ્રીષ્મ ઋતુમાં એ પાંચ અગ્નિની વચમાં બેસતો, વર્ષા ઋતુમાં તે ચોરાચબૂતરા પર સૂતો અને શિયાળામાં તે જળની અંદર ઉભો રહેતો. આ રીતે તે ત્રણ પ્રકારથી તેની તપસ્યા ચાલતી હતી.આ રીતે તેણે તપ કર્યુ છતાં મહાદેવ પ્રસન્ન થયા નહી.
હું તપસ્યા કરૂં ને ભગવાન પ્રસન્ન કેમ ના થાય ? તેવા અહંકારના મદોમન્મતમાં રાવણે પોતાના મસ્તક કાપવાનું શરૂ કર્યું. વિધિપૂર્વક તે પોતાનું મસ્તક કાપીને ભગવાન શિવને સમર્પિત કરતો હતો. જયારે રાવણે નવ મસ્તક કાપી નાખ્યા ત્યારે એક જ મસ્તક બાકી રહી ગયું. તે સમયે ભગવાન શિવ પ્રગટ થયા.
ભગવાન શિવે તેના બધા જ મસ્તકો ફરીથી પાછા આપ્યા.તેની ઈચ્છા અનુસાર બળ આપ્યું અને વરદાન માંગવાનું કહ્યું ત્યારે રાવણે કહ્યું કે હે શિવજી ! આપ આ સ્થાપિત લિંગમાં જયોર્તિ સ્વરૂપે વસો.તે પછી હું આ જયોર્તિલિંગને લંકામાં લઈ જવા માંગું છું.
ભક્તવત્સલ શિવ નહોતા ઈચ્છતા કે તે રાવણના ઘરે જઈને વસે તેથી તેમણે રાવણને કહ્યું કે હું ચોક્કસ જયોર્તિ સ્વરૂપે આ લિંગમાં નિવાસ કરીશ.તમે મારા ઉત્તમ લિંગને નિસંદેહે લંકામાં લઈ જાઓ પરંતુ તમે આ લિંગને જયાં જમીન પર મૂકી દેશો ત્યાં તે સ્થિર થઈ જશે. આવું વચન કહીને શિવ ત્યાંથી અદશ્ય થઈ ગયા હતા.
રાવણ ત્યાંથી જયોર્તિલિંગ લઈને લંકા તરફ જવા નીકળ્યો પરંતુ તેને માર્ગમાં લઘુશંકા જવાની ફરજ પડી.શક્તિશાળી રાવણ પાસે અઢળક સામર્થ્ય હોવા છતાં તે લઘુશંકાને રોકી શક્યો નહી.આ જ સમયે તેની નજર એક ભરવાડ પર ગઈ.તેણે ભરવાડને વિનંતી કરી કે તે લઘુશંકા જઈ આવે ત્યાં સુધી તે શિવલિંગને હાથમાં પકડી રાખે અને જમીન પર મૂકે નહી.ભરવાડે કહ્યું કે હા હું તેમ કરીશ.
જયારે રાવણ લધુશંકા માટે ગયો ત્યારે ભરવાડના હાથમાં જે શિવલિંગ હતું તેનો ભાર તેને સહન થયો નહી. શિવલિંગના ભારથી વ્યાકુળ થઈને તેણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું અને તે શિવલિંગ શિવજીના વચન પ્રમાણે ત્યાં જ પ્રસ્થાપિત થઈ ગયું હતું.આ શિવલિંગ એટલે વૈધનાથ જયોર્તિલિંગ જેમાં શિવ સ્વયં જયોર્તિ સ્વરૂપે વસે છે.આ જયોર્તિલિંગના દર્શન માત્રથી મનોવાંછિત બળ પ્રાપ્ત થાય છે અને અસંખ્ય પાપોનો નાશ થાય છે.
લધુશંકાથી પરત ફરેલો રાવણ શિવલિંગને જમીન પર પ્રસ્થાપિત થયેલો જોઈને વ્યાકુળ થઈ ગયો હતો.તેણે ચારે બાજુ જોયું પણ ભરવાડ પણ દેખાયો નહી. તેણે તે શિવલિંગ ઉખાડવાનો સખત પ્રયત્ન કર્યો પણ તે લિંગ તેનાથી હલ્યું પણ નહી. થાકીને નિરાશ થઈને તે લંકા જતો રહ્યો.
