જેમ જેમ સમય બદલાય તેમ સમય સાથે દરેક વ્યકિતના નસીબનું પરિવર્તન થાય છે.નસીબ ( Fortune ) નું કામકાજ ઘણું અઘરું છે એ કયારે બદલાય તે કોઈ જાણી શકતું નથી એ માત્ર વિધાતાના હાથમાં હોય છે પણ.વિધાતાએ આપણા મહાન ઋષિમુનિઓને ભેટમાં આપેલી જયોતિષવિદ્યાથી નસીબ કયારે અને કયા સમયે બદલાશે તે જાણી શકાય છે.
કેટલાક લોકોનો સારો સમય ચાલતો હોય ત્યારે તેઓ હવામાં ઉડતા જોવા મળે છે અને પછી નસીબ એક દિવસ એવું બદલાય છે કે સીધા જમીન પર આવી જતા હોય છે. કેટલાક જમીન પર રહીને કષ્ટદાયક મહેનત કરનારા પોતાના નસીબ બદલાવાની રાહ જોતા હોય છે.માન્યું કે મહેનત, સારા કર્મો તથા નીતિ ચોખ્ખી રાખવાથી નસીબ બદલાય પણ નસીબને બદલાવા માટે તમારો ધ્યેય, વિચારો, નીતિ તથા આયોજન પ્રબળ હોવું જોઈએ અન્યથા એક રોડ તોડનારા મજૂર જેટલી મહેનત મારા હિસાબે કોઈ નથી કરતું.
જયોતિષવિદ્યાની એક શાખા કહી શકાય એવા અંકશાસ્ત્રમાં દ્વારા સમયની સાથે નસીબનું પરિવર્તન કયારે થશે એ જાણી શકાય છે. અંકશાસ્ત્ર મુજબ તમારી આખી જન્મતારીખનો સરવાળો કરવાથી તમારો ભાગ્યાંક મળે છે. ધારો કે તમારો જન્મ ૨૭-૫-૧૯૮૭ ના રોજ થયો છે તો તે આખી તારીખનો સરવાળો કરતા તેનું ટોટલ અંક ૩ આવશે. આ અંક ૩ તમારો ભાગ્યાંક થયો તેથી તમારા જન્મના વર્ષનો જયારે પણ સરવાળો ૩ આવે એ વર્ષે તમારો સમય બદલાશે, તમારા સમયમાં ખાસા એવા પરિવર્તન આવશે,તમારું નસીબ બદલાશે. હવે અંક ૩ ના વર્ષ લઈએ તો ૧૨, ૨૧, ૩૦, ૩૯, ૪૮, ૫૭, ૬૬ એમ જન્મના આ વર્ષોમાં તમે સમય પરિવર્તિત થયાનું અનુભવશો અને નસીબ પણ બદલાશે.
વૈદિક જયોતિષ પ્રમાણે ભાગ્યેશ કયો ગ્રહ છે ? તે કોના ભુવનમાં છે ? કેટલી ડીગ્રીનો છે ? કોના નક્ષત્રનો છે ? ઉચ્ચનો,નીચનો કે અસ્તનો છે ? એના આધારે ભાગ્યોદય કયારે થશે એ કહી શકાય.સમય આવે ભાગ્યેશની ચર્ચા વિસ્તારપૂર્વક વર્ણવીશું.
મનની ધારણાનો એવો નિયમ છે કે જેણે જેવું વિચાર્યુ હોય એવો એનો સમય આવે.આ સમય માણસની વિચારધારા મુજબ જ આવે છે. કોઈની અપેક્ષાઓ મર્યાદિત હોય તો કોઈની મહત્વકાંક્ષા ખૂબ મોટી હોય પણ દરેકને પોતાના નસીબનું ફળ જરૂર મળે છે. કોઈનું નસીબ વહેલા બદલાઈ ગયું હોય તો કોઈનું નસીબ મોડું બદલાવાનું હોય પણ જેનું નસીબ હજી બદલાયું નથી તેમણે ચિંતા ના કરવી કારણકે સમયની સાથે નસીબનું પરિવર્તન જરૂર થશે.
સમય અને નસીબની વાત થઈ રહી છે ત્યારે મને ફારૂક સત્તારનો એક શેર યાદ આવે છે કે………
.
કુછ દેર કી ખામોશી હૈ ફિર શૌર આયેગા,
કુછ દેર કી ખામોશી હૈ ફિર શૌર આયેગા.
તુમ્હારા સિર્ફ વકત આયા હૈ,
હમારા દૌર આયેગા…
જય બહુચર માં.