આ લેખ આજથી છ વર્ષ પહેલા લખ્યો હતો .ખૂબ મજા આવશે ધ્યાનથી વાંચજો.
પરિતા ભાવસાર -એક બાર વર્ષની દીકરી.અત્યારે અઢાર વર્ષની છે.
આ દીકરી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે એની મમ્મી હિરલબેન ભાવસાર સાથે અમદાવાદના નવાપુરાના જૂના બહુચરાજી મંદિરે દરરોજ સાંજે સ્તુતિ અને આરતીમાં જતી.
બાળક સ્વભાવે એ અન્ય દીકરીઓ સાથે મંદિરે જઈને રમતી પણ એની મમ્મી સ્તુતિ કરવા બેસે એટલે એને પણ સ્તુતિમાં જીવ લાગ્યો.
સૌથી પહેલા પરિતા એની મમ્મી સાથે ચોપડી લઈને બેસતી પણ મંદિરે નિત્ય સ્તુતિ કરવા આવતા હિતેશભાઈ મહેતાએ કહ્યું કે ના ના ચોપડી રહેવા દો. મારી જોડે જોડે બોલશે એટલે એને આવડી જશે.
હવે આપણે સૌએ આ વાતનો ગર્વ કરવો જોઈએ કે બાર વર્ષની દીકરી પરિતા ને નવાપુરાના જૂના બહુચરમાંના મંદિરે ગવાતી સ્તુતિ અને છંદો મોઢે કડકડાટ આવડે છે અને આનંદનો ગરબો પણ કડકડાટ આવડે છે. કેવું ગજબ કહેવાય નહી ! આટલી નાની ઉંમરે માં બહુચરની ભક્તિ ચઢી ગઈ !! We all are proud of you Parita & you deserve it.
આ દીકરી ત્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. દીકરીને વેકેશન ચાલતું હોવાથી ટીવીમાં કોઈ ચેનલ પર રાધાકૃષ્ણની સિરિયલ આવે છે અને સિરિયલ આ દીકરી જોવે. આ દીકરીએ સિરિયલ ના કોઈ એપિસોડમાં એવું જોયું કે શ્રી કૃષ્ણે બકાસુરનો વધ કર્યો.
દીકરી પરિતાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, બકાસુરને તો જગદંબા એ માર્યો તો આ સિરિયલમાં કેમ આવું બતાવે છે કે બકાસુરને શ્રી કૃષ્ણે માર્યો એટલે એની મમ્મીએ કહ્યું તને કેવી રીતે ખબર કે બકાસુર ને જગદંબાએ માર્યો એટલે એણે કહ્યું કે મંદિરે જે સ્તુતિ કરું છું એ સ્તુતિમાં તો એવું આવે છે કે
રકતબીજ રકતન મે રોળ્યો ધૂમ્રલોચન તે માર્યો .
અકાસુર માર્યો બકાસુર માર્યો જો માર્યો મહિષાસુર રે….
એની મમ્મીને પણ આ સ્તુતિ આવડે એટલે એની મમ્મીએ કહ્યું તારી વાત તો સાચી છે પણ આ તર્ક તો મને પણ નથી સમજાતું અને હું કંઇ તને ખોટું શિખવાડું એના કરતા મને કંઈક વિચારવા દે. એટલામાં દીકરી પરિતા બોલી કે વિશાલ અંકલ બહુચર માં ના લેખ લખે છે તો એમને ખબર હશે. મમ્મી, તું એમને પૂછને.
હિરલબેનનો મારી પર ફોન આયો અને મને આ વાત વિશે પૂછ્યું કે સિરિયલ માં શ્રી કૃષ્ણે બકાસુર ને માર્યો એવું બતાવે છે અને સ્તુતિ માં એવું આવે છે કે બકાસુરને જગદંબાએ માર્યો એટલે મેં કીધું હમણાં થોડો કામમાં છું થોડી વાર પછી કોલ કરીને સમજાવું.
