28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો તંત્રની ચતુર્થ મહાવિદ્યા – ભુવનેશ્વરી વિશે.

ચૌદ ભુવનોની દેવી છે તે ભુવનેશ્વરી છે. આ ચૌદ ભુવનો અનુક્રમે નીચે પ્રમાણે છે. ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ.

ભુવનેશ્વરી દસ મહાવિદ્યાની ચતુર્થ મહાવિદ્યા છે.

આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ, જળ – આ પાંચ તત્વોની નિર્માતા સ્વયં ભુવનેશ્વરી છે.

દેવી ભાગવત પુરાણ અનુસાર ભુવનેશ્વરી મણિદ્વીપમાં ચમત્કાર ચિંતામણિ ભુવનમાં “રાજરાજેશ્વરી” સ્વરૂપે સિંહાસન પર બિરાજે છે. ભુવનેશ્વરી દેવી તેમની ઈચ્છાશક્તિથી સમગ્ર બ્રહ્માંડનું, દેવો, દૈત્યો, ગંધર્વો, યક્ષો, પૃથ્વી પરના મનુષ્યો, પશુ-પક્ષીઓ, જળચર જીવો એમ સર્વનું પાલન પોષણ કરે છે.

વારંવાર હું મારા આર્ટિકલમાં “આદિ પરાશક્તિ” લખું છું તે આદિ પરાશક્તિ બીજું કોઈ નહી પણ માતા ભુવનેશ્વરી છે. માતા ભુવનેશ્વરી દેવી મૂળ પ્રકૃતિ છે

જયારે કંઈ જ નહોતું સમગ્ર શૂન્ય હતું તે શૂન્યની સાક્ષીણી છે. દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી તેને પંખો નાખે છે. બીજી અનેક શક્તિઓ શ્રી ભુવનેશ્વરી દેવીની દાસીઓ છે.તે ત્રણેય કાળની જન્મદાત્રી છે. તેને જ શતાક્ષી અને શાકંભરી કહે છે. તેણે દુર્ગમ નામના અસુરનો વધ કર્યો તેથી તે “દુર્ગા” કહેવાય છે.

માઁ ભુવનેશ્વરીનું સ્વરૂપ અતિસૌમ્ય અને નિર્મળ છે. તેમના ચાર હાથો છે. તે હાથોમાં રાજદંડ અંકુશ (વ્યવસ્થાપન પ્રતિક), એક હાથમાં પાશ, એક હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વર મુદ્રામાં છે.

માઁ ભુવનેશ્વરી સર્વોચ્ચ સત્તાધિકારી છે. દેવી કમળ આસન પર બિરાજે છે.

આનંદ બે પ્રકારના હોય છે. એક ક્ષણિક આનંદ અને એક કાયમનો આનંદ. આ બંને આનંદને ઉત્પન્ન કરનારી શક્તિ દેવી ભુવનેશ્વરી છે. મનુષ્યને નાની નાની બાબતો કે આનંદદાયક વસ્તુઓથી ક્ષણિક આનંદ રહે છે પણ પછી તે આનંદ કાયમ રહેતો નથી પણ જો કાયમનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો દેવી “ભુવનેશ્વરી” ની ઉપાસના કરવી જોઈએ. ગમતી બાબતો કે વસ્તુઓની પ્રાપ્તિ ક્ષણિક આનંદ આપે છે પરંતુ જે છે તેને ઐશ્વર્ય સમજીને આનંદમાં રહેવું તે કાયમનો આનંદ આપે છે. આવો ભાવ ભુવનેશ્વરીની ઉપાસનાથી આવે છે કારણકે તે તમામ પ્રકારના ઐશ્વર્યથી પરિપૂર્ણ કરે છે.

સાત કરોડ મહામંત્ર સદા ભુવનેશ્વરીની આરાધના કરે છે.

શ્રી વિદ્યાના ક્રમમાં બાલાના ક્રમથી શરૂઆત કરી પરાત્પર આદિ પરાશક્તિ ભુવનેશ્વરીના ક્રમ સુધી પહોંચવાનું હોય છે.

