પરમકલ્યાણકારી દુર્ગા શૈલપુત્રી થયા બાદ બ્રહ્મચારિણી સ્વરુપે તપ કરી શિવને પામી ચંદ્રઘંટા થયા ત્યારપછી દેવીએ મંદ હાસ્ય કર્યુ અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે બ્રહ્માંડની જનની “કૂષ્માંડા” કહેવાય.
કૂષ્માંડાનો અર્થ કુ ( નાનું ) + ઉષ્મા + અંડ. અંડ આકારના ઉદરમાં સંસારના વિવિધ તાપો સમાવી રાખે તે કૂષ્માંડા કહેવાયા. કૂષ્માંડા અષ્ટભુજાધારી છે જેમાં કમંડળ, ધનુષ્ય-બાણ, કમળ, અમૃતનો કળશ, ગદા, ચક્ર અને માળા છે.કૂષ્માંડાની સવારી વાઘ છે.ચતુર્થ નોરતે યોગી પોતાનું મન “અનાહત” ચક્માં સ્થિત કરે છે.
આખું જગત જેના ઉદર (હ્રદય) માં છે તે દેવી “કૂષ્માંડા” છે. આરોગ્ય, બળ અને આયુષ્ય આપનારી કૂષ્માંડા સમગ્ર જીવની જનેતા છે. આ સંસારના દરેક મનુષ્યો, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ, સજીવ કે નિર્જીવ વસ્તુઓનું સર્જન માં કૂષ્માંડા એ કર્યુ છે.
કૂષ્માંડા સૂર્યને દિશા અને ઉર્જા પ્રદાન કરે છે. સૂર્ય છે ને એ માં કૂષ્માંડાના આદેશ મુજબ ઉગે છે અને આથમે છે. આપણને નવચંડી યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણ જે “કોળા” નો ભોગ અપાવે તે કૂષ્માંડા નો ભોગ છે.
કૂષ્માંડા અહીં આપણને એવું શીખવે છે કે આપણે સર્વ એના બાળકો છે. આપણને જન્મ દેનારી તે સ્વયં છે એટલે આપણે વગર કામની ચિંતા કરવી નહી કારણકે સર્જન કરનારી માં એના બાળકોનું વિસર્જન ના થાય ત્યાં સુધી એનું સદાય ધ્યાન રાખે છે, ખુશ રાખે છે અને રક્ષા કરે છે.
સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તપદમાભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ॥
રુધિરથી રેલમછેલ અને અમૃતથી પરિપૂર્ણ કળશને બંને કરકમળોમાં ધારણ કરનારી માં કૂષ્માંડા દુર્ગાદેવી અમારા માટે શુભદાયિની હો.
જય બહુચર માઁ.