શિવજીનું નિવાસસ્થાન જે ધોળો ગઢ (પર્વત) છે તે કૈલાસ છે.આખા વિશ્વમાં પિરામિડ આકારનો એક જ પર્વત છે તે કૈલાસ છે.
માઉન્ટ એવરેસ્ટ ૮૮૦૦ મીટર ઉંચો છે ત્યાં ઘણા પર્વતારોહણ ચડી શક્યા છે પણ કૈલાસ ૬૬૦૦ મીટર જ ઉંચો છે છતાં આજ સુધી કોઈ પર્વતારોહણ ચડી નથી શક્યું તે કૈલાસ છે. કૈલાસ પર્વત ચૌમુખી દિશા ધરાવતો છે. કૈલાસ પર્વત ધરતીનું કેન્દ્ર છે. આ પર્વતમાં અનેકો બ્રહ્માંડો સમાયેલા છે. અહીં આકાશ અને ધરતીનું મિલન થાય છે. દશે દિશાઓ અહીં સાથે આવીને મળે છે. કૈલાસ પર્વતની ઉપર સ્વર્ગ છે તો નીચે મૃત્યુલોક છે.
કૈલાસ પર્વતની એક બાજુ સાત્વિક ઉર્જા છે તો બીજી બાજુ નકારાત્મક ઉર્જા છે. શિવ આ બંને ઉર્જાને સ્વયંની સાથે રાખે છે.
ઈતિહાસના પાનાઓ પર લખાયેલી વાતો અને પૌરાણિક ગ્રંથોમાં કંડારેલી સત્યતા અહીં પુષ્ટિ કરે છે કે કૈલાસ પર્વતની દક્ષિણ દિશામાં સૂર્ય જેવી સંરચનાવાળુ બ્રહ્મ તાલ છે જેને માનસરોવર કહે છે જે માનસરોવરના દર્શન કરવા શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને બીજી ઉત્તર દિશામાં ચંદ્ર જેવી સંરચનાવાળું રાક્ષસ તાલ છે ત્યાં કોઈ મનુષ્ય તો ઠીક જીવજંતુ પણ જતું નથી. બ્રહ્મતાલનું પાણી મીઠું છે અને રાક્ષસતાલનું પાણી ખારું છે.
છ પર્વતોની હારમાળા વચ્ચે એક કમળ જેવો કોઈ પર્વત છે તો તે કૈલાસ છે. પર્વતની ચારે બાજુ અલગ અલગ રત્નોથી શોભાયમાન છે. એક બાજુ સ્ફટિક, બીજી બાજુ માણેક, ત્રીજી બાજુ સોનું અને ચોથી બાજુ નીલમથી બનેલી છે તેમ પ્રાચીન ઋષિમુનિઓ ગ્રંથોમાં વર્ણવેલું છે.
શિવપુરાણ, સ્કંદપુરાણ, લિંગપુરાણ, મત્સ્યપુરાણ એમ દરેક પ્રાચીન ગ્રંથોમાં કૈલાસ નામનો એક ખંડ છે જેમાં કૈલાસનું માહાત્મય દર્શાવ્યું છે. તે ઉપરાંત શ્રીમદ્ ભાગવત અને રામાયણમાં પણ કૈલાસનું વર્ણન લખાયેલું છે.
શ્રીમદ્ ભાગવતના ચોથા સ્કંદમાં કૈલાસનું વર્ણન છે. બ્રહ્માજી દેવતાઓને લઈને કૈલાસ પર્વત જાય છે.દેવતાઓ અહીં જુએ છે કે કૈલાસમાં ઔષધિ, તપ, મંત્ર અને યોગ દ્વારા સિદ્ધ થયેલા દેવતાઓ નિવાસ કરે છે. કિન્નરો,ગંધર્વૉ અને અપ્સરાઓનો અહીં વાસ છે. અલગ અલગ ધાતુના રંગબેરંગી મણિસમાન શિખરો છે.
મંદાર, પારિજાત, સરલ, શાલ, તાડ અને અર્જુન જેવા હ્યુષ્ટ પુષ્ટ વૃક્ષો છે. અહીં જલપ્રવાહ વહે છે. જાતજાતના જંગલી પ્રાણીઓ ફરે છે. મોરનો સ્વર, મદાંધ ભ્રમરના ગુંજન, કોયલનો ટહુકો અને પક્ષીઓનો સુમધુર કલરવ અહીં થતો રહે છે.
અહીંના સરોવરમાં કુમુદ, ઉત્પલ, કલ્હાર, શતપત્ર નામક કમળો સુશોભિત છે. અહીં નંદા નામની નદી વહે છે જે પવિત્ર જળમાં પાર્વતીજી સ્નાન કરે છે. અલકા નામની નગરી અને સૌગન્ધિક નામનું સુંદર વન છે જે વનમાં સૌગન્ધિક પુષ્પો ખીલેલા છે. પરમાત્મા શિવના આ કૈલાસપર્વતની રમણીયતા જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય પામી ગયા અને આનંદિત થઈ ગયા હતા.
ધરતીની એક તરફ ઉત્તરી ધ્રુવ છે તો બીજી તરફ દક્ષિણ ધ્રુવ છે. આ બંને ધ્રુવની વચ્ચે હિમાલય છે જેનું મુખ્ય કેન્દ્ર કૈલાસ પર્વત છે.રશિયાના વૈજ્ઞાનિકોએ કૈલાસ પર્વતને Axis Mundi (એક્સિસ મુંડી) કહે છે. તેનો અર્થ થાય છે કે દુનિયાની નાભિ. તેઓએ તેમના રિસર્ચમાં લખ્યું હતું કે અહીં એવી અલૌક્કિ શક્તિ છે જે વારંવાર અનુભૂતિ થાય છે.
