29 C
Ahmedabad
Friday, September 20, 2024

શું નોટો-પૈસા કે લક્ષ્મીને ઉડાડવી જોઈએ?

મને એકવાર મારા અંગત મિત્રએ પ્રશ્ન પૂછયો હતો કે વિશાલ, શું નોટો ઉડાડવી જોઈએ ? શું લક્ષ્મીને ઉડાડાય ? મેં એને કહ્યું કે કમાયેલી લક્ષ્મી સારા કર્મોમાં વપરાય પણ વધારે પડતા મોજશોખ કરવામાં ઉડાવીએ તેને પૈસા ઉડાડયા કહેવાય.

તેણે મને સ્પષ્ટીકરણ કરતા કહ્યું કે ના હું એમ નથી કહેતો. હું એમ કહું છું કે કથાકારો અને કલાકારો ઉપર લોકો નોટો ઉડાડતા હોય છે શું તેમ કરવું જોઈએ ? મેં કીધું નોટો એ માત્ર કાગળ નથી પણ લક્ષ્મી છે જેનો ઉપયોગ કરીને આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને સારું જીવન જીવીએ છે. નોટો ઉડાડવી એ ખરેખર દેવી ‘લક્ષ્મી” નું અપમાન છે.આજના યુગમાં ડાયરાઓમાં, ભજનોમાં, કથાઓમાં નોટો ઉડાડીને લક્ષ્મીનું અપમાન કરવામાં આવે છે જે ખરેખર ખોટું છે. ડાયરા, ભજન કરતા કલાકારો અને કથાકારોની ઉપર સાક્ષાત્ દેવી સરસ્વતીના આશીર્વાદ હોય છે અને દેવી સરસ્વતીનું સન્માન ફૂલોથી વધાવીને કરાય,લક્ષ્મીનું અપમાન કરીને નહી.

કાશ ! આ બધું પૈસાના અહંકારમાં આવેલો માનવી સમજી શક્યો હોત.એ છતાં વ્યાસપીઠ પર બિરાજમાન જ્ઞાની કથાકારો અને દેવી સરસ્વતી જેને વરેલી છે તેવા કલાકારો આ સત્ય લોકોને સમજાવતા નથી તે બાબતને લઈને મને ઘણો ખેદ છે.એ સિવાય પણ લગ્ન પ્રસંગોમાં અને માંગલિક પ્રસંગોમાં લોકો નોટો ઉડાડતા હોય છે. નોટો ( લક્ષ્મી ) લોકોના પગમાં આવતી હોય છે. આ દેવી લક્ષ્મીનું અપમાન થાય એવી પ્રથા ખરેખર બંધ થવી જોઈએ.

આપણે મંદિરમાં પણ જઈએ છે ત્યારે ત્યાં બોર્ડ મારેલું હોય છે કે “કોઈએ પણ છૂટા પૈસા ફેંકવા નહી, દાનપેટીમાં નાંખવા.” મારા એક બ્રાહ્મણ મિત્ર છે. મેં તેમને આ અંગે પૂછયું હતું કે શું નોટો ઉડાડવી જોઈએ ? તેમણે મને કહ્યું કે આ પ્રથા કેટલાક લોકોએ ચાલુ કરેલી છે અને તે ચાલી જ આવી છે પણ ખરેખર આમ ના થવું જોઈએ.

મારા એક ગઢવી મિત્ર છે તેઓ ગાયક અને સાહિત્યકાર છે. તેમણે મને કહ્યું કે મારા દરેક પોગ્રામમાં મારા ચાહકો અને પ્રેક્ષકો મારું સન્માન કરવા હેતુ મને ફૂલોથી વધાવે છે.તેમને મને પૈસા આપવા પણ હોય તો હાથમાં આપે છે અથવા તેઓ લક્ષ્મીને ડબ્બામાં મૂકે છે. મારા પોગ્રામમાં નોટો ઉડાડવાની હું ચોખ્ખી ના પાડી દઉં છું.

ગઢવી સાહેબ આગળ કહે છે કે અમે ગૌ માતા માટે, દીકરીઓ માટે અને દિવ્યાંગો માટે ઘણા પોગ્રામો કરીએ છે પણ અમે એક પેટી રાખીએ છે જેમાં સૌ કોઈ યથાશક્તિ દાન આપી જતા હોય છે. અમે આ બધા નાણા ગૌ માતા, દીકરીઓ અને દિવ્યાંગો માટે ઉપયોગ કરતા હોઈએ છે.

આ લેખ લખીને મારો કોઈ પણ કથાકાર,કલાકાર કે લોકોની લાગણીને દુભાવવાનો કોઈ પ્રયાસ નથી.તે છતાંય મારાથી આ લેખમાં કંઈ પણ ખોટું લખાઈ ગયું હોય તો હું આપ સર્વની માફી માંગું છું.મારો હેતુ એટલો જ છે કે દેવી લક્ષ્મીનું અપમાન ના થાય અને દેવી સરસ્વતીનું સન્માન જળવાય તેનું આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ.

અંતે એટલું કહીશ કે જે લક્ષ્મીનું આપણે ધનતેરસે પૂજન કરીએ છે તેને આપણે ઉડાડીએ શું તે વ્યાજબી છે ? હું આશા રાખું છું કે કલાકારો અને કથાકારોનું સન્માન આપણે ફૂલોથી કરીએ છે કારણકે કલાકારો અને કથાકારો એ મહાન વ્યક્તિઓ છે કે જેમના કારણે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણને બે ઘડી બધું જ ભૂલીને હસવાનો અને આનંદ કરવાનો મોકો મળે છે.આવો આપણે કથાકારો અને કલાકારોનું બહુમાન નોટોથી કરવાને બદલે પુષ્પોથી કરીએ.એક નવી શરૂઆત કરીએ.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page