વૈદિક જયોતિષશાસ્ત્રમાં નવગ્રહોનો સમાવેશ કરવામાં વ્યો છે પરંતુ આધુનિક અને મોર્ડન એસ્ટ્રોલોજીએ પ્લુટો, નેપચ્યુન અને હર્ષલ ( યુરેનસ ) ની ઉપર વિશેષ સંશોધન કરીને તેમને બાર રાશિઓના માળખામાં સમાવિષ્ટ કર્યો છે. આ ત્રણે ગ્રહોનો પણ માનવજીવન પર પ્રભાવ જોવા મળે છે.
નેપચ્યુન વિશે મેં અગાઉ વર્ણવ્યુ હતું કે તે પાણી જેવો ગ્રહ છે. નેપચ્યુન ગ્રહ જે તે ગ્રહની સાથે હોય અથવા જે તે રાશિના સ્વામીના ખાનામાં હોય તેવા ગુણધર્મો ધરાવે છે.પ્લુટોને યમ કહે છે.પ્લુટો બગડે તો આતંક ફેલાવે છે અને સુધરેલો હોય તો અનોખી ક્રાંતિ સૂચવે છે.પ્લુટો વિશે પછી કયારેક વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
જયોતિષશાસ્ત્રમાં હર્ષલને તર્ક-વિતર્કથી પ્રથા અને પરંપરા બદલનારો ક્રાંતિકારી ગ્રહ કહ્યો છે.જે જ્ઞાનમાં તર્ક ( Logic ) હોય, જે જ્ઞાનમાં વિજ્ઞાન ( Science ) હોય, સટિક સત્ય ( Truth ) હોય અને Practical ( વ્યવહારુ ) વાત હોય તો જ માનું તે હર્ષલનો ગુણધર્મ છે. એકવાર મારા ગુરુજી શ્રી પંકજભાઈ નાગર સરે મને શીખવ્યું હતું કે બુધને બેવડો કરો તો હર્ષલ થાય.
હર્ષલ પ્રધાન વ્યક્તિઓનો કોઈ પણ બાબત પ્રત્યેનો દષ્ટિકોણ કંઈક અલગ એટલે કે હટકે હોય છે તમારે જોવું હોય તો ૪, ૧૩, ૨૨, ૩૧ તારીખે જન્મેલા જાતકોને જોઈ લેજો કારણકે પ્રખ્યાત અંકશાસ્ત્રી કીરોએ હર્ષલને અંક ૪ સાથે સરખાવ્યો છે.અંક ૪ રાહુનો પણ અંક છે હોં.
હું સ્વતંત્ર છું,મને બંધનમાં બાંધવો નહી,રૂઢિચુસ્ત નિયમો અને સિદ્ધાંતોને અનુસરીશ નહી અને જો મને દબાવવાનો પ્રયત્ન કર્યો તો હું બળવો કરીને બધુ તોડીફોડી નાંખીશ અને જૂનું બધું તોડીને નવું સર્જન જ કરીશ.આવું કંઈક ક્રાંતિકારી વલણ પ્રજાપતિ એટલે કે હર્ષલનું છે.
જન્મકુંડળીમાં હર્ષલ જે ગ્રહની રાશિમાં બેઠો હોય અથવા જે ગ્રહની સાથે શુભત્વ પ્રાપ્ત કરતો હોય ત્યાં તે ચાર ( ૪ ) ગણું સુખ આપે છે. ધારો કે હર્ષલ+બુધ સાથે હોય અથવા હર્ષલ બુધની રાશિમાં હોય તે વ્યક્તિને અતિ બુદ્ધિશાળી માનવો જોઈએ. હર્ષલ ગુરુની સાથે અથવા ગુરુની રાશિમાં હોય તો તે ધાર્મિક ક્ષેત્રે ઉચ્ચકોટિનો વિદ્વાન હોય છે.
હર્ષલ શનિ સાથે હોય અથવા શનિની રાશીમાં હોય તો આધ્યાત્મિક ક્ષેત્રે અનોખી ક્રાંતિ લાવીને જગતને સચોટ અધ્યાત્મનો માર્ગ બતાવનાર સારો માર્ગદર્શક થાય છે.
હર્ષલ સૂર્યની સાથે કે સૂર્યની રાશિમાં હોય તો તે અતિ તેજસ્વી થાય છે અને જો સૂર્ય નીચનો કે અસ્તનો થતો હોય તો તે વિદ્રોહી બને છે.હર્ષલ ચંદ્ર સાથે હોય અથવા ચંદ્રની રાશિમાં હોય તો સૂક્ષ્મ દાર્શનિકતા પામે છે અને જો ચંદ્ર નીચનો કે અસ્તનો થતો હોય તો તેને કાળો જાદુ તથા મેલી ઘેલી પ્રવૃત્તિ કરવા પ્રેરે છે.
હર્ષલ મંગળ સાથે હોય તો તે સારો સેનાપતિ બને છે અને મંગળ ખરાબ થતો હોય ક્રૂર અને આતંકી બને છે.હર્ષલ શુક્રની સાથે હોય અથવા તો શુક્ર્ની રાશિમાં હોય તો તે મનોરંજન જગતમાં, ફૂડ લાઈનમાં કે રહેણીકરણીની બાબતમાં ટ્રેન્ડ બદલે છે પણ જો શુક્ર નીચનો કે અસ્તનો હોય તો ડ્રગ્સ, ચરસ અથવા માદક પદાર્થોનું સેવન કરતો હોય છે.
હર્ષલ ખરાબ હોય તો શિવ ઉપાસના કરવી જોઈએ કારણકે જૂનું વિસર્જન કરીને નવું સર્જન કરનાર તો “શિવ” છે અને હર્ષલ આવું કંઈક “શિવ” પાસેથી આશીર્વાદના રૂપમાં શીખ્યો હશે.
હવે તમારી કુંડળીમાં હર્ષલ કયાં છે તે શોધી કાઢો.
જય બહુચર માં.