*તંત્ર એટલે શું ?
– ધર્મના રહસ્યમય “મંત્ર” ને ક્રિયા દ્વારા સિદ્ધ કરવાની પ્રક્રિયા એટલે “તંત્ર”
*દશ મહાવિદ્યા એટલે શું ?
– દશ એટલે દશ દિશાઓ પર અનુશાસન કરનારી
– મહા એટલે વિશાળ
– વિદ્યા એટલે જ્ઞાન
અર્થાત્ દશ દિશાઓ પર અનુશાસન કરનારી વિશાળ જ્ઞાનરૂપી દેવી એટલે દસ મહાવિદ્યા.આ દશ મહાવિદ્યા દુર્ગા દેવીના દશ ગુપ્ત સ્વરૂપો છે જે અતિદુર્લભ છે. માઁ આદિ પરાશક્તિના દશ પ્રકૃતિ સ્વરૂપો એટલે દશ મહાવિદ્યા જે ચારે યુગમાં ફળદાયક છે.
દેવી ભાગવત પુરાણ અનુસાર પૂર્વે સતીના પિતા દક્ષ રાજાએ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે દક્ષ રાજાએ સતી અને શિવને આમંત્રણ આપ્યું નહી.પિતાએ યોજેલા યજ્ઞમાં આમંત્રણ ના આપતા સતીએ યજ્ઞમાં જવાની હઠ પકડી ત્યારે “યજ્ઞમાં અનાદર થશે” એ ભાવથી શિવજીએ સતીને યજ્ઞમાં ના જવાની અનુમતિ આપતા સતી ભાવાત્મક થઈને ક્રોધે ભરાઈ ગયા જેથી શિવ ત્યાંથી અદશ્ય થઈ ગયા ત્યારે દેવીએ ક્રોધાદિત અવસ્થામાં પોતાના દેહમાંથી દશ શક્તિઓ પ્રગટ કરી જે દશે દિશાઓમાં પ્રગટ થઈ. આ દશ શક્તિઓ શિવને શોધવા માટે દશ અલગ અલગ દિશાઓમાં ગઈ.આ દશ શક્તિઓ એટલે દશ મહાવિદ્યા.
દશ મહાવિદ્યાઓ અનુક્રમે
કાલી
તારા
ષોડશી ( ત્રિપુરસુંદરી )
ભૂવનેશ્વરી
ત્રિપુર ભૈરવી
છિન્નમસ્તા
ધૂમાવતી
બગલામુખી
માતંગી
કમલા
આમાં બે કુલ છે
કાલી કુલ અને
શ્રી કુલ
કાલી કુલમાં કાલી, તારા, છિન્નમસ્તા
શ્રી કુલમાં ષોડશી (ત્રિપુરસુંદરી) , ભુવનેશ્વરી, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા.
દશ મહાવિદ્યામાં મનુષ્ય એક જન્મમાં કોઈ એક જ વિદ્યાની દીક્ષા લઈ શકે છે અને તેમાં પણ દેવીની ઈચ્છાથી તે વિદ્યા ગુરુ દીક્ષા દ્વારા પ્રાપ્ત થાય છે.
દશ મહાવિદ્યાની સાધના કરવા માટે જાતિ, લિંગ અને વર્ણનો ભેદ જોવામાં આવતો નથી પરંતુ ઉપાસકની પાત્રતા જોવામાં આવે છે.દશ મહાવિદ્યાની સાધના માટે ગુરુની મંત્ર દીક્ષા લેવી જરૂરી છે.
દશ મહાવિદ્યાની સાધના કરતા પહેલા પંચશુદ્ધિ કરવી જરુરી છે. આ પંચ શુદ્ધિ નીચે પ્રમાણે છે.
