31 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો તંત્રની પ્રથમ મહાવિદ્યા – કાલી વિશે.

તંત્રની દશ મહાવિદ્યાની પ્રથમ મહાવિદ્યા સૌથી શક્તિશાળી કાલી છે જે કાલ (સમય) ની અધિષ્ઠાત્રી છે. કાલ (સમય) નું ચક્ર કાલીની ઈચ્છાથી ચાલે છે. કાલી ઉત્તર દિશાનું પ્રતિનિધત્વ કરે છે.

જયારે સમગ્ર શૂન્ય હતું. ઘોર અંધકાર હતો તે સમયે આદિ પરાશક્તિ કાલી સ્વરૂપે ઘોર અંધકાર પર શાસન કરતી હતી. કાલીએ જ આ ઘોર અંધકારમાં સ્વયંના તેજથી સમગ્ર જગત પ્રકાશિત કર્યુ કારણકે કાલીનો એક અર્થ “રોશની” પણ થાય છે.

વૈજ્ઞાનિકોએ “સૃષ્ટિની ઉત્પત્તિ” વિશેના સંશોધનમાં લખ્યું છે કે જયારે સૃષ્ટિ નહોતી ત્યારે શ્યામ વર્ણનું પદાર્થ હતું જે કાળા બિંદુ (Black hole) જેવું લાગતું હતું જે દશ્યમાન નથી. આ અદશ્ય ચેતના હતી જેણે તેના પ્રકાશથી અસંખ્ય ચેતનાઓને ઉતપન્ન કરી છે. આ અસંખ્ય ચેતનાઓનો જે પ્રકાશ નીકળ્યો તેનાથી બ્રહ્માંડની રચના થઈ. જે વૈજ્ઞાનિકોએ કાળા બિંદુની વાત કરી તે “કાલી” છે.

દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં “કાલી” ની ઉત્પત્તિ વિશે વર્ણન છે કે મહાદાનવો શુભ-નિશુંભ તેમના સેનાપતિઓ ચંડ-મુંડને રણસંગ્રામમાં દેવી સાથે યુદ્ધ કરવા મોકલે છે.

દેવી આદિ પરાશક્તિએ ચંડ-મુંડને યુદ્ધમાં આવેલા જોઈ તેમણે ભારે ક્રોધ કર્યો. તેમના કોપથી તેમનું વદન મેંશ જેવું કાળું થઈ ગયું. એમની ભમ્મર વાંકી થઈ ગઈ. દેવી આદિ પરાશક્તિએ ભયંકર મુખવાળા “કાલી” ને તેમના વદનમાંથી ઉતપન્ન કર્યા. કાલીએ તલવાર અને પાશ ધારણ કર્યા હતા. તેમણે વિચિત્ર ખટ્વાંગ, નરમાલાનું આભૂષણ, ચિત્તાની ચામડીનું અંબર પહેર્યું હતું. તેમનું મુખ પહોળું, જીભ લપલપતી અને આંખો લાલ હતી. તેઓએ ભયંકર નાદથી દિશાઓને ગજવી મૂકી અને છલાંગ મારીને દૈત્યોને હણવા લાગ્યા.

માઁ આદિ પરાશક્તિ કાલીને કહે છે કે તમે યુદ્ધમાં ચંડ-મુંડનો નાશ કરીને તેમનું ભક્ષણ કરી જાઓ. કાલી ચંડ-મુંડનો વધ કરીને તેમના મસ્તકને બંને હાથમાં લાવીને કાલી પ્રચંડ અટ્ટહાસ્ય કરતા જગદંબાને અર્પણ કરે છે તેથી જગદંબા પ્રસન્ન થઈને કાલીને કહે છે કે

“તમે ચામુંડા નામે જગવિખ્યાત થાઓ”

ત્યારબાદ આદિ પરાશક્તિ રક્તબીજ સાથે યુદ્ધ કરતી વખતે રક્તબીજનું રક્ત પૃથ્વી પર ના પડે તે માટે કાલીને એક ખપ્પરમાં રક્બીજનું રક્તપાન કરવાનું કહે છે. (રક્તબીજને વરદાન હોય છે કે તેનું રક્તનું એક ટીપું પૃથ્વી પર પડશે તેમ તેના જેવા બીજા હજારો રક્તબીજ ઉત્પન્ન થશે)

કાલી અટ્ટહાસ્ય કરતી રક્તબીજના રક્તનું પાન કરે છે અને તેના જેવા ઉત્પન્ન થતા બીજા રાક્ષસોને ભક્ષણ કરી જતી. ત્યારબાદ કાલી જેનું રૂધિર પી રહી છે તેવા રક્તબીજનો આદિ પરાશક્તિ વધ કરે છે.

