રાંદલ માતા કોણ છે ? શાસ્ત્રમાં રાંદલ માતા વિશે શું લખ્યું છે ? રાંદલ માતા કોના પુત્રી છે ? રાંદલ માતા કોના પત્ની છે ?
રાંદલનો અર્થ સંજ્ઞા થાય છે જેમનું બીજું નામ રન્ના દેવી છે. તેઓ વિશ્વકર્માની પુત્રી છે અને સૂર્યનારાયણના પત્ની છે.
રાંદલ માતા કેમ તેડવામાં આવે છે ? તેની પાછળની આપણા હિંદુ શાસ્ત્રોમાં એક કથા મળી આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા (રાંદલ) યુવાન થતા મનોમન સૂર્યનારાયણને વરી ચૂક્યા હતા પરંતુ વિશ્વકર્માને પસંદ નહોતું કે તેમની દીકરી સૂર્યનારાયણને વરે.
એકવાર વિશ્વકર્માની પત્ની સૂર્યદેવને મળવા ગયા હતા. ત્યારે તેમણે એક માટીનું પાત્ર તેમને ભેટ સ્વરૂપે આપ્યું પરંતુ તેમણે એમ કહ્યું કે જો આ પાત્ર લઈ જતા રસ્તામાં ખંડિત થઈ ગયું કે તૂટી ગયું તો તમારી દીકરીના મારી સાથે વિવાહ કરવા પડશે. આ યુક્તિ સૂર્યનારાયણ ભગવાને જ કરી હતી કારણકે તેઓ જાણતા હતા કે સંજ્ઞા દેવી મનોમન તેમને વરી ચૂકયા છે. સૂર્યનારાયણ ભગવાને કરેલી યુક્તિ મુજબ વિશ્વકર્માજીના પત્ની અંચનાથી માટીનું પાત્ર રસ્તામાં ખંડિત થઈ ગયું અને સૂર્યનારાયણના વિવાહ સંજ્ઞા સાથે થયા.
બીજી પૌરાણિક કથા કંઈક આમ છે કે સૂર્યનારાયણના માતા અદિતિની ઈચ્છા હોય છે કે તેમના પુત્ર સૂર્યના વિવાહ વિશ્વકર્મા અને અંચનાની પુત્રી સંજ્ઞા સાથે થાય પરંતુ અંચનાને મનોમન ડર એ વાતનો હોય છે કે તેમની દીકરી સંજ્ઞા સૂર્યનો તાપ સહન નહી કરી શકે તેથી તેમની સૂર્ય સાથે પરણાવાની ઈચ્છા હોતી નથી.
એકવાર અંચના અદિતિની પાસે તાવડી માંગવા આવે છે ત્યારે અદિતિ અંચનાને તાવડી આપતા કહે છે કે “જો જે તાવડી તૂટી ના જાય.જો તાવડી ટૂટી ગઈ તો ઠીકરીને બદલે દીકરી આપવી પડશે. આમ અદિતિ મજાકમાં બોલ્યા હતા પણ અંચનાએ આ વાતને મન પર લઈ લીધી. તે રસ્તામાં યેન કેન પ્રકારે તાવડીને સુરક્ષિત ઘરે લાવવા ઈચ્છતી હતી પણ કુદરતે જેમ નક્કી કર્યું હતું એમ થયું. રસ્તામાં કયાંક પગને ઠોકર વાગતા અંચના પડીને તેની તાવડી તૂટી ગઈ. આમ અંચનાએ તેમની દીકરી સંજ્ઞાને સૂર્યનારાયણ સાથે પરણાવી.
સૂર્યદેવ સાથે વિવાહ કર્યા બાદ સંજ્ઞાને યમ અને યમુના એમ બે સંતાનો થયા. લગ્નના કેટલાક સમય બાદ સંજ્ઞા સૂર્યદેવના તાપને સહન કરી શકતી ન હોવાથી તે પોતાના શરીરમાંથી તેમની “છાયા” ને પ્રગટ કરીને સંજ્ઞા પિતાના ઘરે ગઈ.
સંજ્ઞાની પડછાયો તરીકે છાયા સૂર્યની સાથે પત્ની તરીકે રહેવા લાગી જેની સૂર્યને બિલકુલ જાણ ના થઈ તેથી છાયાને શનિ અને તાપી એમ બે સંતાનો થયા.
