એક નાનકડું ગામ હતું.ત્યાં એક અંબાજી માતાનું મંદિર હતું. તે મંદિરમાં પૂજારી રોજ સવાર સાંજ પૂર્ણનિષ્ઠાથી પૂજા આરતી કરવા આવતા હોય છે.
આ ગામમાં એક માળી છે. જે અભણ છે.તેને શાસ્ત્રનું કંઈ જ્ઞાન નથી. પૂજા પાઠ જપ તપ કંઈ આવડતું નથી પરંતુ માળી રોજ સવારે પૂજારી પૂજા કરવા આવે તે પહેલા પોતાના બગીચામાંથી તોડેલા પુષ્ષો લાવીને મંદિરના ઓટલે મૂકી જાય. આ માળીનો એવો ભાવ હતો કે તેના બગીચામાંથી તોડેલા પુષ્પો પહેલા અંબા માતાને ચડે પછી તે ધંધો કરવા જાય.
આ બાજુ મંદિરના પૂજારી પણ રોજ સવારે મંદિરના ઓટલેથી તાજા ફૂલોની ટોપલી લઈને નિત્ય કર્મ મુજબ અંબા માતાનો પ્રક્ષાલ કરે ત્યારબાદ તાજા ફૂલોનો શણગાર કરીને માઁની શોભા વધારે અને ત્યારબાદ પૂજા આરતી તથા નિત્ય પાઠ કરે.
એક વખત ગામમાં પૂર આવ્યું. પૂજારી અને માળી બંને મંદિર ના જઈ શક્યા તેથી પૂજારી અને માળી બંને દુ:ખ અનુભવવા લાગ્યા.માળી એમ વિચારીને દુ:ખી થયો કે અંબા માતાને ફૂલોનો શણગાર નહી થાય અને પૂજારી એમ વિચારીને દુ:ખી થવા લાગ્યા કે પૂજા આરતી નહી થાય.
બે દિવસ પછી પૂર શાંત થયું. બધુ થાળે પડયું. માળીનો બાગ સંપૂર્ણપણે વિસર્જન થઈ ગયો હતો તેથી તેણે ઘરના કૂંડામાં વાવેલા થોડા ઘણા પુષ્પો લઈને મંદિર ગયો.આ બાજુ પૂજારીના ઘરની છત વાવાઝોડામાં ઉડી ગઈ હતી છતાંય પૂજારી સ્નાનાદિ કાર્ય કરીને પૂજા આરતી કરવા મંદિર ગયા.
પૂજારી અને માળી આજે એક જ સમયે મંદિરે પહોંચ્યા.બંનેના મુખ પર નિરાશા હતી કે જે કર્મ નિત્ય કરતા હતા તે ના થઈ શકયું. મંદિરના દરવાજા ખોલીને બંને અંદર ગયા.
જયાં પૂજારીએ ગર્ભગૃહના દ્વાર ખોલ્યા તો ત્યાં અંબા માતાની મૂર્તિ પર તાજા ફૂલોનો શણગાર હતો અને ગર્ભગૃહમાં એવી સુવાસ આવતી હતી કે જાણે હમણા જ આરતી થઈ હો ! પૂજારીએ આરતી તરફ જોયું તો આરતીના દીવા પ્રગટતા હતા. આ દશ્ય જોઈને પૂજારી અને માળી બંનેની આંખોમાં દડદડ આંસુ વહેવા લાગ્યા.
પ્રિય વાંચકો, આ વાર્તા પરથી એમ કહેવા માંગુ છું કે તમે પૂજારી હોવ અર્થાત્ બ્રાહ્મણ હોવ કે ના હોવ (માળી હોવ કે અન્ય કોઈ પણ જાતિના હોવ) તમે જે પણ પ્રકારે ભક્તિ કરો માતાજી તમારી ભક્તિ સ્વીકારે છે.
હજીય સમજાવું તો પૂજારીને શાસ્ત્રનું જ્ઞાન હતું. પૂજા અર્ચના આરતી અને માતાજીના પાઠ કરતા આવડતું હતું અને તેઓ ભક્તિ કરતા હતા.જયાં માળીને શાસ્ત્રનું કે પૂજા પાઠ વગેરેનું કંઈ જ જ્ઞાન નહોતું પણ તેની ભક્તિ કરવાની ભાવના એમ હતી કે માતાજીને રોજ તેના બગીચાના પુષ્ષો ચડે.
સમીક્ષા – આપણા મનમાં શુદ્ધ ભાવ રાખી જેવી આવડે એવી માતાજીની ભક્તિ કરવી કારણકે માતાજી એના બાળકના પ્રેમભાવથી સંતુષ્ટિ થાય છે. બીજું એને કંઈ જોઈતું નથી.
માઁ બાળકને હંમેશા આપી જાણે છે.
બદલામાં કંઈ લેતા એને આવડતું નથી.
જય બહુચર માઁ.