નારદજી બોલ્યા કે હે સૌને ભ્રમમાં નાખનાર મહેશ્વર ! મારા નાથ ! આપ ક્ષમા કરો ! ક્ષમા કરો પણ તણખલાને કાપવા માટે કુહાડીની શી જરૂર છે ? તમે શીધ્ર આનો સંહાર કરો. નારદજી અહીંયા શિવને કેમ આવું કહે છે ? કોના સંહાર કરવાની વાત કરે છે ? તે જાણવા માટે આ આર્ટિકલને ધ્યાનપૂર્વક વાંચો.
કર્કટી નામની રાક્ષસી પોતાના માતા-પિતા સાથે સુદહ્ય પર્વત પર નિવાસ કરતી હતી. તે સમયે કર્કટી ના માતા-પિતા અગત્સ્ય મુનીના શિષ્ય સુતીક્ષ્ણને મારીને તેમનો આહાર કરવા માંગતા હતા પણ સુતીક્ષ્ણ ખૂબ મોટા તપસ્વી અને મહાત્મા હોવાથી તેમણે પળવારમાં તેમના તપના પ્રભાવથી કર્કટીના માતા-પિતાને ભસ્મ કરી નાંખ્યા હતા.કર્કટી પોતાના માતા-પિતાના મૃત્યુ પછી એકલી દુ:ખી થઈને ત્યાં રહેતી હતી.
તે સમયે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ તે પર્વત પર આવ્યો હતો.તેણે તે પર્વત પર નિસહાય અને દુ:ખી કર્કટી જોઈને બળજબરીપૂર્વક કર્કટી સાથે સહવાસ કર્યો.ત્યારબાદ તે દુષ્ટ ત્યાંથી લંકા જતો રહ્યો હતો. આમ કુંભકર્ણ અને કર્કટીના મિલનથી કર્કટીએ એક પુત્રને જન્મ આપ્યો હતો તે પુત્રનું નામ ભીમ હતું.
ભીમ થોડો મોટો થતા તેણે તેની માતાને તેના પિતા કોણ છે તે વિશે પૂછયું. કર્કટીએ પુત્ર ભીમને કહ્યું કે તારા પિતા લંકાધિપતિ રાવણના નાનાભાઈ કુંભકર્ણ છે પરંતુ વિષ્ણુના અવતાર શ્રી રામે તારા પિતાનો યુદ્ધમાં વધ કર્યો હતો. ભીમે તેની માતા કર્કટીને નાના-નાની વિશે પૂછયું તો તેણે કહ્યું તારા નાના-નાનીને પણ વિષ્ણુના પરમ ભક્ત સુતીક્ષ્ણે ભસ્મ કરી નાંખ્યા હતા.
બસ આટલું સાંભળતા રાક્ષસસ્વભાવે ભીમને ક્રોધ ચડયો.તેના મનમાં બદલાની ભાવના સળગવા માંડી.તેણે પોતાના પિતા અને નાના-નાનીનો વિષ્ણુ ભગવાન જોડે બદલો લેવા માટે હજારો વર્ષ સુધી બ્રહ્માજીનું તપ કર્યુ હતું. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ભીમને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું ત્યારે ભીમે વરદાન માંગ્યું કે હે બ્રહ્મા ! મને એવું બળ આપો કે તેની તુલના કોઈ ના કરી શકે.બ્રહ્માજી “તથાસ્તુ” કહીને અંતર્ધાન થઈ ગયા હતા.
ભીમે મહાબળ પ્રાપ્ત કર્યા બાદ સ્વર્ગ પર હુમલો કર્યો.તેણે ઈન્દ્ર આદિ દેવતાઓને ત્યાંથી મારીને ભગાડયા હતા ત્યારબાદ તે પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપતિ કરવા માટે આવ્યો.
સર્વપ્રથમ ભીમ પૃથ્વી પર કામરૂપ દેશ ગયો.ત્યાં તેણે કામરૂપ દેશના રાજા સુદક્ષિણ સાથે ભયંકર યુદ્ધ કર્યું પરંતુ તે રાજા યુદ્ધમાં ભીમથી હારી ગયા.છેવટે ભીમે રાજાને બંદી બનાવી દીધા અને તેમનું રાજય પોતાના શાસન હેઠળ લીધું હતું.
હવે આ મૂર્ખ ભીમને એવી ખબર નહી કે એનું મૃત્યુ તેને અહીં ખેંચી લાવ્યું છે અર્થાત્ તેણે જે રાજા સુદક્ષિણને બંદી બનાવ્યો હતો તે રાજા પરમ શિવભક્ત હતા.
