જીવનમાં કંઈ પણ થાય ચિંતા નહી કરવાની પણ ચિંતન કરવાનું. આ વાત બોલવી કે લખવી સહેલી છે પણ અનુસરવી અઘરી છે. માણસના જીવનમાં તકલીફો હોય જે તકલીફોનું સમાધાન ના આવતું હોય તો ચિંતા જ કરવાનો ને ! પણ ઘણા બધા ધર્મગુરુઓ કે વિદ્વાન લેખકો “ચિંતન” કરવાનું કહે છે.
આ ચિંતન એટલે રસ્તો શોધવો. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો.અને એ રસ્તા માટે વ્યકિત મંદિરના પગથિયા ઘસતો હોય છે. એથી મેળ ના પડે તો ભૂવાજી અને તાંત્રિક પાસે જતો હોય છે અથવા પ્રખર જયોતિષીને કન્સલ્ટ કરતો હોય છે કે કંઈક રસ્તો થાય ને એનું સારું થાય.
આ રસ્તો કંઈક આમ મળે કે જો તમે વૈષ્ણવ હો તો ભગવદ ગીતા લાવીને ધ્યાનથી વાંચો એમાં મળશે. આ રસ્તો જો તમે શિવપંથી છો તો શિવપુરાણ લઈ આવો ને એ વાંચો એમાં મળશે અને જે શકિતનો સાધક હોય તો એ “દેવી ભાગવત” વાંચે તો પણ રસ્તો મળશે.
જેમ દરેક તાળાની એક ચાવી હોય છે એમ દેવીના ચંડીપાઠના અંતે એક “ચાવી” છે જેને સંસ્કૃતમાં “કુંજિકા” કહે છે. સિદ્ધિકુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી પણ તમારી મુશ્કેલીના દરેક તાળાની ચાવી મળશે અને જીવનમાં જેટલા પણ પ્રશ્નો છે એના જવાબ તમને જાતે જ મળી જશે.( સિદ્ધિ કુંજિકા નો પાઠ મનમાં કરવો )
મારા મતે “ચિંતન” એટલે મનની મનમાં નહી રાખવાની પણ મનની વાત કહી દેવાની.આપણા પરિવાર,મિત્ર કે ગમે તે ને ! અને છેલ્લે કોઈને કહી ના શકો તો મંદિરમાં મૂર્તિ છે એ મૂર્તિ પણ સાંભળે છે એને કહી દેવાનું તો જ તમારું ચિંતન સફળ થશે અને યોગ્ય રાહ મળશે.
મેં ઘણા સમય પહેલા લખ્યું તું કે
“જે મનનું સાંભળી જાય એ માં કહેવાય”
એટલે તું ચિંતા ના કર , માત્ર ચિંતન કર
જય બહુચર માં.