28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો સમય કેવી રીતે બળવાન હોય છે ?

એક પ્રાચીન કહેવત છ કે

સમય સમય બલવાન હૈ, નહી પુરુષ બલવાન
કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ વહી બાણ.

આ કહેવતનો અર્થ એમ થાય છે કે જયાં સુધી શ્રી કૃષ્ણ હતા ત્યાં સુધી જ અર્જુન મહાબલી ધનુષધારી હતો પણ જયારે કૃષ્ણની દેવગતિ થઈ ત્યારે મહાપરાક્રમી અર્જુનને જંગલમાં કાબાઓએ લૂંટી લીધો હતો. અર્જુનની પાસે એ જ ધનુષ એ જ બાણ અને એ જ વીરતા હતી પણ એમની પાસે શ્રી કૃષ્ણ નહોતા.

દરેક વ્યક્તિ ઈશ્વરની કૃપાથી એકમેકની સાથે જોડાતો હોય છે. દરેક વ્યક્તિ પોતાની કળા,આવડત અને જ્ઞાન અનુસાર પોતાના પ્રારબ્ધનું કમાય છે. કોઈના પ્રારબ્ધનું કોઈ નથી લઈ જઈ શકતું પણ દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે આગળ આવતો હોય છે.કોઈનો સમય વહેલો આવી જાય છે તો કોઈનો સમય મોડો આવે છે.ના સમજાયું ? ચલો એક ઉદાહરણ દ્વારા સમજાવું.

એક વિજય નામનો છોકરો હતો. તેની પાસે કોઈ કામ નહોતું.તે કામ માટે દરબદર ભટકતો હતો. તે છોકરાની કોઈએ વેલ્યુ ના કરી પણ એક હીરાના વેપારી જશવંતલાલે આ “હીરા” ને પારખી લીધો. તેણે આ છોકરાની પ્રતિભા જાણીને આ છોકરાને કામ પર રાખ્યો.

વિજય તેની આવડત અને જ્ઞાનથી જશવંતલાલની આખી પેઢી ઉપર લાવી દીધી. આ પેઢી લાખો રૂપિયાનો પ્રોફિટ કરવા માંડી. વિજય જશવંતલાલને ખૂબ જ વફાદાર હતો. તે પોતાને મળતા હિસ્સાથી ખુશ હતો. તે હંમેશા દરેકને એમ કહેતો હું જે કંઈ પણ છું તે આ શેઠ ના લીધે છું. મારી પાસે કંઈ કામ નહોતું પણ જશવંતલાલે મારી આવડત જોઈને મને કામે રાખ્યો.

સમય જતા જશવંતલાલને પોતે કમાયેલા નાણાનો એટલો બધો અહંકાર આવ્યો કે તે બધાને તુચ્છ સમજવા લાગ્યા. તે વિજયને પણ વારંવાર સંભળાવતા કે મારા લીધે તું કામ કરે છે. બાકી તને કોઈ કામ પર પણ નહોતું રાખતું. તે છતાં વિજય પોતાનું કામ કર્યે જ રાખતો. જશવતંલાલનું બોલેલું કંઈ મન પર ના લેતો.

એક દિવસ વિજયે વેપારમાં એક નાનકડી ભૂલ કરી જેનાથી જશવંતલાલ અકળાઈ ગયા. વિજયને ખૂબ ગાળો ભાંડી. તેને નોકરીમાંથી કાઢી મૂકયો.

વિજય ખૂબ નિરાશ થયો પણ વિજયને જશવંતલાલથી અલગ થવાનું ઘણું દુ:ખ હતું. વિજયે કેટલીય માફી માંગી પણ શેઠે તેની એક ના સાંભળી અને આખરે શેઠ જશવંતલાલે નોકરીમાંથી તેને છૂટો કરી દીધો.

વિજય તે દિવસે રાતે ઘરે ના ગયો. પણ એક ગાર્ડનની બહાર બાંકડે બેસી રહ્યો. તેને શેઠથી છૂટા થવાનું ઘણું દુ:ખ હતું. તે પોતાની જાતને કોષતો હતો કે હું શેઠના કારણે આટલો આગળ આવ્યો અને શેઠે મારી એક નાનકડી ભૂલના કારણે મને કાઢી મૂકયો. મારે આ ભૂલ કરવા જેવી નહોતી.

આમ વિચારતા વિચારતા વહેલી પરોઢ થઈ ગઈ. એક માજી વહેલી સવારે ટહેલતા ટહેલતા વિજયની જોડે બાંકડે આવીને બેસી ગયા. વિજયને ધીર ગંભીર જોઈ, રડમસ ચહેરો અને રડવાથી સૂઝી ગયેલી આંખો જોઈને તે બા એ વિજયને પૂછયું કે બેટા, કંઈ તકલીફ છે ? વિજયે પહેલા તો માજીને કંઈ જણાવ્યું નહી. બા એ ફરીથી માથે હાથ મૂકીને પૂછયું કે બેટા ! તને શું થયું છે ?

પેલા બા ના આમ પૂછવાથી વિજય ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયો. ત્યારબાદ તેણે તેની સાથે બનેલી સમગ્ર ઘટના બા ને જણાવી. બધી જ વાત જાણ્યા બાદ બા એ કહ્યું કે બેટા ! જે થયું તે સારા માટે થયું. તું શાને ચિંતા કરે છે ?