ભીમે રાજા સુદક્ષિણને કેદમાં પૂર્યા ત્યારે તેમના પગમાં બેડીઓ બાંધીને તેમને બંદી બનાવી દીધા હતા પરંતુ શિવભક્ત સુદક્ષિણને શિવ પર શ્રદ્ધા હતી કે તેમના ઈશ્વર જરૂર તેમને કેદમાંથી મુક્ત કરાવશે.
સુદક્ષિણ ત્યાં કેદમાં જ શિવનું પાર્થિવ શિવલિંગ બનાવીને શિવની પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા.તેમણે વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્નાન વગેરે કરીને પાર્થિવપૂજનની વિધિથી શિવની પૂજા-અર્ચન કર્યા.તેઓ શિવના પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાય નો જાપ કરવા લાગ્યા હતા.તેઓ રાત દિવસ શિવપૂજામાં તલ્લીન થઈ ગયા હતા.આ બાજુ સુદક્ષિણાની પતિવ્રતા પત્ની રાજવલ્લભા પણ શિવનું પૂજન -અર્ચન કર્યા કરતા હતા.
ભીમ બ્રહ્માજીના વરદાનથી પ્રાપ્ત થયેલા મહાબળથી હવે ઋષિમુનિઓને પજવવા લાગ્યો.તે યજ્ઞકર્મનો નાશ કરવા લાગ્યો.તેણે વેદો,શાસ્ત્રો,સ્મૃતિઓ અને પુરાણોમાં બતાવેલ ધર્મનો લોપ કરીને બધાનો ઉપભોગ સ્વયં કરવા લાગ્યો હતો.
ભીમના ત્રાસથી પીડીત થઈને દેવતાઓ અને ઋષિમુનિઓ મહાકોશીના તટ પર ગયા હતા.ત્યાં તેઓ શિવની આરાધના અને સ્તવન કરવા લાગ્યા હતા.શિવની સ્તુતિ કરવાથી શિવ પ્રસન્ન થયા.ભગવાને ત્યાં ઉપસ્થિત દેવતાઓ અને ઋષિમુનિઓને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું ત્યારે દેવતાઓ અને ઋષિગણોએ શિવને કહ્યું કે કર્કટી અને કુંભકર્ણનો પુત્ર ભીમ બ્રહ્માજી પાસેથી વરદાન પામીને ત્રાસ મચાવી રહ્યો છે.હે શિવ ! આપ તેનો શીધ્ર વધ કરો.
શિવજીએ કહ્યું કે કામરૂપ દેશના રાજા સુદક્ષિણ મારા સર્વશ્રેષ્ઠ ભક્ત છે.તેમને મારો સંદેશો પહોંચાડો કે તે નિરંતર મારી પૂજા ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધાથી લીન રહે. હું ભીમનો અતિશીધ્ર નાશ કરીશ. આટલું કહી શિવ અંતર્ધ્યાન થયા હતા. શિવના આદેશ મુજબ દેવતાઓ અને ઋષિમુનિઓએ કેદમાં શિવપૂજા કરી રહેલા રાજાને સંદેશો પહોંચાડયો. રાજા સુદક્ષિણ હરખ પામીને શિવની પૂર્ણ શ્રદ્ધાથી કઠોર પૂજા અર્ચના કરવા લાગ્યા હતા.
ભીમના મૂર્ખ સિપાહીઓએ મૂર્ખ ભીમને કહ્યું કે રાજા તમારા વિનાશ માટે કેદમાં પાર્થિવ લિંગ બનાવી કઠોર તપસ્યા કરી રહ્યા છે.ભીમ ક્રોધમાં આવીને તેણે રાજાની પૂજા નષ્ટ કરવાના ઈરાદે લિંગ પર તલવાર ઉગામી.તલવાર હજી લિંગને અડી પણ નહોતી ત્યાં એક પ્રચંડ વિસ્ફોટ સાથે શિવજી જર્યોર્તિ સ્વરૂપે તે લિંગમાંથી પ્રગટ થયા.શિવજીએ ભીમને કહ્યું હે મૂર્ખ ! હું સ્વયં ભીમેશ્વર છું અને હું મારા ભક્તની રક્ષા કાજે પ્રગટ થયો છું.
શિવજીએ પિનાકથી તેની તલવારના ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ શિવજી અને ભીમનું ઘોર યુદ્ધ થયું તેનાથી સચરાચર જગત સ્તબ્ધ થઈ ગયું હતું.તે સમયે નારદજીએ શિવજીને પ્રાર્થના કરી કે….