આ બાજુ ઋષિમુનિઓએ અને દેવતાઓએ આ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી.તે શિવલિંગને વિધિવત પ્રસ્થાપિત કર્યુ ત્યારે તે લિંગમાથી શિવ ફરીથી જયોર્તિ સ્વરૂપે પ્રગટ થઈને સમગ્ર દેવગણો અને ઋષિમુનિઓને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા.
આ બાજુ રાવણે લંકા પહોંચીને સમગ્ર ઘટનાક્રમ તેની પત્ની મંદોદરીને સંભળાવ્યો હતો અને શિવે આપેલા અનુપમ બળથી આનંદમાં આવ્યો હતો.સમગ્ર દેવતાઓ રાવણના આ અહંકારથી વ્યથિત હતા કે રાવણ શિવ પાસેથી આ બળ પામી દુષ્કૃત્યો કરશે.દેવગણોએ નારદજીને વિનંતી કરી તે તેમની મદદ કરે. નારદજી રાવણ પાસે આવ્યા અને ક્હ્યું એકવાર તમે કૈલાસ પર્વતને ઉંચકો તો તમને ખબર પડે કે તમારી પાસે કેટલું બળ છે ?
“વાંદરાને સીડી ના અપાય” તેમ રાવણને સીડી આપી તેથી રાવણ ઉત્સાહમાં આવીને કૈલાસ પર્વતને પોતાના બાહુબળથી ઉંચકવા લાગ્યો. આખો કૈલાસ ધ્રૂજી ઉઠયો. પાર્વતીજી ખૂબ ગુસ્સે ભરાયા તેથી શિવજીએ અહંકારી રાવણને શ્રાપ આપ્યો કે હે દુષ્ટ રાવણ ! તું તારા બળ પર ઘમંડ ના કર. તારી આ ભુજાઓના ઘમંડને ચૂર કરનારો વીર પુરુષ પૃથ્વી પર અવતર્ણ થઈને શીધ્ર જ તારો વધ કરશે. આ આખું માહાત્મય વાંચનાર મનુષ્યના તમામ પાપ ભસ્મ થઈ જાય છે તેવું શિવમહાપુરાણના શતકોટિરૂદ્રસંહિતાના ૨૭ માં અધ્યાયમાં વર્ણવેલ છે.
આખા દેશમાં ત્રણ વૈધનાથ છે એક મહારાષ્ટ્રના પરલીમાં,બીજું ઝારખંડના દેવઘરમાં અને ત્રીજું હિમાચલ પ્રદેશમાં છે.
એક વખત ઉજજૈનમાં વૈધનાથ જયોર્તિલિંગ બાબતે મતમતાંતરો થયા હતા તેમાં મહારાષ્ટ્રમાં પરલીના પંડિત નીચે મુજબ છે કે
पूर्वोत्तरे पारलिकाभिदाने सदाशिवंतं गिरीजासमेतं । सुरासुरादितपादपद्ममं श्रीवैद्यनाथं सततं नमामि ।।
અર્થાત્ પૂર્વ અને ઉત્તર દિશામાં પરલીગામમાં પાર્વતી (ગિરિજા) સહિત સદાશિવ નિવાસ કરે છે.જેના ચરણકમળમાં સુર અને અસુર આવીને મસ્તક નમાવે છે તે વૈધનાથને સદાય નમસ્કાર છે.
શ્રી મલ્લ્લિકાર્જુન જયોર્તિલિંગનું માહાત્મય
આદિગુરુ શંકરાચાર્ય કહે છે કે…
पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतम् । सुरासुराराधितपादपद्यं श्रीवैद्यनाथं तमहं नमामि ।।
પૂર્વ અને ઉત્તરમાં ચિતાભૂમિમાં શિવ પાર્વતી સહિત રહે છે. જયાં સુર અને અસુર આવીને મસ્તક નમાવે છે તે વૈધનાથને સદાય નમસ્કાર છે.