શાસ્ત્ર કહે છે કે કૈલાસ પર્વત તમામ નદીઓનું ઉદગમ સ્થાન છે.શિવજી અહીં બિરાજમાન થઈને જટામાંથી ગંગાજીની નિર્મળ ધારા પૃથ્વી પર પ્રવાહિત કરે છે જે ચારે દિશામાં ચાર મુખ્ય નદીઓમાં જઈ મળે છે.બ્રહ્મપુત્ર નદી,સિંધુ નદી,સતલજ નદી અને કરનાલી નદી.ત્યાંથી જ સરસ્વતી,યમુના જેવી અનેક નદીઓ વહે છે.
કૈલાસ પર્વતની ચારેદિશામાં ચાર પ્રાણીઓના મુખ જોવા મળે છે. પૂર્વમાં અશ્વમુખ, પશ્વિમમાં હાથીમુખ, ઉત્તરમાં સિંહમુખ અને દક્ષિણમાં મોરમુખ જોવા મળે છે.
પુરાણો અનુસાર ભગવાન શિવ પરિવાર સહિત પોતાના ગણો પાર્ષદો સાથે અહીં નિવાસ કરે છે. કૈલાસ પર્વતની પાસે ધનકુબેર નગરી છે. કૈલાસ પર્વત પાસે અપ્રાકૃતિક શક્તિઓ વસેલી છે. જો મનુષ્યે સારા કર્મ કર્યા હોય તો તેને કૈલાસમાં સ્થાન મળે છે.
વૈજ્ઞાનિકો પણ એ વાતની પુષ્ટિ કરી છે કે કૈલાસ પર્વતની આસપાસ “ૐ” અને “ડમરુ” નો અવાજ સંભળાય છે.
કૈલાસ પર્વત વિશે લખતા લખતા હું “શૂન્ય” થઈ ગયો હતો. મને અત્યારે નાનકડી ઝબકી આવી ગઈને હું પરમ શાંતિની અનુભૂતિ કરીને પાછો એટલે ઉઠયો કે હજી વધારે મહત્વ લખવું છે.
નાસાના વૈજ્ઞાનિકો કહે છે કે અહિં સપ્તધનુષી રંગો દેખાય છે. તેઓ કહે છે કે આ પર્વત પર કોઈ ચુંબકીય બળ છે. આ ચુંબકીય બળ આકાશ સાથે મળે છે જેના કારણે આ અદભુત શોભા દશ્યમાન થાય છે.
રોજ સવારે સૂર્યનારાયણ દેવ પરમાત્મા શિવજીના અહીં કૈલાસ પર્વત પર દર્શન કરવા આવે છે અર્થાત્ સૂર્યના કિરણો વહેલી સવારે કૈલાસ પર્વત પર પડે છે ત્યારે એક સ્વસ્તિક આકારની આકૃતિ બને છે
એક વૈજ્ઞાનિકે તેની પુસ્તકમાં લખ્યું હતું કે તેણે જયારે કૈલાસ પર્વત પર ચઢવાની શરૂઆત કરી ત્યારે તેના વાળ અને નખ વધવા લાગ્યા હતા.અર્થાત્ અહીં સમય બહુ ગતિમાન ચાલે છે. તેણે આગળ લખ્યું છે કે તે જેમ જેમ ઉપર ગયો તેમ તેના હ્દયના ધબકારા વધવા લાગ્યા હતા. તેનું મન ભારે થવા માંડયું હતું. તેણે અનુભવ્યું કે અહીં રેડિયોએક્ટિવ અતિશય માત્રામાં છે. ત્યારબાદ તે અધવચ્ચેથી જ પાછો આવ્યો હતો. નીચે આવ્યા બાદ તેનું મન પાછું હળવું થયું હતું.
કેટલાય ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, જોગીઓ, જૈન મુનિઓ, બૌદ્ધિષ્ટો, તત્વચિંતકો, શિવભક્તો અહીં પરમાત્મા શિવની ખોજમાં આવે છે અને શૂન્ય થઈ જાય છે.
કૈલાસ જવા માટે ભારત-ચીન ની સરહદ ઓળંગવી પડે છે. ચીનના તિબ્બટમાં કૈલાસ પર્વત આવેલો છે. અહીં માનસરોવરની પરિક્રમા કરતા ત્રણ દિવસ જેટલો સમય લાગે છે.
કૈલાસ પર્વત રહસ્યમય, ગુપ્ત અને અતિપવિત્ર છે. કૈલાસની પરિક્રમા કરવાથી જન્મ અને મૃત્યુના બંધનમાં ફરીથી આવવું પડતું નથી. કૈલાસમાં જ શિવ શરણમાં સ્થાન મળે છે.
વિષ્ણુનો ઉપાસક વૈકુંઠ ભણી.
શિવનો ઉપાસક કૈલાસ ભણી.
દેવીનો ઉપાસક મણિદ્વીપ ભણી.
અર્થાત્ જે જેની ભક્તિ કરે છે તેને તે સ્થાન પ્રાપ્ત થાય છે. જો કે આ બધા સ્થાન સમકક્ષ છે. કોઈનો ભેદ કરી શકાય તેમ નથી.
બાર જયોર્તિલિંગ, પશુપતિનાથ, અમરનાથ દર્શન કરી આવ્યા હોય તો એકવાર કૈલાસ જજો હોં ને.
“તમને ઈશ્વર જોવા હોવ તો કૈલાસ જજો હોં, પરમાત્મા ત્યાં જ છે.”
શિવ સમા રહે મુજ મેં ઔર મેં શૂન્ય હો રહા હું.
હર હર મહાદેવ.
જય બહુચર માં.