આપણા ધર્મગ્રંથોમાં તથા શાસ્ત્રોમાં કયાંક ને કયાંક શકિત એટલે કે માં જગદંબા છે એના પુરાવા અથવા પ્રમાણ મળે છે.
શિવપુરાણમાં શિવ અને શકિતને એક કહ્યા છે. શિવ કહે છે કે દરેક જીવમાં તેઓ શિવ સ્વરુપે છે અને દરેક જીવમાં ઉર્જા સ્વરુપે શકિતનો વાસ છે.
વિષ્ણુપુરાણમાં શ્રી હરિવિષ્ણુ કહે છે જે સવારે કે સાંજે કોઈ પણ અભિમાન વગર માયા, દુર્ગા, વેદગર્ભા, અંબિકા, બહુચરા, ભદ્રા, ભદ્રકાલી, ક્ષેમ્યા, ક્ષેમંકારી વગેરે નામથી જગદંબાની સ્તુતિ કરે છે તેના સર્વ મનોરથ મારી કૃપાથી સિદ્ધ થશે.
વાયુપુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણન છે કે અરણ્ય (વન) માં તથા જયાં કોઈ પણ ના હોય તેવા નિર્જન માર્ગમાં, સમુદ્રની વચ્ચે એટલે કે જળની મધ્યમાં, પર્વત ઉપર વાઘ વગેરેના ભય વખતે, ચોર નાે ડર હોય ત્યારે અને કોઈ પણ ભયવાળી જગ્યામાં ચાલતા, ઉભા રહેતા, ખાતાપીતા ભય લાગે ત્યારે જે કોઈપણ માં જગદંબાનું નામ જપે છે તેને આ ભયના બંધનમાંથી મુકિત મળે છે.
નામ અને રૂપ રહિત શ્રી પરબ્રહ્મ પરમેશ્વર ના ઘણાં નામ કલ્પિત છે જેમાં મુખ્ય નામો શિવ, શિવા, વિષ્ણુ, લક્ષ્મી તથા આ પ્રસ્તાવિક દેવી જગદંબા વગેરે દેવી દેવતાઓના નામ અત્યંત સુખકારક છે તેમ જાણવું એવું લલિતાસહસ્ત્રનામ ભાષ્ય -સ્કંદપુરાણમાં મહર્ષિ વેદવ્યાસજી વર્ણવે છે.
તંંત્રશાસ્ત્રમાં વર્ણન છે કે હજારો અપરાધ કર્યા પછી પણ જે જગદંબા એવો શબ્દ બોલે છે તેને સદ્દગતિ પ્રાપ્ત થાય છે તેવી ગતિ બ્રહ્મા વગેરે દેવોને પણ મળતી નથી.
કામેશ્વર તંત્રમાં ઉલ્લેખ છે કે જે કોઈપણ મનુષ્ય માં જગદંબાનું મન થી સ્મરણ કરે છે તેના પર તમામ દેવો કૃપા કરે છે.
દેવી ભાગવત પુરાણમાં સ્વયં જગદંબા કહે છે કે હું સ્વયં આ જગતનું લાલન પાલન કરું છું. આ પૃથ્વી પરના તમામ જીવો મારા બાળકો છે. જે કોઈ મારા શરણે આવીને મારી પૂજા કરે છે તેના ભવભવના પાપોને બાળીને એને મોક્ષના દ્વાર તરફ લઈ જઉં છું.
આમ ઘણા બધા શાસ્ત્રોમાં તથા ધર્મગ્રંથમાં શકિતનું પ્રમાણ છે. આપણે તો કોઈ પ્રમાણ ની જરૂર જ નથી કે જગદંબા છે પણ આજે પૂનમ છે તો મન થયું કે ચાલો જગદંબાને યાદ કરીએ…
બોલો જય જગદંબા.જય અંબા.
બોલો જય બહુચર માં.