કાલિકા પુરાણ અનુસાર એકવાર હિમાલય પર્વત પર મતંગ મુનિના આશ્રમમાં જઈને દેવોએ સ્તુતિ કરી હતી. તે સમયે દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈને મતંગ-વનિતાના રૂપમાં દેવી ભગવતીએ દેવોને દર્શન આપીને પૂછયું કે તમે કોની સ્તુતિ કરી રહ્યા છો ? ત્યારે જ દેવીના વદનમાંથી એક પહાડ જેવી કાળા વર્ણની મહાતેજસ્વીની એક દિવ્ય નારી ઉત્પન્ન થઈ. તેણે દેવતાઓ વતી ક્હ્યું કે ” તેઓ મારી જ સ્તુતિ કરી રહ્યા છે “. આ દેવી કાજળ સમાન કૃષ્ણ જેવી લાગતી હતી તેથી તેનું નામ “કાલી” પડયું.

કાલીની સાધના “સાકાર” રીતે પણ થાય અને “નિરાકાર” રીતે પણ થાય.સાકાર રીતે સાધના કરવા માટે કાલીનો ફોટો જોઈએ. યંત્ર જોઈએ અને ગુરુએ દીક્ષામાં આપેલો મંત્ર જોઈએ. નિરાકાર રીતે સાધના કરવામાં માત્ર ગુરુએ દીક્ષામાં આપેલો મંત્ર જોઈએ અને કાલીનું ધ્યાન કરવું જોઈએ.

શ્રી વિદ્યા મનુષ્યને સંસારના તમામ ઐશ્વર્ય અને સુખો આપીને મુક્તિ (મોક્ષ) આપે છે જયારે કાલી સંસારના તમામ ઐશ્વર્યો આપે છે તો ખરી પણ વૈરાગ્ય ઉત્પન્ન કરાવે છે તેથી કાલિના સાધકને કોઈ જ બાબતનો મોહ ઉત્પન્ન થતો નથી તેથી તે સમગ્ર ત્યાગીને મોક્ષ (મુક્તિ) ને પામે છે.

નિર્વાણ તંત્ર કહે છે કે દક્ષિણ દિશામાં યમનું સ્થાન છે પણ યમ જયારે કાલીનું નામ સાંભળે છે ત્યારે દક્ષિણ દિશા છોડીને ભાગી જાય છે તેથી દક્ષિણ દિશા પર આધિપત્ય કરનારીને “દક્ષિણા કાલી” કહે છે. દક્ષિણા મૂર્તિ ભૈરવે કાલીની પ્રથમ સાધના કરી હતી.

શકતાગમ તંત્ર અનુસાર “વરદાનેષુ ચતુરા તેનૈય દક્ષિણા સ્મૃતા” અર્થાત્ વરદાન આપવામાં દેવી અત્યંત ચતુર છે તેથી તેને “દક્ષિણા” કહે છે.

દેવી પુરાણ અનુસાર વિષ્ણુ ભગવાનના નિંદ્રાધીન થયા બાદ મધુ-કૈટભના વધ માટે બ્રહ્માએ જેનું સ્તવન કર્યું હતું તે “કાલી” છે. જેના દશ હાથોમાં ખડ્ગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, શૂલ, ભૃશુંણ્ડિ, મસ્તક અને શંખ ધારણ કરેલ છે. જેમને ત્રણ નેત્રો છે. જેમના સમસ્ત અંગો દિવ્ય આભૂષણો યુક્ત છે. જેમના વદનની કાંતિ નીલમણી સમાન છે. તેમને દશ મુખો અને દશ ચરણો છે.

⦿ કાલીના ભૈરવ મહાકાલ છે.

⦿ તોડલતંત્ર પ્રમાણે કાલીના આઠ પ્રકારો છે.

