આખા સચરાચર જગતમાં વ્યાપ્ત ત્રણ દેવી છે જે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે જેઓ આદિ પરાશક્તિના ત્રણ મુખ્ય ચરિત્રો છે જયાં મહાકાલી ક્રિયાશક્તિ છે, મહાલક્ષ્મી ઈચ્છાશક્તિ છે અને મહાસરસ્વતી જ્ઞાનશક્તિ છે.
વાણી,બુદ્ધિ અને કલાની અધિષ્ઠાત્રી દેવી શ્રી મહાસરસ્વતી માતા ત્રણ પ્રધાન દેવી માં એક દેવી છે જે હંમેશા એના બાળકોને જ્ઞાની અને તેજસ્વી બનાવે છે.
વ્યકિત ગમે તેટલો મૂર્ખ હોય કે અજ્ઞાની હોય પરંતુ એની પર શ્રી મહાસરસ્વતી ની કૃપા થાય એટલે તેનામાં અકલ્પનીય જ્ઞાન આવે છે.
શ્રી બહુચર માંના પરમ ભકત શ્રી વલ્લભ ભટ્ટજી સાક્ષર નહોતા પરંતુ શ્રી મહાસરસ્વતી સ્વરુપ બહુચર માઁ ની કૃપાથી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમણે આનંદનો ગરબો,શ્રી ચક્ર નો ગરબો, પંચતિથિનો ગરબો, લોલનો ગરબો, કળિયુગનો ગરબો તથા અન્ય મહાકાવ્યો રચ્યાં હતા.
હંમેશા એક વાત પર મોટા મોટા વિદ્વાનોએ વાદ-વિવાદ કર્યો છે કે જેની પાસે લક્ષ્મી હોય છે તેની પાસે બુદ્ધિ નથી હોતી અને જેની પાસે બુદ્ધિ હોય છે તેની પાસે લક્ષ્મી નથી હોતી. આ વાત કેટલી સાચી અને કેટલી ખોટી તેની પર વિશેષ ચર્ચા કરીએ.
આ વાતનું સત્ય અને તર્ક એમ છે કે આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ ધન માત્ર ને માત્ર શ્રી મહાસરસ્વતીની કૃપાથી કમાય છે કારણકે તે વ્યકિતમાં ધંધો વેપાર કરવાની બુદ્ધિ અને ગ્રાહકને વાણીથી વસ્તુની સમજ આપવાની કળા શ્રી મહાસરસ્વતીની કૃપાથી જ આવે છે તેવી જ રીતે દરેક વ્યક્તિને આ કમાયેલું ધન કયાં,કેવી રીતે અને કેટલું વાપરવું એ બુદ્ધિ પણ માં મહાસરસ્વતી જ આપે છે.
માઁ મહાસરસ્વતીની કૃપાથી આપણને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારબાદ શ્રી મહાલક્ષ્મીની કૃપાથી આપણે સારું ધન કમાઈએ છે અને શ્રી મહાકાલીની કૃપાથી તે ધનનું રક્ષણ કરવાની આપણને શક્તિ મળે છે.
આ બધુ જ એક બીજાના આધાર પર છે તેથી ઉપરની વાત તદન પાયાવિહોણી છે કે જેની પાસે લક્ષ્મી હોય તેની પાસે બુદ્ધિ નથી હોતી અને જેની પાસે બુદ્ધિ હોય તેની પાસે લક્ષ્મી નથી હોતી.આ વાત એકદમ વ્યર્થ અને અર્થ વગરની છે.જો આ વાત ને પાયો હોય તો અબજોપતિ મુકેશ અંબાણી પાસે બુદ્ધિ નહી હોય એમ ?
એક સ્ત્રી ની વાત કરું તો સ્ત્રી જે પોતે જ સરસ્વતી સ્વરુપ હોય છે તે પોતાની બુદ્ધિ ,કળા અને વાણીથી આખા ઘરને સુંદર અને શોભાયમાન રાખે છે તથા આખા પરિવારને સંપીને રાખીને એકતા જાળવે છે. ટૂંકમાં સમજોને આખા ઘરને પોતાની બુદ્ધિ, કળા અને વાણીથી ધબકતું રાખે છે.
