એક ધાગાના બંધનથી આપણી રક્ષા થાય એ રક્ષાબંધન. જયાં આ રક્ષાપોટલી માતા દીકરાને, બહેન ભાઈને, પત્ની પોતાના પતિને બાંધી શકે છે. મૂળ રક્ષાપોટલી, રાખડી કે એક નાનકડો પવિત્ર ધાગો પોતાના પ્રિય વ્યકિતનું રક્ષણ કરે છે. રક્ષાબંધન એ પ્રેમ, લાગણી અને ભાવનાઓનું બંધન છે.
લક્ષ્મીજીએ બલિરાજાને, કુંતીએ અભિમન્યુને, ઈન્દ્રાણીએ ઈન્દ્રને રક્ષા બાંધી હતી.જયાં એક બાજુ રક્ષાપોટલી બંધાવીને પણ ભાઈ, પુત્ર કે પતિ મન અને કર્મ થી આજીવન માટે એક બંધનમાં બંધાય છે કે તે હંમેશા પોતાની માતા, બહેન, પત્નીનું રક્ષણ કરશે અને તેને હંમેશા ખુશ રાખશે.
ભાઈ બહેનનો સંબંધ એક એવો ઋણનો સંબંધ છે કે બંને ગમે તેટલું એકબીજા માટે કરે તે ઓછું છે. આ એક એવું ઋણાનુંબંધ છે કે બલિરાજાને રાખડી બાંધીને લક્ષ્મીજી પોતાના પતિ નારાયણને માંગી લે છે તો બીજી બાજુ મહાભારતમાં દ્રૌપદી પોતાની સાડીના ચીર શ્રી કૃષ્ણની લોહીથી તરબોડ આંગળી પર જેમ વીંટાળે છે એમ સમય આવતા દ્રૌપદીની રક્ષા કાજે શ્રી કૃષ્ણ તેની સાડીના ચીર પૂરે છે.
તમને ખબર છે પૂનમે કોઇ પણ કાર્ય પાકા પાયે થાય કારણકે પૂનમના દિવસે માં જગદંબાની કૃપાથી ખૂબ જ હકારાત્મક શકિતઓ વાતાવરણમાં ફરતી હોય તથા વાતાવરણને શુદ્ધ બનાવતી હોય છે.આપણા હિંદુ કેલેન્ડર પ્રમાણે રક્ષાબંધન પણ શ્રાવણ પૂર્ણિમાએ આવે.
માં બહુચરાજીના પ્રિય બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલતા હોય છે તથા માછીમારો નાળિયેરથી સમુદ્રની પૂજા કરે છે. શ્રાવણ સુદ પૂર્ણિમાએ શિવાલયમાં શિવા સહિત શિવને નમન કરવા પણ ચોકકસ જવું જોઈએ.
છેલ્લી અને મારા હ્રદયમાંથી નીકળતી વાત.
એક ધાગો માત્ર બાંધીને અખૂટ આશીર્વાદ આપી જાય એ આપણી બહેન !
એક વાત કહું હંમેશા આપણી માતા, બહેન, પત્ની, દીકરીને બને તેટલા ખુશ રાખજો કારણકે આપણા પ્રગતિ અને ઉત્કર્ષ પાછળ એ સ્ત્રીઓના આપણી પર અખૂટ આશીર્વાદ હોય છે.
જય બહુચર માઁ.