શિવ મહાપુરાણ અનુસાર બાર જયોર્તિલિંગમાં સૌ પ્રથમ જયોર્તિલિંગની સ્થાપના ચંદ્રદેવે સૌરાષ્ટ્રના દરિયા કિનારે દક્ષ રાજાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા કરી હતી.
સોમ એટલે ચંદ્ર.આ ચંદ્રએ દક્ષ રાજાની ૨૭ દીકરીઓ સાથે લગ્ન કર્યા. દક્ષ રાજાની ર૭ દીકરીઓને ચંદ્ર પોતાની ધર્મપત્નીઓ તરીકે ખૂબ પ્રેમ કરતો પણ ચંદ્રને પોતાની ૨૭ પત્નીઓમાંથી સૌથી વધારે પ્રેમ “રોહિણી” પ્રત્યે હતો.
આમ ચંદ્ર કોઈ પણ રાણીને ઓછું આવવા દેતો નહી પરંતુ સ્ત્રી સ્વભાવે બાકીની ૨૬ રાણીઓને એમ થયું કે ચંદ્ર રોહિણીને જ વધુ પ્રેમ કરે છે તેથી આ ૨૬ રાણીઓએ પોતાના પિતા દક્ષને ફરિયાદ કરી હતી. દક્ષે ચંદ્રને આ વાત અંગે ઠપકો આપ્યો છતાં સમય જતાં આ જ વાત ઘણી ઉગ્ર બની અને ૨૬ રાણીઓએ પિતાને જાણ કરતા દક્ષે ચંદ્રને ક્ષય રોગ થવાનો શ્રાપ આપ્યો હતો.
ચંદ્રદેવે ક્ષયના રોગમાંથી મુકિત મેળવવા સૌરાષ્ટ્રના દરિયાકિનારે શિવલિંગની સ્થાપના કરી શિવની કઠોર પૂજા કરી.શિવ પ્રસન્ન થઈને પ્રગટ થયા ત્યારે ચંદ્રએ ક્ષયના રોગમાંથી મુકિત મેળવવા શિવને પ્રાર્થના કરી. શિવે કહ્યું મહિનાના પંદર દિવસ તારો ઉદય થશે અને પંદર દિવસ તારો ક્ષય થતો જશે તેમ સમાધાન આપ્યું.
ચંદ્રએ લોકહિત કાજે શિવને ત્યાં જ બિરાજવા માટે પ્રાર્થના કરી અને આજે એ શિંવલિંગ બાર જયોર્તિલિંગમાં સર્વપ્રથમ જયોર્તિલિંગ તરીકે સોમ ( ચંદ્ર ) ની પ્રભાવશાળી ભકિતના કારણે સોમનાથ મહાદેવથી જગવિખ્યાત છે.
ઈતિહાસ અનુસાર સોમનાથ મંદિર અફઘાનથી આવેલા મુગલોએ સાત વાર તોડયું અને લુંટયું હતું પરંતુ હિંદુ રાજાઓએ વારંવાર આ મંદિરને ફરીથી બાંધ્યું. જીર્ણોદ્વાર કરાવ્યો અને શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી હતી.
જે અખંડ છે તેને ગમે તેટલું ખંડિત કરવાની કોશિષ કરો તે અખંડ જ રહે છે. શિવ સ્વયં વિનાશકારી છે તેમનો વળી કોણ નાશ કરી શકે તેમ છે.
સોમનાથના દરિયાકિનારે સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે ત્યાં કોઈ જમીન નથી. પૂનમની રાત્રિએ ચંદ્ર મંદિરની બરોબર ટોચ પર આવીને મહાદેવજીના મસ્તકે બિરાજમાન થાય છે.
જયોતિષશાસ્ત્રમાં ચંદ્રને મનનો અને માતાનો કારક કહ્યો છે. મનની અંદરની ઈચ્છાઓ પૂરી ના થતી હોય, મનની અંદર નકારાત્મક વિચારો આવતા હોય, મન વારંવાર બેચેન થઈ જતું હોય, મનમાં લાગણીઓની તડપ ઉદભવતી હોય તો વર્ષમાં એક વાર તો સોમનાથ જયોર્તિલિંગના દર્શન કરવા જોઈએ. ત્યાં જઈને શિવપૂજા કરવી. લઘુરૂદ્રી અથવા મહારૂદ્રી કરવી જોઈએ.આમ કરવાથી માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
સોમનાથ તીર્થ પ્રભાસ તરીકે પ્રખ્યાત છે. પ્રભાસનો અર્થ પ્ર ( પુન : ) અને ભાસ ( પ્રકાશ ) થાય છે. જીવનને પુન: પ્રકાશિત કરવું હોય તો શરૂઆત સોમનાથ જયોર્તિલિંગના દર્શનથી કરવી જોઈએ.આ જન્મમાં આપણે શિવના બાર જયોર્તિલિંગના દર્શન કરીને પતિત પાવન થવું જોઈએ.
શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે ।
ભવે ભક્તિ ભવે ભક્તિ સદાશિવે ।।
બોલો સોમનાથ મહાદેવની જય.
Moral of the story
ચંદ્રના જીવનમાં આ શ્રાપવાળી નકારાત્મક ધટના ધટી તેનાથી એ શિવચરણમાં ગયો. શિવની કઠોર તપસ્યાથી શિવજીએ પ્રસન્ન થઈને ચંદ્રને દર્શન આપ્યા અને ચંદ્રના ( સોમ ) નામે જ સોમનાથ જયોર્તિંલિંગની સ્થાપના થઈ. એનાથી પણ વિશેષ તે છે કે શિવ ચંદ્ર પર તેટલા રાજી થયા કે શિવજીએ ચંદ્રને સ્થિર થવા માટે પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે.
આ વાત પરથી આ શીખવું જોઈએ કે જીવનમાં કોઈ મોટી ઘટના બને તો તે પરિવર્તન માટે બને છે.કોઈનો શ્રાપ, બદદુઆ કે હાયનો શિવચરણમાં જવાથી નાશ થઈ શકે છે અને તેનું કંઈક સમાધાન મળી શકે છે. ભક્તિ એવી રીતે કરવી કે ઈશ્વર દર્શન આપીને જીવન અને મૃત્યુ બંને સફળ કરી દે……
“આપણા જીવનનું લક્ષ્ય શિવશક્તિના ચરણોના દર્શન માત્રનું હોવું જોઈએ.”
હરિહરા
બોલો જય બહુચર માં.