એક ઈન્ટરવ્યુમાં સર રતન ટાટાને પૂછવામાં આવ્યું હતું કે “દુનિયાના ધનિકોની યાદીમાં તમારું નામ કેમ નથી ?? ત્યારે રતન ટાટાએ બહુ જ સરસ જવાબ આપતા કહ્યું કે “હું એક વેપારી નહી પણ ઉદ્યોગપતિ છું”. આનો અર્થ એ થયો કે વેપારી હંમેશા પોતાના વેપારની વૃદ્ધિ વિશે વિચારે છે અને ઉદ્યોગપતિ પોતાના નાના મોટા ઉદ્યોગને ચલાવનાર કર્મચારીઓ વિશે વિચારે છે”.
રતન ટાટાની સફળતા પાછળ એક નહી અનેક લોકોના ભાગ્ય કામ કરે છે તેવું તે પોતે સહજતાથી સ્વીકારતા હતા..તેમની ખંતીલી મહેનત,નૈતિકતા અને ઈમાનદારી વૃત્તિ પાછળ તેમના જીવનમાં મૂળાંક ૧ અંક કાર્ય કરે છે કારણકે ૨૮ મી ડિસે. ૧૯૩૭ના રોજ જન્મેલા રતન ટાટાનું સાફ સુધરું ચરિત્ર અને પ્રભાવશાળી વ્યકિતત્વ પર ૧ અંક ના માલિક સૂર્યનું આધિપત્ય છે જે સૂર્ય ભાગ્યેશ થઈને તેમની જન્મકુંડળીમાં ધન લગ્નમાં કેન્દ્રસ્થાનમાં છે.
રતન તાતાનો ભાગ્યાંક ૬ થાય છે જે શુક્રનો અંક છે. શુક્ર એટલે લક્ષ્મી.જે લક્ષ્મી ( શુક્ર ) સૂર્ય સાથે કેન્દ્રમાં રહીને ૧૦૦ થી વધારે કંપનીઓની માલિકી ધરાવનાર તેમને સફળ ઉદ્યોગપતિ બનાવ્યા.રતન ટાટાની કુંડળીમાં સૂર્યની નીતિથી કમાયેલી શુદ્ધ લક્ષ્મી છે. આ સાથે બુધ આ બંનેની જોડે હોવાથી બુધાદિત્ય યોગ ( સૂર્ય+બુધ ) નું નિર્માણ કરે છે તથા શુક્ર સાથે હોવાથી ( શુક્ર+બુધ ) નો લક્ષ્મીનારાયણ યોગનું પણ સર્જન કરે છે.
બુધ સપ્તમેશ તથા દશમેશ હોઈ કેન્દ્રમાં બિરાજે છે તથા અન્ય એક રીતે અંકશાસ્ત્ર મુજબ RATAN TATA ના નામનો સરવાળો કરતા અંક ૫ આવે છે જે “બુધ” નો અંક છે. આમ પોતાની બુદ્ધિથી શુદ્ધિ રૂપી લક્ષ્મી જે ઈમાનદારીથી કમાય છે તે કમાણીનો ૬૬% હિસ્સો જાહેરજીવનમાં સમાજને ઉપયોગી થાય તેવી તેમની દાનવીર વૃત્તિ તેમને મહાન બનાવે છે.આવી પરોપકારી વૃતિ ગુરુની નવમી દષ્ટિ દસમ ભાવ પર પડે છે તેથી કરી શકે છે. તેમની કુંડળીમાં ચોથા ભાવમાં ગુરુના ઘરનો શનિ હોવાથી તે પોતાના નાનામાં નાના કર્મચારીઓનું ધ્યાન રાખે છે અને ધનેશ શનિ પણ ચોથે ગુરુના ઘરમાં છે તેથી ન્યાયનું અને મહેનતનું ધન કમાય છે.
આપણો દેશ ભારત જ્યારે કોરોના વાઈરસની મહામારીના કપરા સમય સામે લડી રહ્યો હતો ત્યારે રતન ટાટાએ ૫૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું તથા તેમની કંપની ટાટા સન્સે ૧૦૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું તેમ ટોટલ ૧૫૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યા પછી પણ શ્રી રતન ટાટા એમ કહે છે કે “જો મારે મારા ભારત દેશ માટે મારી બધી જ સંપતિ આપી દેવી પડશે ને તો હું એ પણ કરવા તૈયાર છું” આવા મહાન વ્યકિતની મહાન વિચારધારાથી હું એ હદે પ્રભાવિત થયો હતો કે તેમના વિશે લખવા પર મારી જાતને રોકી ના શકયો.અમે બધા મિત્રોએ નિર્ણય લીધો છે કે અમે કંઈ પણ ખરીદીશું તો એ “TATA” ની બ્રાન્ડ જ ખરીદીશું”. #ratantata
રતન ટાટા ની મહાનતાનો એક પ્રસંગ અહીં ટાંકું છું.
મુંબઈની તાજ હોટેલ માં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે હોટેલમાં આવેલ કેટલાક યાત્રી,વેઈટર તથા હોટેલ કર્મચારીઓ ની હત્યા થઈ હતી. એ સિવાય હોટેલની બહાર ઉભેલા ખૂમચા લારી વાળા લોકો પણ મૃત્યુ પામ્યા હતા.
આ બધું થયા પછી સર રતન ટાટાએ એક મિટિંગ બોલાવી અને કોન્ફરન્સ રૂમમાં જઈને તેમના સ્ટાફ ને કહ્યું કે “હું તમને પાંચ મિનિટ આપું છું.તમે લોકો એ વિચારી લો કે આપણી હોટેલમાં જે લોકો મૃત્યુ પામ્યા અને હોટેલની બહાર જે લોકો મૃત્યુ પામ્યા એ લોકો માટે આપણે શું કરી શકીએ?
સર શ્રી રતન ટાટા પાંચ મિનિટ પછી આવ્યા એટલે બધાએ અલગ અલગ તર્ક આપ્યા કે આપણે તે લોકોના પરિવારજનોને પાંચ લાખ આપીએ તો કોઈએ કહ્યું કે તેમના પરિવાર માટે આપણે એક શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ગોઠવીએ.એમ દરેક લોકોએ પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક આપ્યા
પછી સર શ્રી રતન ટાટા બોલ્યા કે હોટેલમાં મૃત્યુ પામેલા અને હોટેલની બહાર મૃત્યુ પામેલા દરેક ના પરિવારમાંથી દરેક જણને આપણી કંપનીમાં નોકરી આપો.એ લોકોના પરિવારજનો માં જેટલા બાળકો છે તે બધાને ભણવું હોય ત્યાં સુધી ટાટા તરફથી એજ્યુકેશન આપો.પરિવારના દરેક સભ્યો ની ટાટા તરફથી પોલિસી ઉતારો અને તેનું પ્રીમિયમ ટાટા ભરશે. બોલો સર શ્રી રતન ટાટા જેવું કોઈ કરી શકે ?
સર શ્રી રતન ટાટા ૯ ઓક્ટોબર ૨૦૨૪ આપણા સૌને ઘણું બધું શીખવીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા અને સ્વર્ગવાસ પામ્યા.આ આર્ટિકલ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાના ભાગ રૂપે લખ્યો છે.આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ સર શ્રી રતન ટાટાને ઈશ્વર સદગતિ આપે અને તેમના ચરણોમાં રાખે.
બોલો જય બહુચર માં.