પાણી એટલે એક એવું પ્રવાહી કે જેમાં તમે જે રંગ ઉમેરો એવા રંગનું થઈ જાય.નેપચ્યુન પણ કંઈક આવો જ ગ્રહ છે. જે ગ્રહ સાથે યુતિ કરતો હોય અથવા જે રાશિમાં બિરાજમાન હોય અને એ રાશિનો અધિપતિ ભલે ગમે તે ભાવમાં હોય એના જેવા જ ગુણધર્મો પ્રાપ્ત કરે છે.
જે કોઈ ના વિચારી શકતું હોય એવી વિચારધારા કે તર્ક, વિશિષ્ટ બુદ્ધિ, ઉચ્ચત્તમ કલ્પનાશકિત અને નવીનત્તમ રહસ્યમય સંશોધન કે શોધ નેપચ્યુન ગ્રહના પ્રભાવના કારણે થાય છે. અંકશાસ્ત્રમાં ૭ અંક પર નેપચ્યુનનું આધિપત્ય છે. અંક સાતની વિશિષ્ટતા વર્ણવવાની કંઈ જરૂર નથી કારણકે અંક સાત પોતે જ વિશિષ્ટ છે છતાં પણ સાત સમુદ્ર, ઈન્દ્રધનુષ્યના સાત રંગો, સાત ધાન્ય,સાત સુર વગેરે નેપચ્યુનની પારંપારિક દેન છે.
જો તમે કવિ કે લેખક છો, તમે તમારી કલ્પનાશકિતથી કોઈ ના વિચારે તેવું વિચારી શકો છો, તમે તમારી આંતરિક શકિતથી સામેવાળાના મનની વાત જાણી શકો છો, તમે સંશોધન કરીને કોઈ રહસ્યમય બાબતના મૂળ સુધી પહોંચી શકો છો, શોધ, સંશોધન, જાસૂસી અને તર્ક વિતર્કમાં માહેર છો તો સમજો કે તમારી જન્મકુંડળીમાં નેપચ્યુન બળવાન છે.
સીઆઈડી,સીબીઆઈ, ઈન્ટેલિજન્સ બ્યુરો,રો જેવી ભારતની તપાસકર્તા/જાસૂસી એજન્સી (સંસ્થા) માં કાર્ય કરતા દેશના વીરોની જન્મકુંડળીમાં નેપચ્યુનની બહુ મોટી તાકાત હોય છે.નેપચ્યુન ગૂઢ વિદ્યાઓ,અલૌકિક શકિતઓ ( supernatural powers ) પ્રદાન કરે છે એમાં પણ જો શનિ ( અધ્યાત્મ ) અને ગુરુ ( ધર્મ ) ભળી જાય તો આવો જાતક અનેકો પ્રકારની ઈશ્વરીય શકિતથી અન્યના જીવનની પીડાને દૂર કરવાનો રસ્તો બતાવીને પથદર્શક કે માર્ગદર્શક બને છે.
નેપચ્યુનના અશુભ હોવાથી વ્યકિત Pshyco ( મનોરોગી ) બની શકે છે. પોતાની વિચિત્ર કલ્પનાનો સહારો લઈને અન્યને નુકસાન પહોંચાડવું, પોતાના અહંકારના આડે આવતા લોકોનું ખરાબ કરવું, ભ્રષ્ટ બુદ્ધિથી ન કરી શકાય એવા અપરાધો,ગુના કે વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિ કરવી વગેરેને પ્રાધાન્ય આપે છે.
અંકશાસ્ત્રની દષ્ટિએ અંક ૭ જાદુઈ અંક છે.જે વ્યકિતઓ ૭, ૧૬ કે ૨૫ તારીખે જન્મયા હોય છે તે લોકો નેપચ્યુનની અસર હેઠળ આવે છે. આ વ્યકિતઓ જે પ્રકારનું જાદુ ( Magic ) કરે છે તેવું કોઈ અન્ય નથી કરી શકતા. આ જાતકોની વિચારધારા બીજા કરતા અલગ હોય છે. આવા જાતકો ઈશ્વરની કૃપાથી કેટલીય ગૂઢ વિદ્યાઓના જાણકાર હોય છે.
નેપચ્યુન જળ તત્વનો ગ્રહ છે. જળતત્વની રાશી મીનને પોતાનું ઘર માને છે તથા ગુરુને પોતાના પરિવારનો સભ્ય ગણે છે જો કે મીન રાશી મૂળ તો ગુરુની જ છે પણ મીન રાશિમાં નેપચ્યુન અથવા કુંડળીમાં ગુરુ સાથેનો નેપચ્યુનનો સંબંધ મારા અભ્યાસ મુજબ અતિશુભ કહેવો યોગ્ય છે.
જન્મકુંડળીમાં નેપચ્યુન જો ત્રિકોણમાં કે કેન્દ્રમાં હોય તો શુભ ફળદાયી સાબિત થાય છે.બારમા ભાવનો નેપચ્યુન ભૌતિક અને આધ્યાત્મિક સુખનો દાતાર બને છે. ત્રીજા ભાવનો નેપચ્યુન આંતરજ્ઞાનની શોધ તરફ લઈ જાય છે.દસમા ભાવનો નેપચ્યુન દુનિયાથી કંઈક અલગ વિચારીને પોતાના કારકિર્દીના ક્ષેત્રમાં પારંગત બનાવે છે.
કાળપુરુષની કુંડળીમાં સાતમું ઘર તુલા રાશિનું છે જેનો સ્વામી શુક્ર છે અને અંક ૭ પર મૂળ નેપચ્યુનનો પ્રભાવ છે તેથી એવું કહી શકાય કે ભૌતિકતા અને અધ્યાત્મતા વચ્ચેનો Unpredictable ( અણધાર્યો ) ગ્રહ એટલે નેપચ્યુન….!
હવે તમારી કુંડળી ખોલીને જુઓ તો નેપચ્યુન કયાં છે ?
જય બહુચર માં.