29 C
Ahmedabad
Thursday, September 19, 2024

સુખી થવાની ચાવી…

આ પૃથ્વી પરનો મનુષ્ય કોઈકને કોઈક રીતે દુ:ખી હોય છે. કેટલાય લોકો તેમની જન્મકુંડળી મને બતાવવા આવે ત્યારે અનેક પ્રકારના દુ:ખો લઈને આવ્યા હોય છે. આ દુ:ખોના લિસ્ટ લખું તો કોઈને ધનનું દુ:ખ હોય,કોઈને તનનું દુ:ખ હોય, કોઈને મનનું દુ:ખ હોય, કોઈને પત્નીનું દુ:ખ હોય, કોઈને સંતાનનું દુખ હોય તો કોઈને દુશ્મનનું ! ઘણીવાર આ દુ:ખો એ હદે હાવી થઈ જતા હોય છે કે એ સમાપ્ત થવાનું નામ નથી લેતા.

કયારેક કોઈ મનુષ્ય જીવનમાં એ રીતે કંટાળી ગયો હોય છે તે “આત્મહત્યા” ના વિચારો કરવા માંડે છે.કોઈ રસ્તો નથી મળતો ત્યારે માણસ ફસાય છે. કોઈને કશું પણ કહી નથી શકતો.આવા કપરા સમયમાં એની કોણ મદદ કરે ! પરિવારના,સમાજના કે નિકટના લોકોના મેણા ટોણા સાંભળીને કે દુનિયાની વાતોથી કંટાળીને મનુષ્ય સંકોચાય છે, અપમાનિત થાય છે, પોતાની જાતને કોષવા માંડે છે ને પોતાના જીવનને અભાગ્યું ગણવા માંગે છે.

જેમ દરેક તાળાની એક ચાવી હોય છે તેમ આ બધા દુ:ખોમાંથી મુકત થવાની અને સુખી થવાની એક ચાવી છે તે છે “જ્ઞાન” ! જયારે માણસને “જ્ઞાન” પ્રાપ્ત થવા માંડે ત્યારે વ્યકિત ધીમે ધીમે દુ:ખમાંથી સુખ તરફ ગતિ કરવા માંડે છે.તેના દરેક પ્રશ્નોના જવાબ ધીમે ધીમે મળતા જાય છે.

તમારા કોઈ પણ દુ:ખનું સમાધાન તમે પોતે જ “જ્ઞાન” દ્વારા દૂર કરી શકો છો એના માટે તમારે જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પુસ્તકો વાંચવા પડે,જ્ઞાનીઓ અને વિદ્વાનોના સંપર્કમાં રહેવું પડે,કંઈ પણ નવું શીખવાની અને જાણવાની ધગશ હોવી જોઈએ,ખૂબ જ પરિશ્રમ કરવો પડે,ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના ચઢાણ મજબૂત હોવા જોઈએ,કોઈ પણ બાબતને લગતો તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ.

મારો એક મિત્ર મને કહેતો હતો કે વિશાલ, ગુગલ પાસે બધા સવાલોના જવાબ મળે.મેં એને કહ્યું કે જયારે તારા કોઈ સવાલનો જવાબ ગુગલ ના આપી શકે ત્યારે મારી જોડે આવજે. એક દિવસ આવ્યો પણ ખરી ! ત્યારે મેં એને કહ્યું કે વ્યકિતના દરેક સવાલના જવાબ “ધર્મગ્રંથો”માંથી પહેલા મળે પછી ગુગલમાંથી મળે અને ગુગલ કદાચ ઈચ્છે તો પણ તેના ડેટામાં અસંખ્ય સવાલોના અઅસંખ્ય જવાબો કયારેય ફિટ ના કરી શકે.

એવું કયારેય ના માનશો કે તમે ધર્મગ્રંથો વાંચીને “જ્ઞાની” થઈ જશો કારણકે જો શાસ્ત્રોના જ્ઞાનથી જ પરમ જ્ઞાની બની જવાતું હોત તો આખા વિશ્વના વિદ્યાલયમાં ભગવાન મહાવીર,ગૌતમ બુદ્ધ, શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ઉત્તમ જ્ઞાનીઓ દર વર્ષે યુનિવર્સિટીની ડિગ્રી લઈને બહાર આવતા હોત પણ આ મહાનુભાવોએ ઈશ્વરના તપ,જાપ અને ભકિત દ્વારા “બ્રહ્મજ્ઞાન” પ્રાપ્ત કર્યું હતું.

ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ જયારે દુ:ખી હતા ત્યારે સંસાર છોડી જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા અને જયારે જ્ઞાન ઉદભવ્યું ત્યારે ગામમાં પરત આવીને જ્ઞાન વહેંચવા લાગ્યા કારણકે જ્ઞાન વહેંચવાથી વધે છે અને તેનાથી વ્યકિત સુખ ( પરમ આનંદ ) પામે છે.

તમે કોઈને સુખી થવાની એક “ચાવી” આપી તો જુઓ,ઈશ્વર તમને સુખી કરવા માટે અનેક “ચાવીઓના ઝૂમખા” આપશે એમ જાણીને આ આર્ટિકલ તમારા મિત્રો તથા સ્નેહીજનો સુધી પહોંચાડજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page