29 C
Ahmedabad
Thursday, September 19, 2024

શ્રી નાગેશ્વર જયોર્તિલિંગનું માહાત્મ્ય.

શિવ મહાપુરાણ અનુસાર દારૂકા નામની એક રાક્ષસી હતી જેને પાર્વતીજીએ વરદાન આપેલું કે “પૃથ્વી પર તે જયાં રહે ત્યાં તેની સાથે પોતાના જ એક વનનું નિર્માણ કરી શકે”. દારૂકાને મળેલા આ વરદાનથી તે અહંકારના મદમાં રહેતી હતી.દારૂકા અને તેનો પતિ દારૂક સત્પુરૂષોને ત્રાસ આપતા હતા.ઋષિઓ દ્વારા કરવામાં આવતા યજ્ઞનો તેઓ નાશ કરતા હતા.

દારૂકાના વનનું વર્ણન કરીએ તો તેનું વન સમગ્ર સમૃદ્ધિઓથી ભરેલું હતું. તે વન પશ્વિમ સમુદ્રના તટ પાસે હતું. તે ચારેબાજુથી સોળ યોજન વિસ્તારપૂર્વક હતું. દારૂકાના વનમાં લીલા વૃક્ષો, પાકા ફળો અને ભોગવિલાસ કે સુખસુવિધાની તમામ વસ્તુઓ હતી. દારૂકા આ વનમાં તેના પતિ દારૂક સાથે ઈચ્છા મુજબ વિચરણ કરતી હતી. આ વન તો હકીકતમાં તેને પાર્વતી દેવીની કૃપાથી દેખરેખ માટે પ્રાપ્ત થયું હતું પણ તે પોતે અહંકારમાં આવી તેને તે વનની રાણી સમજતી હતી. દારૂકા અને દારૂક બંને આ વનમાં રહીને સર્વને ભય પમાડતા હતા.

દારૂકા અને દારૂકથી દુ:ખ પામેલા સૌ પ્રજાજનો ઔર્વ ઋષિ પાસે ગયા. તેમણે તે ઋષિઓને તેમની આપવીતી કહી. ઔર્વ ઋષિએ દુ:ખીજનોને જોઈને શ્રાપ આપ્યો કે જે કોઈ આ વનમાં રહેતી પ્રજા કે પ્રાણીઓને નુકસાન પહોંચાડશે કે યજ્ઞનો વિનાશ કરશે તે તત્કાલીન પ્રાણવિહીન થઈ જશે. દેવતાઓએ જયારે આ વાત જાણી ત્યારે તેઓએ દારૂકાવન પર ચડાઈ કરી જેથી દારૂક, દારૂકા અને તેમના જેવા અનેક રાક્ષસોનો નાશ થાય.

આ બાજુ રાક્ષસો ગભરાયા કે ઔર્વ મુનિએ જે શ્રાપ આપ્યો છે તે પ્રમાણે જો દેવતાઓને મારીશું તો પ્રાણવિહીન થઈ જઈશું અને દેવતાઓથી હારી જઈશું ભૂખે મરી જઈશું તેથી દારૂકા રાક્ષસી તે ઘડીએ વિચાર આવ્યો કે દેવી પાર્વતીના વરદાનથી હું આખાય વનને જયાં ઈચ્છું ત્યાં લઈ જઈ શકું એમ છું.

આમ કહીને દારૂકાએ આખુંય વન સમુદ્રની અંદર લઈ જઈને તે સમગ્ર રાક્ષસો સમુદ્રમાં વસવા લાગ્યા.તેઓ પૃથ્વી પર તો નિર્ભય થયા પણ હવે જળચર પ્રાણીઓને પીડા પહોંચાડવા લાગ્યા.

એકવાર સમુદ્રમાંથી ઘણી બધી નૌકાઓ સમુદ્ર પાર કરીને એક છેડેથી બીજા છેડે જતી હતી. તે સમયે દારૂકે તેના રાક્ષસગણો સાથે તે નૌકા પર હુમલો કર્યો. નૌકામાં બેઠેલા તમામ લોકોને બંદી બનાવ્યા. તેમને બેડીઓ બાંધીને કારાગારમાં પૂર્યા અને ત્રાસ આપવા લાગ્યા.