આ બાજુ લાંબો સમય સંજ્ઞા પિતાના ત્યાં રહેતા પિતાએ સંજ્ઞાને પતિના ઘરે પાછા જવા ઠપકૉ આપ્યો ત્યારે સંજ્ઞા પતિના તાપના ડરથી સૂર્ય પાસે પાછા જવાને બદલે જંગલમાં ઘોડી બનીને તપ કરવા લાગી.
આ બાજુ છાયા અને યમ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા છાયાએ યમને શ્રાપ આપી દીધો. સૂર્યને આશ્ચર્ય થયું કે એક માતા દીકરાને શ્રાપ ના આપી શકે તેથી તેમણે સત્ય જાણ્યું કે તેમની સાથે હાલમાં જે છે તે તેમની પત્ની સંજ્ઞા નથી પણ છાયા છે. સૂર્યદેવે છાયાનો તિરસ્કાર કર્યો તેથી માતાનો તિરસ્કાર થતા શનિને સૂર્ય સાથે વેર થઈ ગયું.
નારદ મુનિએ સૂર્યદેવને જણાવ્યું કે તેમની પત્ની સંજ્ઞા જંગલમાં ઘોડી બનીને તપ કરી રહ્યા છે કારણકે સંજ્ઞા તમારો તાપ સહન નથી કરી શકતા. આથી સૂર્યનારાયણ ભગવાન અશ્વ (ઘોડો) બનીને જંગલમાં ગયા. તેમણે ઘણા સમય સુધી ઘોડી બનેલા સંજ્ઞા સાથે જંગલમાં જીવન વિતાવ્યું. તેનાથી તેમને બે સંતાનો થયા. આ બંને સંતાનો અશ્વિનીકુમાર થયા.
સમયાંતરે સૂર્યદેવે સંજ્ઞા અને છાયા એમ બંનેને પત્ની તરીકે સ્વીકાર્યા. આ બંને સંજ્ઞા અને છાયા એ એક જ છે જેને આપણે “રાંદલ” તરીકે પૂજીએ છે. (રાંદલ માતાના ફોટામાં આપણને બે દેવી જોવા મળે છે તે સંજ્ઞા અને છાયા છે)
રાંદલ તેડાવાનું મહત્વ એમ છે કે રાંદલ એ સૂર્યદેવના પત્ની છે. સૂર્ય શ્રેષ્ઠ આરોગ્ય આપે છે અને રાંદલમાતા શ્રેષ્ઠ સંતાનો આપે છે. આપણે લગ્ન, સીમંત અથવા કોઈ શુભ પ્રસંગે એટલે રાંદલ તેડાવતા હોઈએ છે. રાંદલ તેડવાથી ઘરના તમામ લોકોનું આરોગ્ય સારું રહે છે. યમ રાંદલના પુત્ર હોવાથી મોડા લેવા આવે છે (આયુષ્ય સારું પ્રાપ્ત થાય છે) શનિ પણ રાંદલના પુત્ર છે તેથી શનિ પીડાઓથી મુક્ત કરે છે. રાંદલ માતાના આશીર્વાદથી ઘરના તમામ સભ્યો અનેકો પ્રકારની પીડામાંથી મુકત થાય છે.
જેને સંતાન ના થતું હોય તે રાંદલમાં તેડાવાની માનતા રાખે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
એક લોકગીત છે કે
લિંપ્યુને ગુંપ્યું મારું આંગણું, ખોળાનો ખૂંદનાર દોને રાંદલ માઁ.
રાંદલ માતાનું સ્થાપન નૈઋત્ય ખૂણામાં પૂર્વાભિમુખ કરવામાં આવે છે. બાજોટ પર લાલ અથવા લીલું કપડું પાથરી ઘઉં,ચોખા અથવા જુવારનો ઢગલો કરીને તેની ઉપર બે લોટા અને તેની ઉપર શ્રી ફળ મૂકીને શ્રી ફળને આંખો,નેણ અને નાક બનાવાય છે. માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવે છે. કુમકુમ ચંદનના ચાંલ્લા અને અક્ષતથી વધાવવામાં આવે છે. દેવીને થાળ આરતી કરવામાં આવે છે. રાતનું જાગરણ કરવામાં આવે છે. માતાજીના ગરબા થાય છે તે ઉપરાંત ઘોડો ખૂંદવામાં આવે છે એટલે કે સ્ત્રીઓ તાળીઓ પાડીને ઘોડાની જેમ કૂદતી હોય છે. આઠ દિવસના જાગ પછી નવમાં દિવસે માતાજીના જાગનું વિસર્જન કરવામાં આવે છે.
બોલો રાંદલ માતની જય.
જય બહુચર માઁ.