જયોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો અને સત્યાવીસ નક્ષત્રો હોય છે જેનો સરવાળો કરો તો અંક નવ આવે છે. અંકશાસ્ત્રમાં એક થી નવ નંબર ને મહત્વ આપ્યું છે તથા શૂન્યને અંકશાસ્ત્રી કીરોએ તેમની અનુક્રમણિકામાં સ્થાન આપ્યું છે. કાળપુરુષની કુંડળીમાં જે નવમું સ્થાન હોય છે તેને ધર્મ, ધાર્મિક યાત્રા, ભાગ્ય, તપ, યોગ, દાન, મંદિર વગેરે સાથે લેણાદેણી ગણાવી છે.
નવખંડ હોય, નવરાત્રી હોય, નવચંડી યજ્ઞ હોય, નવધા ભક્તિ હોય એમ બધે નવની બોલબાલા છે. તેનું સાચું કારણ કહું તો આ બધા શબ્દો મમ અંતરથી નીકળતા હોય તેમ કે આ બધા નવની ઉપર માં નવદુર્ગાના આશીર્વાદ છે. જે વ્યક્તિ માં નવદુર્ગાનું નવ દિવસ પૂજા, આરતી, અનુષ્ઠાન કરે છે તેનું ભાગ્ય ખીલે છે, તેના તપનું બળ વધે છે, તે દાન કરી શકે તેવો ધની થાય છે. તે ધાર્મિક યાત્રા કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકે છે, તેનામાં તેટલી શક્તિ આવી જાય છે કે તે કોઈ મંદિરનું નિર્માણ કરી શકે છે અથવા કોઈ મંદિરના નિર્માણમાં પોતાનો યથાશક્તિ ફાળો આપી શકે છે.
આ શક્તિ ત્યારે આવે જયારે અંક નવની તમારા પર કૃપા થાય. કહેવાય છે કે અંક નવનો સીધો સંબંધ મંગળ સાથે છે. મંગળ વીરતા, સાહસ, પરાક્રમ, શક્તિ, જુસ્સાનો કારક છે. મંગળનો બીજો અર્થ કલ્યાણ પણ થાય છે. પ્રાચીન ગ્રંથોમાં મંગળને ખૂબ જ પવિત્ર કહ્યો છે. મંગળ ધરતીનો પુત્ર છે. મંગળના ઈષ્ટદેવી સ્વયં શક્તિ છે.
મારું પોતાનું એક સંશોધન કહું તો બાર રાશિમાં નવમી રાશિ છે તે ધન રાશિ છે તેનો માલિક ગુરુ છે. મારા હિસાબે મંગળ પ્રધાન વ્યકિતએ પોતાના ઉદ્નાર માટે “ગુરુ” બનાવવા જોઈએ.
મંગળ પ્રધાન વ્યકિત એટલે જેની જન્મતારીખ ૯,૧૮,૨૭ હોય તે અથવા જેઓ માંગલિક હોય એટલે કે જેની કુંડળીમાં ૧, ૪, ૭, ૮, ૧૨ ભાવમાં મંગળ હોય તે કહેવાય છે.મંગળ પ્રધાન વ્યકિત કયારેક ઉતાવળિયા નિર્ણય લેતા જોવા મળે છે અને તેનાથી ઘણી વાર ખોટું પરાક્રમ કરી નાંખે છે તેથી આ લોકોએ પોતાના ઉદ્ધાર માટે “ગુરુ” બનાવવા જ કારણકે ગુરુનું કાર્ય રાહ બતાવવાનું છે. “ગુરુ” ના હોય તો “કૃષ્ણ વંદે જગદગુરુ” તો યાદ જ હશે ને !
મારા પરમ મિત્ર નાગર બ્રાહ્મણ શ્રી ઉજ્જવલભાઈ રાવલ કહે છે કે કાળપુરુષની કુંડળીમાં પહેલી રાશિ મેષ રાશિ આવે છે તેનો માલિક મંગળ થાય છે અને જયોતિષશાસ્ત્રમાં મંગળને શક્તિનો કારક કહ્યો છે તેથી તમે જોઈ લો રાશિઓની શરૂઆત પણ શક્તિથી થાય છે.
હવે ધ્યાનથી સમજવા જેવું લખું છું કે જેનો ૯ તારીખે જન્મ થયો હોય તેની ઉપર પૂરેપરી મંગળની કૃપા હોય છે. જેની ૧૮ તારીખ હોય છે તેનામાં સૂર્ય ( ૧ ) , શનિ ( ૮ ) અને મંગળ ( ૯ )ની સીધી અસર થાય છે એટલે આત્મવિશ્વાસ ( સૂર્ય ) અને સાહસ ( મંગળ ) વચ્ચે સંધર્ષ ( શનિ ) કયારેક કારણ વગરના ખાડા ટેકરા ઉભા કરે છે. જેની ૨૭ તારીખ હોય તે લોકો ચંદ્ર ( ૨ ) , નેપચ્યુન ( ૭ ) અને મંગળ ( ૯ ) ના લક્ષણો જોવા મળે છે અર્થાત્ સારા વિચારો ( ચંદ્ર ) , ઉચ્ચ કલ્પનાશક્તિ ( નેપચ્યુન ) અને મંગળ ( સાહસ ) નો સમન્વય થાય છે.જો ચંદ્ર પીડિત હોય તો વ્યકિત નકારાત્મક બાબતોમાં પરાક્રમ કરીને “મંગળ”નું નામ બોળે છે તેમ છતાં મંગળવાળો જાતક અથવા જાતિકા નવની મદદથી એટલે કે નવરાત્રીના નવ દિવસ દેવીના નવ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરીને અંક નવ ( ૯ ) થી નવું નિર્માણ કરી શકે છે.
જય બહુચર માં.