અહીં આદિગુરુ શંકરાચાર્ય તેમ કહે છે કે ઝારખંડના દેવઘરમાં ચિતાભૂમિમાં આવેલું જયોર્તિલિંગ જ વૈધનાથ જયોર્તિલિંગ છે.
રાજસ્થાનના ઉદેપુરમાં વિદ્યા પ્રતિષ્ઠાનમાં હસ્તલિખિત પાંડુલિપિ મળે છે તેમાં प्रज्वलिकानिधाने શબ્દની બદલે
पुण्यगयानिधाने શબ્દ લખવામાં આવ્યો છે જે આદિગુરુ શંકરાચાર્યના શ્લોકને મળતો આવે છે.
જયારે વિક્રમાદિત્ય રાજાએ મુગલોથી આપણા હિંદુ શાસ્ત્રો અને પુરાણો બચાવ્યા હતા ત્યારના પ્રાચીન શિવમહાપુરાણમાં આ શ્લોક મળી આવે છે કે….
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् ।
उज्जयिन्यां महाकालमोंकारे परमेश्वरम् ।।
केदारं हिमवत्पृष्ठे डाकिन्यां भीमशंकरम् ।
वाराणस्यां च विश्वेशं त्र्यम्बकं गौतमी तटे।।
वैद्यनाथं चिताभूमौ नागेशं दारुकावने ।
सेतुबंधे च रामेशं धुश्मेशं च शिवालये ।।
द्वादशैतानि नामानि प्रातरुत्थाय य: पठेत । सर्वपापैर्विनिर्मुक्त: सर्वसिद्धिफलं लभेत् ।।
જયાં ચિતાભૂમિ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન શિવ મહાપુરાણની શતકોટિરૂદ્રસંહિતામાં વૈધનાથ જયોર્તિલિંગના કથામાં ચિતાભૂમિ શબ્દનો પ્રયોગ છે.
ત્યારબાદ આ પ્રાચીન શિવમહાપુરાણને મોડીફાય કરીને વિવિધ પ્રેસમાં છપાવવામાં આવ્યું જેમાં આ રીતે આ શ્લોકને છાપવામાં આવ્યો છે કે….
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम ।
उज्जयिन्यां महाकालमोंकार ममलेश्वरम् ।।
परल्यां वैद्यनाथ च डाकिन्यां भीमशंकरम् ।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुका वने ।।
वाराणस्यां तु विश्वेशं त्र्यबकं गौमती तटे ।
हिमालये तु केदारं धुश्मेशं च शिवालये ।।
एतानि ज्योतिर्लिंगानि सायं प्रात: पठेन्नर ।
सप्त जन्म कृतं पापं स्मरेणन विनश्यति ।।
આ સમગ્ર પ્રમાણોના આધારે કહી શકાય કે વૈધનાથ જયોર્તિલિંગ ભારતના ઝારખંડના દેવઘરમાં સ્થાપિત છે. દેવઘર એટલે દેવોનું ઘર જયાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે.
ઝારખંડ જવું હોય તો ટ્રેન અથવા ફલાઈટમાં જવાય ત્યાંથી ૨૫૦ કીમીના અંતરે ટ્રેન અથવા બસ દ્વારા વૈધનાથ જયોર્તિલિંગ જઈ શકાય છે.
વૈધનાથ જયોર્તિલિંગ સમગ્ર કામનાઓને પૂર્ણ કરે છે તેથી તે કામના લિંગ પણ કહેવાય છે. રાવણ લઘુશંકા જવા જે ભરવાડને શિવલિંગ આપીને ગયો હતો તેનું નામ “વૈધ” ( હિન્દી માં બૈજુ ) હતું જે વિષ્ણુ ભગવાનથી માયાથી ઉત્પન્ન થયેલો પુરુષ હતો. તેથી જયારે રાવણ લઘુશંકાથી પરત નથી ફરતો અને શિવલિંગનો ભાર વધી જાય છે ત્યારે વૈધના દ્વારા શિવલિંગ જમીન પર મૂકાઈ જાય છે તેથી જે વૈધના દ્વારા પ્રસ્થાપતિ થયું તે “વૈધનાથ જયોર્તિલિંગ ” કહેવાયું છે.
આ જયોર્તિલિંગનું માહાત્મય વાંચનારની ઉત્તમ ગતિ થાય છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.