28 C
Ahmedabad
Friday, September 20, 2024

આદિ પરાશકિત કોણ છે ?

ઋષિ મારકંડેય મુનિ દુર્ગાસપ્તશતી ચંડીપાઠના દેવ્યથર્વશીર્ષમાં આદિ પરાશકિતનું વર્ણન કરતા ૨૩માં શ્લોકમાં વર્ણવે છે કે આદિ પરાશકિત અજ્ઞેયા, અનંતા, અજા, અલક્ષ્યા અને એકા છે. જેને બ્રહ્મા આદિ દેવો જાણતા નથી તે “અજ્ઞેયા”છે, જેનો અંત મળતો નથી તે “અનંતા”છે, જેનું લક્ષ્ય પમાય નહી તે “અલક્ષ્યા” છે, જેનો જન્મ જ નથી તે “અજા” છે, જે એકલી જ સર્વત્ર છે તે “એકા”છે, જે એકલી વિશ્વરૂપ છે તે “નૈકા”છે.

ઋષિ આગળ ૨૪ માં શ્લોકમાં વર્ણવે છે કે

મંત્રાણાં માતૃકા દેવી શબ્દાનાં જ્ઞાનરૂપિણી ।
જ્ઞાનાનાં ચિન્મયતીતા શૂન્યાનાં શૂન્યસાક્ષિણી ।
યસ્યા: પરતરં નાસ્તિ શૈષા દુર્ગા પ્રકીર્તિતા ॥

સર્વ મંત્રોમાં દેવી માતૃકા, શબ્દોમાં જ્ઞાન રૂપે, જ્ઞાનમાં “ચિન્મયાનંદા”, શૂન્યોમાં શૂન્યસાક્ષિણી, જે જ્ઞાનોમાં પમાય એનાથી શ્રેષ્ઠ કશું નહી તેવી “દુર્ગા” કહેવાય.

અહીં “શૂન્યાનાં શૂન્યસાક્ષિણી”ને વિસ્તૃતમાં વર્ણવું તો જયારે પૃથ્વી નહોતી,બ્રહ્માંડ નહોતું સમજોને કંઈ જ નહોતું બધુ શૂન્ય હતું એ શૂન્યની સાક્ષી “આદિ પરાશકિત” છે. આ આદિ પરાશકિત એક બિંદુ ( તેજપુંજ ) સ્વરૂપ છે જે મહિષાસુરનો વધ કરવા માટે નવદુર્ગા, શુંભ નિશુંભના વધ સમયે ચંડિકા, ચંડ મુંડનો વિનાશ કરવા ચામુંડા,રકતબીજને હણવા કાલી સ્વરૂપ,દંઢાસૂરનો નાશ કરવા બાલા સ્વરૂપ ધારણ કરે છે. આ “આદિ પરાશકિત” વિવિધ સ્વરૂપો ધારણ કરીને દુષ્ટ શકિતઓનો નાશ કરી સર્વનું કલ્યાણ કરે છે.

આદિ પરાશકિત ગૂઢ છે. એની માયા કોઈ જાણી શકે એમ નથી.સવારે તે બાલા ( બાળ ), મધ્યાહને તે પ્રૌઢ ( પુખ્ત ), સંધ્યા સમયે તે વૃદ્ધા ( વૃદ્ધ ) સ્વરૂપે છે.વૃદ્ધ માતા મહોબલા એટલે કે જે દેવી વૃદ્ધ છે (સૌથી જૂનામાં જૂની ) એ મૂળ છે. એ મૂળ આદિ પરાશકિત પરામ્બા છે. જયારે જયારે માતાજી અલગ અલગ સ્વરૂપો ધારણ કરતી હોય છે તે મુજબ અલગ અલગ ગોત્ર ( કુળ ) એ સ્વરૂપોને કુળદેવી સ્વરૂપે પૂજતું હોય છે. આ સ્વરૂપોનું મૂળ “આદિ પરાશકિત” છે.જેને પોતાની કુળદેવી વિશે જ્ઞાન નથી તે “આદિ પરાશકિત” ને પોતાની કુળદેવી માને.

અંતે કહું તો આ બધુ લખવું, સમજવું અને ચિંતન પણ કરવું ગંભીર છે. આપણે આદિ પરાશકિતને સમજી શકીએ એવા કોઈ જ રીતે સમર્થ નથી.જેમ શૂન્યની સાક્ષી સમયથી દેવી છે તેમ આપણે સૌ બાળકોએ પણ હંમેશા આદિ પરાશકિતના ચરણોમાં “શૂન્ય” થઈને રહેવું જોઈએ તો જ તેની કૃપાના તેજપુંજ આપણા પર વરસતા રહેશે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page