હવે કહું હું કંઈ એટલો જ્ઞાની નથી કે મને બધુ જ ખબર હોય. આ તો બધુ ધર્મગ્રંથો વાંચી વાંચીને કે વિદ્વાન બ્રાહ્મણોની સંગત માં રહીને થોડું ઘણું ખબર હોય અને આ રોજ શ્રી બહુચર માં જે બુદ્ધિ આપે એ લખું બાકી જ્ઞાનીઓની સભામાં જો મને લઈ જવામાં આવે તો શ્રી બહુચરમાં ની કૃપા વગર હું પૂર્ણ મૂર્ખ છુ પણ હા મને એટલું ખબર છે કે દરેક સવાલનો જવાબ મારી બહુચર માં ના આનંદના ગરબામાં છે
એટલે મે પરિતા દીકરીને ફોન કર્યો અને કહ્યું કે બકાસુર ને માર્યો તો શ્રી જગદંબાએ જ પણ નિમિત શ્રી કૃષ્ણને બનાવ્યા. મને એણે પૂછ્યું કે એ કેવી રીતે ? તો મેં કહ્યું શ્રી કૃષ્ણ પાસે જે કંઈ શકિત હતી એ માં જગદંબાએ આપી હતી.હવે એણે ફરીથી પૂછ્યું કે એવું કેવી રીતે ?
એટલે મે કહ્યું આનંદનો ગરબો આવડે છે તો કે હા ! મેં કહ્યું કે એમાં કૃષ્ણ નો ઉલ્લેખ ક્યાંય આવે છે ? તો એણે કહ્યું હા. મેં કહ્યું એ કડી બોલજે તો તે બોલી.
કૃષ્ણ કૃષ્ણ અવતાર કળી કારણ કીધું માં ,
ભકિત મુકિત દાતાર થઈ દર્શન દીધું માં.
આ પંક્તિ નો અર્થ એમ થાય છે કે હે માં બહુચર ! આપે કળીકાળ નિમિત્તે શ્રી કૃષ્ણ સ્વરુપે અવતાર લઈને દર્શન આપીને ભકિત અને મુકિત ના દાતાર થયા.
વાંચકો, કંસના કહેરે શ્રી દેવકીજીના સાત સાત બાળકો નો ભોગ લીધો આ નાના બાળકોનો ભોગ લીધો એ માં જગદંબાને કેવી રીતે ગમે ? આઠમું સંતાન શ્રી કૃષ્ણે શ્રી દેવકીજીના કૂખે મથુરામાં જન્મ લીધો અને ગોકુળમાં યોગમાયા સ્વરુપે કાલિકા શ્રી યશોદાજીના ગર્ભથી અવતર્યા.
કાલરાત્રિના સમયે યોગમાયાને જે નાની બાળકી સ્વરુપે હોય છે એ બાળકીને લઈને શ્રી વસુદેવજી મથુરા આવે છે ત્યારે તેઓ શ્રી કૃષ્ણને ત્યાંથી લઈ જાય છે અને યોગમાયા ને ત્યાં મૂકી જાય છે. ક્રૂર કંસને જ્યારે ખબર પડે છે કે દેવકીનું આઠમું સંતાન જન્મ લીધો છે ત્યારે તેને મારવા જાય છે.
યોગમાયા (નાની બાળકી) ને કંસ હાથમાં લઈને પથ્થર પર પછાડવા જાય છે ત્યાં યોગમાયા રૂપે રહેલા કાલિકા આકાશમાં ઉડી જાય છે અને આકાશવાણી થાય છે કે “તારો વધ કરનાર તો કયારનો ગોકુળ પહોંચી ગયો છે” આ યોગમાયા ઉડીને વિંધ્ય પર્વત પર વાસ કરે છે જે વિંધ્યવાસિની કહેવાય છે આજે પણ વિંધ્ય પર્વત વિંધ્યવાસિની નું મંદિર છે.
નંદજીની પુત્રી હોવાને કારણે નંદજા તરીકે પણ પૂજાય છે તથા શ્રી કૃષ્ણના બહેન હોવાથી એ કૃષ્ણ અનુજા પણ કહેવાય છે.
આમ મારો કહેવાનો મતલબ અહીં એમ થાય છે કે શ્રી કૃષ્ણની પાસે જે કંઈ પણ શક્તિઓ હતી તે જગદંબાની કૃપાથી હતી.શ્રી કૃષ્ણ જગદંબાના અતિપ્રિય હતા.
શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી હરસિદ્ધિ માતા છે.શ્રી કૃષ્ણ ભગવાનની બાબરી ગુજરાતના અંબાજી શક્તિપીઠ ઉતરી હતી તેના પુરાવા આજે પણ અંબાજીમાં છે.
હંમેશા માં આદિ પરાશકિતએ માતા, બહેન, સખી, પ્રેમિકા, પત્ની, પુત્રી વગેરે બનીને શ્રી કૃષ્ણને આશીર્વાદ અને અખૂટ શકિત આપ્યા છે.
બોલો જય જગદંબા.
જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માં.