નારદજી બોલ્યા કે હે સૌને ભ્રમમાં નાખનાર મહેશ્વર ! મારા નાથ ! આપ ક્ષમા કરો ! ક્ષમા કરો પણ તણખલાને કાપવા માટે કુહાડીની શી જરૂર છે ? તમે શીધ્ર આનો સંહાર કરો. નારદજીની પ્રાર્થના સાંભળીને શિવજીએ એક હુંકાર માત્રથી ભીમ સહિત તેની સેનાનો નાશ કર્યો.રાજા સુદક્ષિણ કેદમાંથી મુક્ત થયા. રાજા સહિત સમગ્ર દેવગણો અને ઋષિમુનિઓને શિવજીને વિનંતિ કરી કે આપ ભીમાશંકર જયોર્તિલિંગ સ્વરૂપે કાયમ માટે નિવાસ કરો અને આપના ભક્તજનોનું કલ્યાણ કરો.ભકતવત્સલ શિવ તેમની આ પ્રકારની વિનંતીથી ત્યાં જ જયોર્તિલિંગ સ્વરૂપે સ્થિર થઈ ગયા.
કહેવાય છે કે ભીમાશંકર જયોર્તિલિંગના સૂર્યોદય બાદ બાર જયોર્તિલિંગના નામ સ્મરણ કરીને દર્શન કરવા માત્રથી મનુષ્યના સાત જન્મના પાપોનો નાશ થાય છે.
ભીમાશંકર જયોર્તિલિંગ સહ્યાદ્રિ પર્વતની ૩૨૫૦ ફૂટની ઉંચાઈ પર આવેલું છે.આ મંદિરની પાસે ભીમ નામક નદી વહે છે.મંદિરની બાજુમાં કમલજા ( પાર્વતીજી ) નું મંદિર છે. આ મંદિરનો જીર્ણોદ્વાર મરાઠાઓના દિવાન નાના ફડણવીસે ૧૮ મી સદીમાં કરાવ્યો હતો. આ મંદિર નાગરશૈલીમાં બન્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે નાગરશૈલી સૌથી પ્રાચીન વાસ્તુકલા છે.
ભીમાશંકર જયોર્તિલિંગ જવા માટે બસમાં,ટ્રેનમાં કે ફલાઈટમાં પૂના જવું ત્યાંથી સરકારી બસ અથવા પ્રાઈવેટ ટેકસી કરીને ભીમાશંકર જયોર્તિલિંગ જઈ શકાય છે. પૂનાથી ભીમાશંકર જયોર્તિલિંગ ૨૫૦ કીમી ના અંતરે છે.
હું ભીમાશંકર જયોર્તિલિંગ દર્શન કરી આવ્યો છું. આ જયોર્તિલિંગ પર્વત પર હોવાથી અહીંયા બારે માસ વરસાદ હોય છે.ત્યાં એટલી ધુમ્મસ હોય છે કે આપણને સામાવાળાનું મુખ પણ સરખું દેખાય નહી. ત્યાં દસ વીસ રૂપિયામાં ભાડે તાડપત્રી મળે તે ઓઢીને આપણે ત્યાં વરસાદમાં ફરવું પડે પણ આ બધો આનંદ કરવાની મજા અને જયોર્તિલિંગના દર્શન કરીને ધન્ય થવાનો અવસર ખૂબ અનેરો હોય છે.
“ડાકિન્યા ભીમશંકર” બાબતે ઘણા મતમતાંતરો છે. કેટલાક ગૂગલ જ્ઞાનીઓએ ડાકિન્યાનું અનુવાદ કરીને ડમરૂવાલે ભીમાશંકર કર્યું છે પણ હકીકત એમ છે કે સહ્યાદ્રિ પર્વત શ્રાપિત પ્રદેશ છે જે ડાકણોનો પ્રદેશ કહેવાતો તેથી તે પ્રદેશને શ્રાપમાંથી મુક્ત કરવા માટે શિવજી ભીમાશંકર જયોર્તિલિંગ રૂપે પ્રસ્થાપિત થયા હતા.
ભીમાશંકર જયોર્તિલિંગની આ પાવન કથાના વાંચન માત્રથી મનુષ્ય સર્વ પ્રકારના બંધનમાથી મુક્ત થાય છે અને તેના મહાભયંકર શત્રુનો સત્વરે નાશ થાય છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.