સ્થાન શુદ્ધિ
દેહ શુદ્ધિ
દ્રવ્ય શુદ્ધિ
દેવ શુદ્ધિ
મંત્ર શુદ્ધિ
દશ મહાવિદ્યાની સાધના કરવાની મુદ્રા ન્યાસ, યંત્ર-માળા પૂજન, પંચોપચાર પૂજન વગેરે ગુરુ દ્વારા સાધકને શીખવવામાં આવે છે.દશ મહાવિદ્યાઓના સાધના સમયે પંચોપચાર, ષોડશોપચાર અને ચૌસઠ ઉપચારો દ્વારા મહાવિદ્યા યંત્રમાં સ્થિત દેવી-દેવતાઓનું પૂજન કરવું જોઈએ. હવન વેદીનું નિર્માણ કરીને અગ્નિમાં વિવિધ દ્રવ્યો અર્ધ્ય આપીને (અર્પણ કરીને) દેવી-દેવતાઓને ભોજન જમાડવું જોઈએ ત્યારબાદ આરતી કરીને પુષ્પાંજલિ આપવી જોઈએ.ત્યારબાદ દેવી કવચ, દેવી સહસ્ત્રનામ વગેરેનો પાઠ કરીને દેવી દેવતાને વિસર્જનનો ભાવ કરીને પોતાના હ્રદયકમળમાં પ્રસ્થાપિત કરવા જોઈએ.
તંત્રમાં મહાવિદ્યાની ઉપાસના સમયે ક્ષેત્રપાલ તરીકે ભૈરવનું આહ્વવાન કરવું જરૂરી છે.જેમ તંત્રની દસ મહાવિદ્યા છે તેમ તંત્રના દસ મહાદેવ છે તેમનું પૂજન અર્ચન જરૂરી છે.
તંત્રની દશ મહાવિદ્યાઓની સાધના કરવાનો અવસર શક્તિની દઢ ઉપાસના કરનાર સાધકને આપોઆપ પ્રાપ્ત થાય છે. આ સાધકને “શાક્ત સંપ્રદાય” માં સ્થાન મળે છે.
તંત્રની દશ મહાવિદ્યાની દીક્ષા પ્રાપ્ત કરવા માટે મનુષ્યનું મન, કર્મ અને વચનથી શુદ્ધ હોવું અનિવાર્ય છે.તંત્રની દશ મહાવિદ્યાની ઉપાસના કરવાથી મનુષ્ય તમામ પ્રકારની પીડાઓ અને દુ:ખોથી મુક્ત થાય છે, ધન-ધાન્યથી સમૃદ્ધ થાય છે, પ્રતિષ્ઠિત અને કીર્તિમાન થાય છે, ગ્રહપીડા દૂર થાય છે.મનુષ્યનું જીવન અંધકારથી ઉજાસ તરફ ગતિ પામે છે.
તંત્ર સાધનાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે પરંતુ તેનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે.
તંત્રની સાધના કરનાર તાંત્રિક કયારેય કોઈનું ખરાબ કરી શકતો નથી અને જો તે તેમ કરવા જાય છે તો સર્વપ્રથમ તેનું જ ખરાબ થાય છે.તંત્ર સાધના જટિલ સમસ્યાઓના નિવારણ માટે છે.તંત્ર સાધના માટેના નિયમો ખૂબ જ જટિલ છે તેની સાધનામાં જો એક ચૂક થઈ તો દેવીના પ્રકોપ સહન કરવો પડે છે.
તંત્ર સાધના કરનાર “મૂઠ-ચોટ, વશીકરણ, મારણ પ્રયોગ” વગેરે કયારેય કોઈની પર કરી શકતો નથી કારણકે તંત્રનું કાર્ય તારવાનું છે, કોઈને મારવાનું નથી.
શ્રી કુલમાં સાત્વિક વસ્તુઓનો ઉપયોગ થાય છે અને કાલી કુલમાં તમામ એવી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે જગતે તિરસ્કૃત કરી હોય.
તંત્ર વિશે લોકોની જે ગેરમાન્યતા છે તે આ લેખ વાંચીને દૂર થાય તેવો મારો હેતુ છે.જયારે વિજ્ઞાન કોઈ સમસ્યાઓનું નિવારણ નથી કરી શકતું ત્યારે શિવ દ્વારા રચિત તંત્રશાસ્ત્ર અને તંત્રની અંતર્ગત રહેલી દશ મહાવિદ્યાની ઉપાસના દ્વારા તે સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
આવતીકાલે વાંચો તંત્રની પ્રથમ વિદ્યા – કાલી વિશે.
જય બહુચર માઁ.