દરેક વિદ્વાનમાં વિદ્વતા,જ્ઞાની વ્યકિત માં જ્ઞાન, કવિ તથા લેખકોમાં રચનાત્મક શબ્દો અને સાહિત્ય, સંગીતકારમાં સુંદર સંગીત વગાડવાની કળા, ગાયનકાર માં ગાયન ગાવવાની કળા તેવી જ રીતે જેટલા પણ કલાકારો છે એ બધાની કળા, વાણી અને બૌદ્ધિક વિચારમાં સર્વત્ર મહાસરસ્વતી છે.
મને પણ રોજ શ્રી મહાસરસ્વતી સ્વરુપ બહુચર માં જ લખાવે છે. આ રોજ અવનવું જ્ઞાન અને સુંદર વિચારો પણ માં જ આપે છે તેવા શ્રી મહાસરસ્વતી માં ને મારા લાખ લાખ વંદન છે.
એક વાત કહું માતા મહાસરસ્વતીની કૃપાથી મહામૂર્ખ માણસ પણ મહાકવિ કાલિદાસ જેવો મહાજ્ઞાની બની જાય છે.
શ્રી મહાસરસ્વતી માં ના ત્રણ પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારોનું અને તેમનું વાહન મયૂર ( મોર ) કળા ની અભિવ્યક્તિ કરે છે. માં મહાસરસ્વતી શ્વેત ( સફેદ ) વસ્ત્રો ધારણ કરે છે તેથી તે પોતાના બાળકને હંમેશા શ્વેત બનાવવા માંગે છે એટલે કે મન, કર્મ અને વચનથી શ્વેત, સફેદ અને શુભ બનાવે છે.
માઁ આદિ પરાશક્તિ બ્રહ્માજીને સૃષ્ટિ બનાવવાનો આદેશ કરે છે ત્યારે બ્રહ્માજી પહાડો, નદીઓ,જંગલો,પ્રકૃતિ વગેરે બનાવે છે તે બધુ જડ હોય છે.બ્રહ્માજી આ બધુ જોઈને આશ્ચર્યચક્તિ થાય છે કે આ બધુ બનાવેલું તો જડ છે ? શું કામનું છે ? હવે હું શું કરૂં ? તે ફરીથી માઁ આદિ પરાશક્તિ પાસે પાછા આવે છે અને પૂછે છે કે આપની કૃપાથી આ બધુ મેં જે બનાવ્યું તે જડ છે હવે હું શું કરું ?
ત્યારે માઁ આદિ પરાશક્તિ બ્રહ્માજીને કહે છે કે તમે આ સૃષ્ટિ નિર્જીવ બનાવી છે તેનામાં સ્વર રૂપે પ્રાણ પૂરશો તો તે સજીવ થશે.તમે મારી આપેલી સરસ્વતી શક્તિના સંયોગથી આ તમામ જડ વસ્તુઓમાં પ્રાણ પૂરો.
ત્યારબાદ બ્રહ્માજીએ માઁ સરસ્વતી શક્તિના સંયોગથી પહાડો, નદીઓ, પ્રકૃતિ, જંગલોમાં સ્પંદન રૂપે અને વાણી રૂપે ( વાક્ સિદ્ધિ ) પ્રાણ પૂર્યા.
તમે જો જો નદીઓ વહે છે તો અવાજ આવે છે. પ્રકૃતિને કદી માણજો તેમાં પણ હવાના સૂસવાટાથી ખૂબ જ મીઠો અવાજ આવે છે.
શ્રી મહાસરસ્વતી માં ની ઉપાસનામાં ૧૪ વિદ્યા અને ૬૪ કલા નો સમાવેશ થાય છે તેથી દરેક મનુષ્યએ શ્રી મહાસરસ્વતી માં ની ઉપાસના કરવી જોઇએ.
જે સચરાચર જગતમાં વ્યાપ્ત છે તે ત્રણ પ્રધાન દેવીની એક દેવી શ્રી મહાસરસ્વતી આરાઘના ચૈત્ર,આસો,મહા,અષાઢના નવરાત્રિમાં વિશેષ ફળ આપે છે. તેમને સારી બુદ્ધિ, વાણી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.
માઁ મહાસરસ્વતીનો વાક્ બીજ મંત્ર ( ઐં ) છે.
દેવી ભાગવત પુરાણમાં મહાસરસ્વતીના આખ્યાનમાં એક મંત્ર વર્ણવેલો છે જે નીચે પ્રમાણે છે.
ૐ ઐં સરસ્વતયૈ ઐં નમ : ।।
જય મહાસરસ્વતી માઁ.
જય બહુચર માઁ.