આ બધા બંદીઓમાં જે નૌકાદળનો સરદાર હતો તે સુપ્રિય નામનો વૈશ્ય એક શિવભક્ત હતો. તે મસ્તકે ભસ્મ ધારણ કરનાર, ગળામાં રૂદ્રાક્ષધારી શિવનો પરમ ઉપાસક હતો. તે શિવની પૂજા કર્યા વગર ભોજન પણ કરતો નહી. તે શંકરનું પૂજન કરતો અને તેણે પોતાના ઘણા સાથીઓને શિવપૂજા શીખવી દીધી હતી.તે બધા જ “નમ:શિવાય” મંત્રનો જાપ કરવા લાગ્યા શિવનું ધ્યાન કરવા લાગ્યા.

દારૂક રાક્ષસને જયારે આ સમગ્ર વાતની ખબર પડી ત્યારે તે તેના સાથી રાક્ષસગણો સાથે સુપ્રિયને મારવા કારાવાસ તરફ આવ્યો. સુપ્રિયને શિવપૂજા કરતા જોઈ તેના સાથી તેને મારવા દોડયા. સુપ્રિય દેવાધિદેવ મહાદેવનું સતત ચિંતન કરતા રહ્યા કે હે દેવેશ્વર ! આપ મારી રક્ષા કરો.હે શંભુનાથ ! આ દુષ્ટોથી મને બચાવો.હે પરમેશ્વર ! આપ મારા સર્વસ્વ છો. હે પ્રભુ ! હવે હું માત્ર આપને આધીન છું.આપ જ સદા મારું જીવન અને પ્રાણ છો.

સુપ્રિયની આ પ્રકારની પ્રાર્થનાથી ભગવાન શિવ એક વિવર-કાણુ-ગુફા-બોડમાંથી નીકળ્યા. ચાર દરવાજાવાળું એક ઉત્તમ મંદિર પ્રગટ થયું.આ મંદિરના મધ્યભાગમાં અદભુત જયોતિર્મય શિવલિંગ પ્રકાશિત થયું.આ સાથે શિવપરિવારના તમામ જનો વિદ્યમાન થયા.સુપ્રિયે દર્શન કરીને પૂજન કર્યું.

શિવજીએ પ્રસન્ન થઈને પાશુપાત અસ્ત્ર વડે પ્રધાન પ્રધાન રાક્ષસો તથા તેમના સેવકોને નષ્ટ કરી દીધા.આમ શિવજીએ પોતાના ભક્ત સુપ્રિયની રક્ષા કરી.શિવજીએ વરદાન આપ્યું કે આજથી આ વનમાં સદા બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોના ધર્મોનું પાલન થાવ.અહીં શ્રેષ્ઠ મુનિ નિવાસ કરે અને તમોગુણી રાક્ષસ અહીં કયારેય નહી રહે.શિવધર્મના ઉપદેશક,પ્રચારક સદાય અહીં વાસ કરે.

દારૂકાના અહંકારના ચૂરેચૂરા થઈ જતા તેને દયાળુ બનીને પાર્વતીજીને પ્રાર્થના કરવા લાગી કે હે દેવી ! મારા વંશની રક્ષા કરો.પાર્વતીજીએ દારૂકાને કહ્યું કે “હું ચોક્કસ તારા કુળની રક્ષા કરીશ”.

દેવી પાર્વતીએ શિવને કહ્યું કે “આપની વાત યુગના અંતમાં સત્ય થશે પણ પ્રભુ મારી એમ ઈચ્છા છે કે ત્યાં સુધી તામસી સૃષ્ટિ રહે એવો મારો વિચાર છે. હું આપની જ છું અને આપને આધીન છું એટલે મારી વાતને પ્રમાણિત કરો. આ રાક્ષસી દારૂકા મારી જ શક્તિ છે અને રાક્ષસીઓમાં બલિષ્ઠ છે તેથી તે જ રાક્ષસોના રાજયોનું શાસન કરે.આ રાક્ષસ પત્નીઓ જે પુત્રને પેદા કરશે તે બધા મળીને આ વનમાં નિવાસ કરે તેમ મારી ઈચ્છા છે.