બેટા સાંભળ ! જો દરેક સંબંધો ઋણાનુંબંધથી જોડાય છે. તારી પાસે કંઈ કામ નહોતું ત્યારે તે વેપારીએ તારી આવડત જોઈને તને કામ પર રાખ્યો હતો. તે સંપૂર્ણ રીતે વફાદાર રહીને તેની નાનકડી પેઢીને લાખો કરોડોની કંપની બનાવી છે તો આમ જોવા જઈએ તો શેઠના તારી પર કરેલા એક ઉપકારની સામે તે એની પર જાણે અજાણે અગણિત ઉપકાર કર્યા છે તેથી તું એ વાતનો ખેદ ના રાખ કે તું શેઠના ઉપકારથી આગળ આવ્યો હતો અને શેઠે હવે કાઢી મૂકયો તો મારું શું ? હકીકતમાં શેઠ અને તું એકબીજાનું ઋણ અદા કરવા સાથે જોડાયા હતા. ઈશ્વર હંમેશા બે વ્યક્તિને એટલે સાથે જોડે છે કે બંને એકબીજાને આગળ વધારી શકે.

બા એ વિજયને પ્રેરણા આપતા આગળ જણાવ્યું કે તારી પાસે જે જ્ઞાન છે આવડત છે એ તો એમની એમ જ છે ને. એ કોઈ નથી લઈ ગયું ને ? છોકરાએ કહ્યું ના તો બા બોલ્યા તો ચિંતા કેમ કરે છે ? તું જાતે આગળ વધ. છોકરાના તમામ પ્રશ્નોના જવાબ જાણે સાક્ષાત્ માતાજી આવીને ઉત્તર આપી ગયા હોય ને એમ બા એ નિરાકરણ આપી દીધું.

વિજયે પોતાની જ્ઞાન અને આવડતથી એક નાની પેઢી શરૂ કરી. વિજયને ધીમે ધીમે આગળ વધતા દસ વર્ષ થઈ ગયા. વિજયની નાનકડી પેઢી હવે થોડી મોટી બનીને લાખોની કંપની બની ગઈ હતી. વિજયે બીજા પાંચ વર્ષ ખૂબ મહેનત કરી. હવે આ પેઢી કરોડોનું ટર્નઓવર કરતી એક કંપની બની ગઈ હતી. આમ વિજયને જાતે એક કંપની ઉભી કરતા વીસ વર્ષ થઈ ગયા.

એક વખત એક કાકા વિજયની કંપની પર આવી પહોંચ્યા. તેમણે ત્યાં રિસેપ્શન પર કહ્યું કે મારે તમારા શેઠને મળવું છે. રિસેપશનીસ્ટ લેડીએ કહ્યું શું કામ છે ? તે કાકાએ કહ્યુ કે હું હીરાનો જાણકાર માણસ છું. મને તમારી કંપનીમાં કોઈ નાનકડુ કામ પણ મળી જશે ને તોય મારે ચાલશે.

રિસેપ્શનીસ્ટે બોસના કેબિનમાં ફોન કર્યો અને કોઈ કાકા કામ માટે આવ્યા છે તેમ જણાવ્યું.વિજયે કહ્યું કે મારી કેબીનમાં મોકલો.

આ કાકા જેવા કેબિનમાં ગયા. વિજયને જોઈને તેમની આંખો ભીની થઈ ગઈ. વિજયને પણ આ કાકાને જોઈને રડમસ ચહેરો થઈ ગયો. આ કાકા બીજું કોઈ નહી પણ જશવંતલાલ હતા. જશવંતલાલે વિજયની કેબીનમાં તેમનો ફોટો જોયો. જશવંતલાલ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા માંડયા.

વિજયે જશવંતલાલને ગળે વળગાડીને પાણી પીવડાવીને તેમને શાંત કર્યા અને પૂછયું કે “શેઠ, કેમ તમારે અહીં આવવું પડયું ? તમારે નોકરીની શી જરૂર છે ?

જશવંતલાલે હાથ જોડીને વિજયને કહ્યું કે “વિજય હું રોડ પર આવી ગયો છું. મારા છોકરાઓ અને તેમની વહુઓએ મને કંપનીમાંથી કાઢી મૂકયો છે અને અત્યારે મારી પાસે કંઈ જ કામ નથી. તું મને થોડું કામ આપી દે. તું કહીશ તે કામ હું કરીશ પણ મને નોકરી આપી દે. મેં તારી સાથે જે વર્તન કર્યું હતું તે બદલ મને માફ કરી દે. હું પૈસાના અહંકારમાં એટલો ઘેલો થઈ ગયો હતો કે મેં તારી કદર ના કરી.

વિજયનું ગળું સૂકાવા માંડયું. ડૂમો ભરાયેલા સ્વરે વિજયે જશવંતલાલને કહ્યું કે “શેઠ .હું તમને નોકરી રાખવાને તો લાયક છું જ નહી પરંતુ આજથી આ કંપની ય તમારી છે અને આજથી તમે જ આ કંપનીના શેઠ છો એમ કહીને વિજયે શેઠને પોતાની કેબીનમાં પોતાની ચેર પર બેસાડયા.

વાંચકો, કર્મનું વર્તુળ ૩૬૦ ડિગ્રીનું હોય છે. ગઈકાલે કોઈએ તમને આગળ વધાર્યા તો આવતીકાલે કોઈ તમને આગળ વધારશે. દરેકનો એક યોગ્ય સમય આવે છે. દરેક વ્યક્તિ એકબીજાને આગળ વધારવા નિમિત્ત બનતો હોય છે. બાકી તે વ્યક્તિ પોતાના પ્રારબ્ધનું, કર્મનું અને મહેનતનું કમાય છે. તે કમાયેલું ભોગવે છે અને અંતે મૃત્યુ સમયે કંઈ સાથે નથી લઈ જતો.

તમે સમજી ગયા ને સમય કેવી રીતે બળવાન હોય છે ?

જય બહુચર માં.

 

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page