જેના મુખ પર નિખાલસતા છે,જેની આંખોમાં અનોખું તેજ છે,જેનું વ્યક્તિત્ત્વ સંમોહન પમાડનારું છે,જેનું લક્ષ્ય જગદંબાના શરણોનું છે તે ખરેખર શક્તિનો સાધક છે.
હકીકતમાં કહું તો શક્તિનો સાધક હંમેશા ગુપ્ત રહે છે.આદિ પરાશક્તિ એ આપેલી શક્તિઓનું ક્યારેય પણ લોકો સમક્ષ પ્રદર્શન પણ કરતો નથી.શક્તિ નો સાધક ક્યારેય પણ એવું કહેતો નથી કે મારી પાસે મારી ભક્તિની શક્તિ છે.
શક્તિ નો સાધક માર્કન્ડેય પુરાણ,દેવી ભાગવત પુરાણ, દુર્ગા સપ્તશતી ચંડીપાઠ તથા શક્તિ સાધનાના અનેક ગ્રંથો ના પઠન કર્યા બાદ આદિ પરાશક્તિ ના મહિમાને જાણ્યા પછી પણ નથી જાણી શકતો.( આ વાક્ય સમજજો બહુ ગૂઢ વાત લખી છે )
મારા એક મિત્ર જેઓ શ્રી વિદ્યાના દીક્ષિત છે તે કહે છે કે શક્તિના સાધકમાં વાત્સલ્ય ભાવ આવે છે.તે લોકોની સંભાળ રાખે છે.દરેક માટે તેને દયા ભાવ જાગે છે.
મારી વાત આગળ લખું તો શકિતના સાધકના મુખ પર કાયમ હાસ્ય રહે છે.તે ક્યારેય ક્રોધિત થતો નથી.જો શક્તિનો સાધક કોઈની પર ક્રોધિત થાય છે તો આદિ શક્તિ તેનાથી નારાજ થઈ જાય છે.શક્તિનો સાધક સર્વ નું કલ્યાણ ઈચ્છે છે.
શક્તિના સાધકની અંદર ઈર્ષ્યા ભાવ જાગતો નથી.તે એવું માને છે કે આ પૃથ્વી પર ના તમામ મનુષ્ય જીવો તથા મૂંગા જીવો જગદંબાના બાળકો છે.આ તમામ જીવોનું હિત થવું જોઈએ.
શક્તિના સાધકની અંદર મનમાં છેક ઉંડે સુધી એવો ડર હોય છે કે જો મારાથી કંઈક ખોટું કાર્ય થઈ ગયું તો શક્તિ મારાથી નારાજ થઈ જશે.
શક્તિનો સાધક નિર્જન વનમાં તથા મધદરિયે તથા કુદરતી રીતે આવેલા તોફાનોમાં પણ ડરતો નથી.તેને માતાજીની ઉપર કાયમ શ્રદ્ધા રહે છે.
શક્તિના સાધકની પરીક્ષાઓ બહુ થાય છે.આ પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા વગર શક્તિનો સાધક જગદંબાના ચરણકમળ ના દર્શન પણ કેવી રીતે કરી શકશે ?
શક્તિની સાધના કઠિન પણ છે અને સહેલી પણ છે.શક્તિની સાધનાનો કોઈ સમય નથી હોતો.એક સાધક પોતાની અનુકૂળતાએ કોઈ પણ સમયે શકિતની ઉપાસના કરી શકે છે.
શક્તિનો સાધક ગુપ્ત રહે તે વધું સારું.પોતે કરેલા પાઠ, અનુષ્ઠાન કે વ્રત કોઈને કહેવા નહીં.કોઈને માર્ગદર્શન ચોક્કસ આપવું.કોઈ માંઈભકતને શક્તિની ઉપાસના કરવા શીખવવું પણ પોતે પોતાની જાતને જગદંબાના શરણોની ધૂળ સમજીને ગુપ્ત રહેવું.
અસ્તુ.
જય બહુચર માં.