ભોળા શિવ દેવીની વાતને સ્વીકારીને કહે છે કે હું મારા ભક્તોનું પાલન કરવા માટે અહીંયા જ રહીશ.જે પુરુષ વર્ણધર્મના પાલનમાં રહીને મારા દર્શન કરશે તે ચક્રવર્તી રાજા થશે.કળિયુગના અંતમાં અને સતયુગના આરંભમાં મહાસેનનો પુત્ર રાજાઓનો પણ રાજા થશે તે મારો ભક્ત અને અત્યંત પરાક્રમી થશે.તે અહીં આવીને જેવા મારા દર્શન કરશે તે તરત જ ચક્રવર્તી સમ્રાટ થઈ જશે.

સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો મોટી મોટી લીલાઓ કરનાર દંપતી હાસ્યાયુક્ત વાર્તાલાપ કરીને ત્યાં જ સ્થિત થઈ ગયા. જયોર્તિલિંગ સ્વરૂપ શિવ નાગેશ્વર કહેવાયા અને શિવાદેવી નાગેશ્વરી કહેવાયા.આ રીતે જયોર્તિઓના સ્વામી નાગેશ્વર નામના જર્યોર્તિલિંગ સ્વરૂપે પ્રગટ થયા.જે ત્રણે લોકોની સદા મનોકામના પૂરી કરે છે.જે આ પ્રસંગ સાંભળે છે કે વાંચે છે તે માનવ બુદ્ધિમાન થઈને મહાપાતકોનો નાશ કરનાર સંપૂર્ણ મનોરથોને પ્રાપ્ત કરી લે છે.

કહેવાય છે કે દારૂકવનમાં ઘણા બધા સર્પૉ ( નાગો ) હતા. તે વનમાં ભગવાન શિવ નાગોના ઈશ્વર તરીકે કાયમ માટે નિવાસ પામ્યા તેથી પણ તે નાગેશ્વર જયોર્તિલિંગ તરીકે જગવિખ્યાત થયા.

ગુજરાતના દ્વારકાથી સોળ કિમીના અંતરે આવેલું આ જયોર્તિલિંગ સામાન્ય આકાર કરતા મોટા આકારનું છે જેની ઉપર ચાંદીનું આવરણ ચઢાવેલું છે તેમ જ આ જયોર્તિલિંગ પર ચાંદીના નાગની આકૃતિ બનેલી છે.

થોડા વર્ષો પહેલા આ મંદિર નાની દેરી જેવું હતું.તેને ભજન સમ્રાટ સ્વ.ગુલશન કુમારે ઈ.સ ૧૯૯૬ માં આ મંદિરના જિર્ણોદ્વારનું કાર્ય શરૂ કરાવ્યું હતું. આ વચ્ચે તેમનું મૃત્યુ થઈ જવાથી તેમના પરિવારજનોને આ કાર્ય પૂર્ણ કરાવ્યું હતું.વર્ષ ૨૦૦૨ માં નાગેશ્વર જયોર્તિલિંગનું કાર્ય પૂરું થયું હતું.

અહીંયા શિવની પદ્યાસન મુદ્રામાં ૧૨૫ ફૂટ ઉંચી અને ૨૫ ફૂટ પહોળી વિશાળ મૂર્તિ છે.

આ પવિત્ર ભૂમિને “પાતાળપુરી” તરીકે ઓળખવામાં આવે છે કારણકે નાગો ( સર્પો ) નો વાસ પાતાળ લોકમાં હોય છે.આમ પાતાળ લોકમાં નિત્ય જે નાગ વસવાટ કરે છે તે નાગના ઈશ્વર તેટલે તે નાગેશ્વર નો જય હો જય હો જય હો.

હર હર મહાદેવ

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page