28 C
Ahmedabad
Thursday, September 12, 2024

જાણો અક્ષય તૃતીયાનું અનેરું મહત્વ.

અક્ષય અર્થાત્ જેનો ક્ષય ( નાશ ) થતો નથી તે અક્ષય છે. અક્ષય શબ્દના ઘણા અર્થ થાય છે જેમ કે શાશ્વત, અજોડ, અતૂટ, અવિનાશી, અખંડ વગેરે થાય છે.

અખાત્રીજ અપભ્રંશ થયેલો શબ્દ છે મૂળ શબ્દ આખી ત્રીજ તેમ થાય છે.

જયારે વૃષભ રાશિમાં ઉચ્ચનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય અને સૂર્ય પણ મેષ રાશિમાં ઉચ્ચનો હોય તો તે દિવસે અખાત્રીજ હોય છે.

અક્ષય તૃતીયાના દિવસે કરેલું દરેક કાર્ય સફળ થાય છે જેમકે નવો ધંધો રોજગાર શરૂ કરવો, નવું ઘર લીધુ હોય તો ઘડો મૂકવો, ઘરે કે કાર્યસ્થળે કોઈ શુભ કર્મ કરવું વગેરે.

અખાત્રીજના શુભ દિવસે લક્ષ્મી-વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે સોનું-ચાંદી ખરીદવાથી સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. અખાત્રીજના દિવસે લગ્નપ્રસંગ પણ એટલે લેવાતા હોય છે કે દાંપત્યજીવનનું અક્ષય સુખ મળે.

વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનું પૃથ્વી પર આ શુભ દિવસે અવતરણ થયું હતું તેમ વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ મળે છે. હયગ્રીવ અને નર નારાયણ અવતાર પણ આ જ દિવસે થયો હતો તેમ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે.

અખાત્રીજના દિવસે માઁ અન્નપૂર્ણાની ઉત્પતિ થઈ હતી. બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું અવતરણ થયું હતું. મહાદેવજી દ્વારા કુબેરને સ્વર્ગનું ખજાનચી પદ પ્રાપ્ત થયું હતું.પૃથ્વી પર માતા ગંગાનું આગમન થયું હતું.સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અને દ્વાપર યુગનું સમાપન થયું હતું.

સૂર્યદેવ દ્વારા પાંડવોને અક્ષયપાત્ર મળ્યું હતું. આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું. મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને આગળ રાખીને મહાભારત લખવાની શરૂઆત કરી હતી.

આદિગુરુ શંકરાચાર્યે કનકધારા સ્તોત્રની રચના કરીને માઁ મહાલક્ષ્મીજીની સ્તુતિ કરીને આ દિવસે એક ગરીબના ત્યાં સોનાના આંબળાનો વરસાદ કર્યો હતો.

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં આ શુભ દિવસે શ્રી કૃષ્ણના ચરણકમળના દર્શન થાય છે. જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથના રથો બનાવવાનું આરંભ આ દિવસે કરવામાં આવે છે.કેદારનાથ તથા બદ્રીનાથ મંદિરના કપાટ પણ આ શુભ દિવસે ખૂલે છે.

જૈનો આ શુભ દિવસે વર્ષીતપના પારણા કરે. જૈનોના ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાને એ એક વખત વર્ષીતપ કર્યુ ત્યારે “અખાત્રીજે” શેરડીનો રસ પીને વર્ષીતપના પારણા કર્યા હતા.

આરાસુરી અંબાજી ધામમાં અખાત્રીજના શુભ દિવસે અરીસા દ્વારા સૂર્યનારાયણ ભગવાનના કિરણો ગર્ભગૃહ પાડવામાં આવે છે. એનો અર્થ એમ થાય છે કે સૂર્યનારાયણ ભગવાન આ દિવસે માતાજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે.

આ શુભ દિવસે યજ્ઞ, જપ, તપ અને જરૂરિયાતમંદોને વિશેષ દાન કરવું જોઈએ. બ્રાહ્મણને સીધુ સામગ્રી આપવા જોઈએ. વસ્ત્રદાન કરવું જોઈએ. તેઓ ખૂબ જ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે દક્ષિણા આપવી જોઈએ.

આ વર્ષે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ શુક્રવારે  છે. એક દીવો તમારા મહાલક્ષ્મીજી નો કરીને કમળ અથવા ગુલાબ નું પુષ્પ ચડાવીને, દાડમનો પ્રસાદ ધરાવીને, મોગરાનું અત્તર છાંટીને, ચંદન-કુમકુમનું તિલક કરીને, સુગંધિત ધૂપ કરીને, લાલ ઉનના આસન પર બેસીને, અગિયાર વખત મહાલક્ષ્મી અષ્ટકમ અથવા શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ.

આ સાથે કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને સાથે સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરવામાં આવે તો લક્ષ્મી વિષ્ણુ ની અક્ષય કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યકિતની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,567FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page