આદિ પરાશક્તિ ભુવનેશ્વરીએ “ત્ર્યંબક” ને ઉત્પન્ન કર્યા. આ ત્ર્યંબક એટલે “ત્રિદેવ – બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ” માતા ભુવનેશ્વરીએ તેમને પરિપૂર્ણ કરવા માટે તેમની ત્રણ શક્તિઓ પ્રદાન કરી એટેલે કે “ત્રિશક્તિ -સરસ્વતી, લક્ષ્મી અને કાલી”. આમ ત્રિદેવો અને ત્રિશક્તિ જગતનું સર્જન, પાલન-પોષણ અને વિસર્જન કરે છે. આ બધુ જ માતા ભુવનેશ્વરીની ઈચ્છાશક્તિથી થાય છે.

લલિતા સહસ્ત્રનામમાં ભુવનેશ્વરીનું આખ્યાન છે તેમાં ભુવનેશ્વરીને સમગ્ર બ્રહ્માંડની રાણી ક્હ્યા છે.

ભારતમાં ભુવનેશ્વરીનું મંદિર તમિલનાડુના પુથુકોતઈમાં છે, મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદીના કિનારે છે, કેરાલામાં કાલીકટ પ્રદેશમાં છે, પશ્વિમ બંગાળના હુગલી પ્રાંતમાં છે, ગુજરાતમાં ગોંડલ શહેરમાં છે. શ્રીલંકામાં મલિપલ્લવ નામક એક શક્તિપીઠ છે તે ભુવનેશ્વરી દેવીનું શક્તિપીઠ છે.

ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં માતા ભુવનેશ્વરી મંદિરની સ્થાપના વૈશાખ પદ પાંચમના દિવસે લલિતા બા અને આચાર્ય ચરણતીર્થ મહારાજના હસ્તે ઈ.સ ૧૯૪૬માં કરવામાં આવી હતી. દર વર્ષે આ શુભ દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના પાટોત્સવમાં મહાપૂજા જેમ કે ષોડશોપચાર પૂજા, રાજોપચાર પૂજા, મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.

આ મંદિરની વિશેષતા એ છે કે નિત્ય પ્રાત:કાળે અને સંધ્યા સમયે માતાજીની આરતી વખતે કુદરતી રીતે માતાજીના મસ્તક પર છાયો આપતું છત્ર આરતીની વેળાએ આપોઆપ હાલક ડોલક થાય છે જાણે કે આરતીના તાલે તે નૃત્ય કરી રહ્યું હોય. આ ચમત્કારિક ઘટનાનો અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પણ પાર પામી શક્યો નથી.

ભુવનેશ્વરીનો એકાક્ષરી મંત્ર છે, ત્રિ અક્ષરી મંત્ર પણ છે તે ગુપ્ત છે. તે અહીં લખી શકું એમ નથી. આ મંત્રો દીક્ષા પ્રાપ્ત કરેલા શક્તિના સાધકો મનમાં ઉચ્ચારણ દ્વારા જ કરી શકે છે. આપણા જેવા સામાન્ય મનુષ્યોએ નીચે લખેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ.

“ૐ હ્રીં ભુવનેશ્વયૈ નમ : ।।

ભુવેનશ્વરીનો મંત્ર જાપ સ્ફટિકની માળાથી થાય છે.
ભુવનેશ્વરી પશ્વિમ દિશાનું આધિપત્ય કરે છે.
તંત્રનો સાધક ભુવનેશ્વરીની ઉપાસના કરીને જન્મકુંડળીના ચંદ્રને પોતાના વશમાં કરી શકે છે.
કાદવ કમળમાં ખીલે તેમ ભુવનેશ્વરીનો સાધક સંસારમાં રહીને પણ યોગી જેવું જીવન જીવે છે.
શુક્રવારના દિવસે નવ વર્ષથી નાની બાળાઓને ઘરે આમંત્રિત કરીને ભોજન કરાવી વિશેષ ભેટ આપવી અને બાળાઓના પગ ઘોવા.આમ કરવાથી દેવી ભુવનેશ્વરી ખૂબ જ પ્રસન્ન થાય છે.

આદિ પરાશક્તિ ભુવનેશ્વરીની આરાધનાથી રાજસત્તા પ્રાપ્ત થાય છે. સૂર્યની માફક તેજસ્વી થવાય છે. આરોગ્ય તંદુરસ્ત રહે છે. પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનની તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી થાય છે.

જય માઁ ભુવનેશ્વરી.

જય બહુચર માઁ.

 

 

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page