વિભૂતિ એટલે “દિવ્ય શક્તિ”
શિવપુરાણના વાયવ્યસંહિતા ખંડમાં શ્રી કૃષ્ણ અને ઉપમન્યુ વચ્ચેનો સંવાદ છે. શ્રી કૃષ્ણ ઉપમન્યુને પૂછે છે કે પરમેશ્વરી શિવા (પાર્વતી) અને પરમેશ્વર શિવનું યથાર્થ સ્વરૂપ શું છે ? આ બંને સ્ત્રી અને પુરુષે જગતને વ્યાપ્ત કેવી રીતે રાખ્યું છે ?
ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહ્યું કે પરમેશ્વરી શિવા અને પરમેશ્વર શિવનું હું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકું એટલો સક્ષમ નથી પણ સંક્ષિપ્તમાં કહું છું તે તમે સાંભળો.
ઉપમન્યુ શ્રી કૃષ્ણને કહે છે કે પાર્વતી શક્તિ છે તો શિવ શક્તિમાન છે. આ બંનેની વિભૂતિનું લેશમાત્ર જ આ સંપૂર્ણ ચરાચર જગતના રૂપમાં છે.અહીં કેટલુંક જડ છે તો કેટલુંક ચેતન. અહીં કેટલુંક પર છે તો કેટલુંક અપર. અહીં કેટલુંક શુદ્ધ છે તો કેટલુંક અશુદ્ધ.આ બંને પર શિવ અને શિવાનું સ્વામિત્વ છે. શિવ અને શિવાના વશમાં આ જગત છે.
આ જગત શિવ અને શિવાના શાસનમાં છે. જેવા શિવ છે તેવા શિવાદેવી છે.જેવા શિવાદેવી છે એવા શિવ છે.ચંદ્રમાં જેમ ચાંદની વગર નથી રહી શકતો. પ્રભા જેમ સૂર્ય વગર નથી થતી તેમ નિરંતર બંને એકબીજાના આશ્રયે રહે છે. ન તો શિવ શક્તિ વગર રહી શકે છે. ન તો શક્તિ શિવ વગર રહી શકે છે.
શિવની ઈચ્છાથી આદિ પરાશક્તિ આ જગતનો વિસ્તાર કરે છે તેથી તે રુદ્નની શક્તિ રૌદ્રી, વિષ્ણુની વૈષ્ણવી, બ્રહ્માની બ્રહ્માણી અને ઈન્દ્રની ઈન્દ્રાણી કહેવાય છે. પરાશક્તિ પરમાત્મા શિવની કલા છે.
જ્ઞાન,ક્રિયા અને ઈચ્છા આ ત્રણે શક્તિઓ દ્વારા ઈશ્વર શિવ સમસ્ત જગતને વ્યાપ્ત રાખે છે. શિવ પરાશક્તિની પ્રેરણાથી સૃષ્ટિનું સર્જન કરે છે. આ રીતે શક્તિના સંયોગથી શિવ શક્તિમાન કહેવાય છે. શક્તિ અને શિવના પ્રગટ હોવાને કારણે જગત શાક્ત અને શૈવ બને છે. જેમ માતા પિતા વગર પુત્રનો જન્મ થતો નથી તેમ ભવ અને ભવાની વગર આ ચરાચર જગતની ઉત્પત્તિ થતી નથી.
સ્ત્રી અને પુરુષથી પ્રગટ થયેલું જગત સ્ત્રી અને પુરુષરૂપ છે. આ સ્ત્રી અને પુરુષની વિભૂતિ છે. શિવ પુરુષ છે તો પાર્વતી પ્રકૃતિ છે. શિવની ઈચ્છાથી પરાશક્તિ એકતાને પ્રાપ્ત થાય છે ત્યારથી કલ્પ વગેરે આદિમાં સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થાય છે.
શિવ અને શક્તિમાંથી એક નાદની ઉત્પત્તિ થઈ. એમાંથી એક બિંદુ (શૂન્ય) ની ઉત્પત્તિ થઈ. એમાંથી સદાશિવનું પ્રાગટય થયું.
અહિંયા દેવી ભાગવત પુરાણમાં વર્ણવેલી “શૂન્યાનાં શૂન્યસાક્ષિણી” વાત યથાર્થ થાય છે. શૂન્યાનાં શૂન્યસાક્ષિણી એટલે જયારે કંઈ જ નહોતું એક શૂન્ય હતું તે શૂન્યની સાક્ષિણી આદિ પરાશક્તિ છે.
શિવજી દિવસ છે તો પાર્વતી રાત્રિ છે. શિવજી આકાશ છે તો પાર્વતી પૃથ્વી છે. શિવ સમુદ્ર છે તો શિવા તટભૂમિ છે. શિવ વૃક્ષ છે તો શિવા વૃક્ષ પર ફેલાઈ જનાર લતા છે. શિવ પુલ્લિંગ સ્વરૂપ છે તો પાર્વતી સ્ત્રીલિંગ સ્વરૂપ છે.આમ સમગ્ર સૃષ્ટિ શિવ પાર્વતીના તેજથી વ્યાપ્ત થયેલ છે.
શિવા અને શિવ સર્વનું કલ્યાણ કરનારા છે તેથી દરેક જીવે બંનેનું પૂજન, નમન અને ચિંતન કરવું જોઈએ. શિવા અને શિવની અનેક વિભૂતિઓનું વર્ણન જે કોઈ મનુષ્ય સમગ્ર ઈન્દ્રિયોને કાબૂમાં રાખીને વાંચન, શ્રવણ કે પઠન કરે છે તે કૈલાસને પામે છે, શિવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
જે વિષ જેવી પીડાને આધીન હોય તેવા મનુષ્ય માટે શિવા અને શિવની વિભૂતિઓનું વર્ણન સંજીવની સમાન છે.
ઉપમન્યુ અંતે શ્રી કૃષ્ણને કહે છે કે શિવ અને શિવાની વિભૂતિઓનું આ વર્ણન અત્યંત ગોપનીય હોવા છતાં મેં તમને કહ્યું. શિવની કૃપા ના થાય ત્યાં સુધી આ વિભૂતિઓનું વર્ણન કોઈ જાણી પણ શકતું નથી.
હર હર મહાદેવ.
જય બહુચર માઁ.