જયારે સ્વર્ગલોક,પૃથ્વીલોક,પાતાળલોક એમ ત્રણે લોક નહોતા,સમગ્ર બ્રહ્માંડ નહોતું ત્યારે માત્ર “શૂન્ય” હતું. કહેવત છે કે શૂન્યથી સર્જન થાય છે અને શૂન્યથી શરૂઆત થાય છે.
અંકશાસ્ત્રમાં ૧ થી ૯ સુધીના અંકો હોય છે એ દરેક અંકો નવ ગ્રહોની અસર હેઠળ આવે છે પણ અંકશાસ્ત્રમાં ૦ ( શૂન્ય ) ને ગણવામાં આવતો નથી અને તે કોઈ ગ્રહની અસર હેઠળ આવતો નથી તેવો વિશેષ મત રહ્યો છે તો શૂન્યનું મૂલ્ય શું છે ?
હકીકતમાં શૂન્ય અનંત છે.શૂન્યમાં ઈશ્વરની શકિત રહેલી છે જેથી તે અમૂલ્ય છે.શૂન્ય એક એવો અંક છે જે સ્વયં દરેક અંક સાથે જોડાઈને એ અંકોને લગતા ગ્રહોનું બળ વધારે છે.તમે કોઈ પણ અંકની અસર હેઠળ આવતા હોય તમારે તમારા જીવનમાં પ્રગતિ કરવા “શૂન્ય” થવું જરૂરી છે.
ધારો કે તમે ૧, ૧૦, ૧૯, ૨૮ તારીખે જન્મયા હોય તો તમે સૂર્યની અસર હેઠળ આવો છો.સૂર્ય એટલે પ્રતિભા, પવિત્રતા, પ્રામાણિકતા, પ્રતિષ્ઠા.આ સૂર્યના હકારાત્મક લક્ષણો કહ્યા પરંતુ જેમ દરેક વ્યકિતના હકારાત્મક લક્ષણો હોય છે તેમ તેનામાં કંઈક નકારાત્મક લક્ષણો પણ હોય છે તેવું કંઈક ગ્રહોનું છે જેમ કે સૂર્યનું નકારાત્મક પાસુ અહમ (EGO) છે તેથી તમારે તમારા અંક ૧ ( સૂર્ય ) નું સંપૂર્ણ ફળ મેળવવા EGO( અહંકાર ) ને “શૂન્ય” કરવાની જરૂર છે.આવી જ રીતે દરેક ગ્રહોના બંને બાજુના આવા જ મહત્વના પાસા હોય છે.
મારા અભ્યાસ મુજબ અંક શૂન્ય એટલે એવી અનંત શકિત છે જે “કેતુ” ની અસર હેઠળ આવે છે.જયારે વ્યકિત પૂર્ણત:શૂન્ય થાય છે ત્યારે તે “મોક્ષ”ની ગતિને પામે છે જયાં જયોતિષશાસ્ત્રમાં પણ કેતુને મોક્ષ આપનાર કહ્યો છે.કેતુ વ્યકિતને ચક્રવર્તી બનાવે છે.કેતુ પ્રસન્ન થાય તો તમારો વિજય ધ્વજ લહેરાય છે.કેતુ એક શકિતશાળી ગ્રહ છે.કેતુની શકિતનો ધોધ “શૂન્ય” થનારાને પ્રાપ્ત થાય છે.
“Always be a Good Learner”( હંમેશા સારું શીખનાર બનો ). આ “શૂન્ય”ની વિશેષ ખાસિયત છે. જેનો શીખવાનો, સમજવાનો,સાંભળવાનો એમ સમર્પિત થવાનો સ્વભાવ હોય છે એને “શૂન્ય” નું બળ ( ઈશ્વરીય શકિત ) પ્રાપ્ત થાય છે. એ વ્યકિત “શૂન્ય” થઈને જેની પણ સાથે રહે હંમેશા એનું મૂલ્ય વધારે છે.
દુર્ગાસપ્તશતી ચંડીપાઠમાં દેવી અથર્વશીર્ષમાં આદિ પરાશકિતને “શૂન્યાનાં શૂન્યસાક્ષિણી” કહી છે અર્થાત્ માં ભગવતી શૂન્યની સાક્ષી છે,દેવી શૂન્યને ઉત્પન્ન કરનારી છે.મહાભારતમાં ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણને “શૂન્ય” કહે છે.શિવપુરાણમાં શિવને “નિરાકાર શૂન્ય” કહ્યા છે.
આદિગુરુ શંકરાચાર્ય “શૂન્ય”નું મહત્વ વર્ણવતા કહે છે કે “સર્વવિશેષરહિતત્વાત શૂન્યવત: શૂન્યઃ” ( સર્વ વિશેષણો તથા ગુણોથી રહિત જે શૂન્યવત છે તે “શૂન્ય” છે ). ભારતવર્ષમાં શૂન્યની શોધ કરનાર ગણિતજ્ઞ આર્યભટ્ટે પણ “શૂન્ય”નો અવિરત મહિમા વર્ણવ્યો છે.
કોઈ કરોડપતિ હોય,સમૃદ્ધ હોય, પ્રતિષ્ઠિત હોય અથવા એના જીવનમાં તમામ પ્રકારના સુખ હોય તો એમાં સર્વત્ર “શૂન્યની શકિત” રહેલી છે. શૂન્ય એ બ્રહ્માંડની એવી ઉર્જા છે જે હંમેશા વ્યકિતમાં શેષ વિશેષ શકિત પ્રદાન કરતું હોય છે.
માનો કે તમારા મોબાઈલ પર એક મેસેજ આવે છે કે તમારા ખાતામાં ૧૦૦ રૂપિયા જમા થયા છે તો તમને ખુશી થશે પણ જો એવો મેસેજ આવે કે તમારા ખાતામાં ૧૦૦૦૦૦ ( એક લાખ ) રૂપિયા જમા થયા છે તો તમારી ખુશીનો કોઈ પાર નહી રહે તેથી કહી શકાય કે શૂન્યની શકિત “દુર્લભ” છે.
તમે તમારો પ્રારંભ શૂન્યથી શરૂ કરીને ચોકકસ વિશાળ બની શકો છો પણ એક વાત ચોકક્સ યાદ રાખજો કે “TO BE A HERO,FIRST MAKE YOURSELF “ZERO”( હીરો બનવા માટે તમારી જાતને પહેલા ઝીરો ( “શૂન્ય” ) કરી દો )
જય બહુચર માં.