દક્ષિણ કાલી
સિદ્ધ કાલી
ગુહ્ય કાલી
ભદ્ર કાલી
ચામુંડા કાલી
સ્મશાન કાલી
શ્રી કાલી
મહા કાલી

કાલી તંત્રમાર્ગની મુખ્ય અને સર્વપ્રથમ દેવી છે. મહાકાલની શક્તિ તે મહાકાલી છે. કાલીનું પૂજન કરવાથી તે અશુભ અને અનિષ્ટ તત્વોથી સંરક્ષણ કરે છે. તે સર્વનું ક્ષેમકુશળ કરે છે.કાલી સિદ્ધ થતા જ સાધકની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

કાલીનો બીજ મંત્ર ગુપ્ત છે જે સાધારણ મનુષ્ય કરી શકે તેમ નથી તેથી અહીં લખ્યો નથી કારણકે તંત્રની મહાવિદ્યાનો કોઈ પણ બીજ મંત્ર ગુરુ દીક્ષા વગર કરવો અપરાધ છે.

કાલીના બીજ મંત્રનો જાપ હકીકની માળાથી થાય છે.

તંત્રની દશ મહાવિદ્યા નવગ્રહો અને લગ્નકુંડળી પર ત્વરિત અસર કરે છે. જો કોઈ સાધક તંત્રની પ્રથમ મહાવિદ્યા કાલીનો ઉપાસક છે તો જન્મકુંડળીનો શનિ કદાપિ તેનું અનિષ્ટ કરી શકતો નથી ઉલ્ટાનું શનિ શુભ ફળ આપવા પરવશ થઈ જાય છે.

કાલી કલકત્તાના કાલી ઘાટ પર બિરાજે છે. મધ્યપ્રદેશના ઉજજૈન પાસે ભૈરવગઢમાં ગઢકાલિકાનું મંદિર છે અને ગુજરાતમાં પાવાગઢ પર્વત પર કાલીનો વાસ છે. આ ત્રણે કાલીના મુખ્ય પીઠ ગણવામાં આવે છે.

કોલકત્તામાં શ્રી રામકૃષ્ણ પરમહંસ નામે કાલીના પરમ ઉપાસક થઈ ગયા. તેમની કાલી પ્રત્યેની ભક્તિની વાત કરું તો એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસ તેમની માતાને કહેતા હતા કે હું કાલી માતાની મૂર્તિના નાસિકા હેઠળ હાથ રાખું છું તો મને કાલીના શ્વાસોચ્છવાસનો અનુભવ થાય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલીના ધ્યાનમાં બેસતા તો એક અઠવાડિયા કયારેક તો પંદર દિવસ અને કયારેક મહિનાઓ સુધી બેસી જ રહેતા.

કાલીનું સ્વરૂપ ભયાનક અને ડરામણું છે પણ તે સ્વરૂપ ભક્તને અભય પદ આપનારું છે. નરમુંડોની માળા અને કપાલ ધારણ કરનારી કાલી દેવો, દાનવો અને મનુષ્યોને અહંકારને શૂન્ય કરનારી છે.

ભૂત-પ્રેત, નિશાચર, ડાકણ, પ્રેત કે તમામ બૂરી આત્માઓ કાલીનું નામ સાંભળતા જ ડરથી ભાગી જાય છે.મનુષ્યને થયેલો મહાભયંકર રોગ કાલીના જાપ કરવા માત્રથી દૂર થાય છે.

કાલીના પાંપણ ફરકવા માત્રથી કેટલાય બ્રહ્માંડોનું સર્જન થાય છે અને કેટલાય બ્રહ્માંડોનું વિસર્જન થાય છે.

સમગ્ર સચરાચર જગતમાં વ્યાપ્ત આદિ પરાશક્તિના ત્રણ મુખ્ય ચરિત્રો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એમ મુખ્ય ત્રણ દેવીમાં મહાકાલી “શક્તિનો સ્ત્રોત” છે. તે ખૂબ જવાળાઓ ઉત્પન્ન કરે છે. આ શક્તિ સૌથી પહેલા મનુષ્યની અંદર રહેલા નકારાત્મક તત્વોનો નાશ કરીને સાત્વિક રીતે મનુષ્યને શક્તિશાળી બનાવે છે.

વૈષ્ણોદેવીના ત્રણ પિંડમાં પ્રથમ પિંડ કાલીનું છે.

શ્રીમદ્ દેવી ભાગવત પુરાણમાં કાલીનો મંત્ર નીચે પ્રમાણે છે. (નોંધ – તમારા મારા જેવો સામાન્ય મનુષ્ય આ મંત્ર જાપ કરી શકે છે)

ૐ કલીં કાલિકાયૈ નમ : ।।

વાંચો આવતીકાલે તંત્રની દ્વિતીય મહાવિદ્યા – તારા વિશે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page